શિક્ષક માત્ર પાઠ્યક્રમ પાઠવનાર નહીં, પણ સમાજના ચારિત્ર્યના ઘડવૈયા: આચાર્ય દેવવ્રતજી

લુધિયાણાની બી.સી.એમ. આર્ય સિનિયર સેકન્ડરી સ્કૂલમાં આયોજિત વિશેષ સત્રમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું શિક્ષકોને સંબોધન
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી લુધિયાણાની બી.સી.એમ. આર્ય સિનિયર સેકન્ડરી સ્કૂલમાં આયોજિત એક વિશેષ સત્રમાં ઉપસ્થિત શિક્ષકોને સંબોધતાં જણાવ્યું કે શિક્ષણ ફક્ત જ્ઞાન આપવાનું સાધન નથી, પરંતુ ચારિત્ર્ય ઘડતર, મૂલ્ય સ્થાપના અને આત્મિક જાગૃતિ માટેનું શક્તિશાળી સાધન છે. આ સત્ર શિક્ષકો માટે પ્રેરણા, આત્મવિશ્લેષણ અને નવચેતનાનું સ્ત્રોત બન્યું હતું.
શ્રી આચાર્ય દેવવ્રતજી એ ‘શિક્ષકોને સશક્ત બનાવીએ’ વિષય પર વક્તવ્ય આપતાં કહ્યું કે, શિક્ષક માત્ર પાઠ્યક્રમ પાઠવનાર નથી, પરંતુ સમાજના ચારિત્ર્યના ઘડવૈયા, જીવન મૂલ્યોના સંરક્ષક અને જ્ઞાનના સાચા યોધ્ધા છે. તેમણે કહ્યું કે, સાચું શિક્ષણ એ ફક્ત માહિતી અને જાણકારી આપવી એટલું જ નથી, પરંતુ વિદ્યાર્થીઓના હૃદયમાં ઉદ્દેશ અને આત્મબળ જાગૃત કરવું તે છે. તેમણે શિક્ષકોને શિસ્ત, કરુણા અને ઉચ્ચ ચારિત્ર્ય સાથે શિક્ષણ કાર્યનું નેતૃત્વ કરવા આહ્વાન કર્યું હતું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો સંકલ્પ આપવામાં આવ્યો છે, તેનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, આ સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે આપણે આપણા સાંસ્કૃતિક વારસાને જાળવીને આધુનિકતાની દિશામાં આગળ વધશું. તેમણે સ્વામી વિવેકાનંદના વિચારોનું ઉદાહરણ આપતાં વિદ્યાર્થીઓને ભીડથી જુદી રીતે વિચારવા અને ચાલવા માટે પ્રેરિત કરવા શિક્ષકોને કહ્યું હતું.
રાજ્યપાલશ્રીએ શિક્ષકોને વિનંતી કરી કે, તેઓ દરેક પિરિયડ દરમ્યાન રોજે ઓછામાં ઓછી પાંચ મિનિટ એવા વિચારો રજૂ કરે, જે વિદ્યાર્થીઓને જીવનની સાચી દિશા દર્શાવે. તેમણે કહ્યું કે, આજનો યુગ ઝડપથી બદલાઈ રહ્યો છે અને જો આપણે સમય પ્રમાણે પોતાને નહીં બદલીએ તો પાછળ રહી જઈશું.
કાર્યક્રમની શરૂઆત સંસ્કૃતમાં રજૂ કરાયેલા સ્વાગત ગીતથી થઈ, જેમાં ભાવનાત્મક ઊર્જાનો અહેસાસ થયો. પછી વિદ્યાર્થી વંશિકાએ દેશભક્તિ ગીત રજૂ કરીને રાષ્ટ્રપ્રેમની ભાવનાને જીવંત બનાવી હતી. કાર્યક્રમનું ઉદઘાટન રાજ્યપાલશ્રી, શાળા અધ્યક્ષ શ્રી રાકેશ જૈન, મેનેજર કેપ્ટન વી.કે. સ્યાલ, નિર્દેશિકા ડૉ. પરમજીત કૌર, પ્રિન્સિપલ ડૉ. અનુજા કૌશલ અને અન્ય સન્માનનીય સભ્યોએ દીપ પ્રગટાવીને કર્યું હતું. આ અવસરે પ્રસ્તુત શાસ્ત્રીય નૃત્ય માત્ર એક કલાત્મક અભિવ્યક્તિ નહીં પરંતુ આત્મ-શોધ, સમર્પણ અને જીવનના ઉદ્દેશની શોધનો સંદેશ બની રહ્યું હતું.
કાર્યક્રમના અંતે આર્ય સમાજ જૂથની નિર્દેશિકા ડૉ. પરમજીત કૌરે રાજ્યપાલશ્રીનો આભાર માન્યો અને તેમના વિચારોને દરેક શિક્ષક માટે માર્ગદર્શક અને પ્રેરણાદાયક ગણાવ્યા હતા.