ગુજરાત બન્યુ દેશનું ગ્રોથ એન્જિન, વંચિતોનો થયો વિકાસ

શિક્ષણમાં નવતર પ્રયોગો અને સમીક્ષા થકી ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો, સાક્ષરતા દર વધ્યોઃ જાહેર સુરક્ષા-સલામતીને હંમેશા પ્રાધાન્ય અપાયું છેઃ ‘પોલિસી ડ્રિવન સ્ટેટ’ની ઓળખ પ્રસ્થાપિત
આદિકાળથી અર્વાચીન કાળ સુધી ગુજરાત અનેક શાસકોના શાસનનું સાક્ષી રહ્યું છે. દ્વારકા, ગિરનાર, પાટણ, લાટ, વલભી, અમદાવાદ જેવા શાસનના કેન્દ્રો બદલાયાં પણ ગુજરાતે નાના વેપારથી લઈ વહાણવટા સુધી અને કૃષિથી લઈ કારખાના સુધીની સફરે ગુજરાતના વિકાસને હંમેશાં ગતિ આપી છે.
એમાંય ૨૦ વર્ષ પહેલાં દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કમાન સંભાળી ત્યારથી તો જાણે વિકાસ યજ્ઞની શરૂઆત થઈ! ગુજરાતે વિવિધ નીતિ ઘડતરથી લઈ તેના યોગ્ય અમલીકરણ થકી દેશભરમાં સુવ્યવસ્થિત-સુશાસન માટે ઉદાહરણરૂપ બન્યુ છે.
આજે દેશના ગ્રોથ એન્જિન ગુજરાતની તુલના વિશ્વના વિકસિત દેશો સાથે થવા લાગી છે. છેલ્લા બે દાયકામાં જનતાના સપનાઓને સાકાર કરવાની દિશામાં નવતર પ્રયોગો હાથ ધરાયા છે, જેણે ગુજરાતને નવી ઊંચાઈ હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. વિકાસનું મોડલ સ્ટેટ તરીકે ગુજરાતની ઓળખ પ્રસ્થાપિત થઈ છે ત્યારે આ છબીને જાળવી રાખવા માટે મક્કમ, મૃદુ અને સાલસ સ્વભાવના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતને દરેક ક્ષેત્રે ઉદાહરણરૂપ બનાવવા છેલ્લાં એક વર્ષથી દિવસરાત પ્રયાસરત છે.
ગુજરાતના જળ અને ઊર્જા વ્યવસ્થાપનમાં છેલ્લાં ૨૦ વર્ષમાં આવેલા પરિવર્તને વિશ્વના નીતિ-નિર્માતાઓ અને તજજ્ઞોને ગુજરાત મોડલનો અભ્યાસ કરવા માટે મજબૂર કર્યા છે. ગુજરાતમાં દુષ્કાળ માત્ર શબ્દ બનીને રહ્યો છે. છેલ્લાં ૨૦ વર્ષમાં રાજ્ય સરકારે દશકાઓથી ખોરંભે પડેલી ‘સરદાર સરોવર યોજના’ અંતર્ગત નર્મદા ડેમની ઊંચાઈ અને ૬૯ હજાર કિલોમીટરથી વધુ લાંબી નહેરોના વિશાળ નેટવર્કને તૈયાર કરવાને પ્રાથમિકતા આપી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી બન્યાના ૧૫ જ દિવસમાં નર્મદા પ્રોજેક્ટને પૂર્ણ ઉંચાઇ સુધી લઈ જવાની મંજૂરી આપીને તેમણે ગુજરાતને આપેલું વચન પૂરું કર્યું છે.
જેના પરિણામે રાજ્યમાં સિંચાઈ માટે બારેમાસ પાણી ઉપલબ્ધ થયું છે. નર્મદાના પાણી છેક કચ્છના છેવાડાના ગામ સુધી પહોંચ્યા છે. સુજલામ-સુફલામ તથા સૌની યોજનાના પ્રતાપે સૌરાષ્ટ્રના ૧૧૫થી વધુ ડેમો આજે પાણીથી છલકાઈ રહ્યાં છે. છાશવારે દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરતી કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજરાતની સૂકી ધરતી મા નર્મદાના નીરથી તૃપ્ત થઈ છે. નર્મદાના પાણી રાજ્યના ઘરે-ઘરે પહોંચે, ખેતરમાં સિંચાઇ માટે મળે તે માટેનો તેમનો સંઘર્ષ ગુજરાત આજીવન યાદ રાખશે.
