Western Times News

Gujarati News

પહેલગામ હુમલાની ઘટનાને પગલે ગુજરાત સરકાર J&K સરકારના સંપર્કમાં

આધુનિક હથિયારોથી તેમણે પ૦ કરતા વધારે રાઉન્ડ ફાયર કર્યા હોવાના અહેવાલો મળી રહયા છે.

ગાંધીનગર, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ પ્રવાસીઓ પર હુમલો કરવાની ઘટનાને પગલે દેશભરમાં ભારે આક્રોશ ફેલાયો છે. પર્યટન સ્થળે ગયેલા પ્રવાસીઓ કુદરતી નજારાને માણી રહયા હતા તે દરમિયાન ૬ થી ૭ જેટલા આતંકવાદીઓ બે-બે વ્યક્તિઓના જૂથમાં આવ્યા હતા અને અત્યંત આધુનિક હથિયારોથી અંધાધૂંધ ફાયરીંગ કર્યું હતું

જેમાં અંદાજે ર૦થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનું કહેવાય છે. સત્તાવાર રીતે આ આંકડો બહાર આવ્યો નથી પરંતુ ત્યાંની સ્થિતિ જોઈને અંદાજ લગાવવામાં આવી રહયો છે. બીજી તરફ ૧૦ થી ૧ર લોકો ઘાયલ થયા હતા જેમાં દેશના અલગ અલગ રાજયોના પ્રવાસીઓનો સમાવેશ થાય છે.

ગુજરાતના ૩ જેટલા પ્રવાસીઓ આતંકવાદીઓની ગોળીબારમાં ઘાયલ થયા છે તો અન્ય પ્રવાસીઓ પણ કાશ્મીર ફરવા ગયા છે તેઓ પણ ફસાયા હોવાની વાત બહાર આવતા જ ગુજરાત સરકાર એલર્ટ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહયા છે. ગુજરાત સરકારના સંબંધિત વિભાગના અધિકારીઓ જમ્મુ-કાશ્મીરના પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે અને ગુજરાતી પ્રવાસીઓની સ્થિતિ અંગે માહિતી મેળવી રહયા છે.

પહેલગામમાં બપોરે આતંકવાદીઓ ત્રાટક્યા હતા અને પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પુછીને તેમને ગોળીઓ મારી હતી આ દરમિયાન કેટલાક પ્રવાસીઓ ઘવાયા હતા જેમાં ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ગભરાયેલા પ્રવાસીઓની મદદે સ્થાનિક લોકો આવી પહોંચ્યા હતાં અને પોલીસને ફોન કર્યાં હતાં.

ખાસ તો ગુજરાતી પ્રવાસીઓએ પહેલગામમાં પણ અન્ય સ્થળોએ હોટલોમાં રોકાણ કર્યું છે તેઓ પણ આ ઘટનાથી ભયભીત થઈ ગયા છે. ગુજરાત સરકાર આ તમામ પ્રવાસીઓની સલામતીની માહિતી મેળવી રહી છે. બીજી તરફ જે ત્રણ પ્રવાસીઓ ઘાયલ થયા છે તેમને સારવાર મળી રહે તે માટે જમ્મુ-કાશ્મીર સરકાર સાથે વાતચીત શરૂ કરી દીધી છે.

જમ્મુ-કાશ્મીરની ઘટના પાછળ લશ્કરે તૌયબાનો હાથ હોવાનું બહાર આવ્યું છે. તૌયબાનું સંગઠન ટીઆરએફ દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી હોવાનું કહેવાય છે. લશ્કરની મીટીંગ આપહેલા મળી હતી જેમાં કાશ્મીરમાં કોઈ મોટા હુમલાને અંજામ આપવાની તૈયારીઓ કરવામાં આવી હતી.

એમ પણ જાણવામાં આવ્યું છે કે હુમલો કરનારા આતંકવાદીઓ અગાઉ સ્થળની રેકી કરી ગયા હતાં તેથી તેઓને આ હુમલાને અંજામ આપવામાં સમય ગયો ન હતો. અત્યંત આધુનિક હથિયારોથી તેમણે પ૦ કરતા વધારે રાઉન્ડ ફાયર કર્યા હોવાના અહેવાલો મળી રહયા છે.

ઘટનાની જાણ થતાં ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક અસરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘટનાથી વાકેફ કર્યાં હતાં વડાપ્રધાને તાત્કાલિક અસરથી ગૃહમંત્રીને કાશ્મીર જવા માટે જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.