રાજ્યમાં ૯૭ ટકાથી વધુ ઘરોમાં પીવા માટે શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પાણી નળથી પહોંચાડવા આવે છે. વર્ષ ૨૦૦૨ સ્થિતિએ જળશુદ્ધિકરણ પ્લાન્ટની ક્ષમતા ૮૧૦ એમ.એલ.ડી હતી જે આજે ૩,૩૬૮ એમ.એલ.ડી થઈ છે.
૨૧મી સદીના પ્રભાતે ગુજરાતમાં ઊર્જા ઉત્પાદન ક્ષમતા માત્ર ૮,૭૫૦ મેગાવૉટ હતી, આજે આ ક્ષમતા વધીને ૪૦ હજારથી વધારે મેગાવૉટ થઈ છે. પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં ગુજરાતે હરણફાળ ભરી છે. દેશની આઝાદીથી લઈ વર્ષ ૨૦૦૨ સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનું ઉત્પાદન માત્ર ૯૯ મેગાવૉટ હતું, જે આજે ૧૬,૫૦૦ મેગાવૉટથી વધુ છે. ‘જ્યોતિગ્રામ યોજના’ જેવી મહત્વપૂર્ણ યોજનાના અસરકારક અમલીકરણથી રાજ્યના તમામ ગામડાઓમાં ૨૪ કલાક વીજળી પહોંચી છે. રાજ્યમાં ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે.
આરોગ્ય ક્ષેત્રે ગુજરાતે આમૂલ પરિવર્તનો આણ્યાં છે. રાજ્યમાં આજે બે દાયકાના પ્રયાસોથી હોસ્પિટલમાં ડિલિવરીની ટકાવારી ૯૯.૫ ટકા પર પહોંચી છે, જેના કારણે માતા-બાળ મૃત્યુદરમાં ધરખમ ઘટાડો થયો છે. છેલ્લા ૨૨ વર્ષોમાં રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ૮.૩૮ લાખ જેટલા મોતિયાના ઓપરેશનો થયા છે.
‘મોતિયા અંધત્વમુક્ત ગુજરાત ઝુંબેશ’નું ગુજરાત મોડલ કેન્દ્ર સરકારે પણ અપનાવ્યું છે. વિશ્વનું પરંપરાગત દવાઓ માટેનું પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્ર ઉૐર્ંના સહયોગથી જામનગર ખાતે શરૂ આવ્યું છે. ગત ૨૦ વર્ષમાં રાજ્યમાં ૩,૨૦૦થી વધુ આરોગ્ય કેન્દ્રોના અદ્યતન મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યના ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ જેવા સામાજિક અભિયાનની વ્યાપક અસરથી જાતિ પ્રમાણમાં નોંધપાત્ર સુધારો થયો છે.
છેલ્લા બે દાયકામાં રાજ્યમાં કૃષિ-પશુપાલને નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. આજે રાજ્યમાં સિંચાઇ માટે પાણી ઉપલબ્ધતા, કૃષિ ક્ષેત્રે વૈજ્ઞાનિક માર્ગદર્શન, ઝીરો ટકા વ્યાજે લોન, સોઈલ હેલ્થ કાર્ડ, સૂક્ષ્મ પિયત પદ્ધતિનો વ્યાપ, ટેકાના ભાવે ખેતપેદાશોની ખરીદી, વગરે જેવી ખેડૂતલક્ષી પહેલના કારણે ઉત્પાદન વધ્યું છે અને જગતનો તાત સુખી થયો છે.
રાજ્યમાં ચેકડેમોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ ૨૦૦૨માં ૩,૫૦૦ જેટલા ચેકડેમ હતાં, આજે આ સંખ્યા ૧.૬૫ લાખ જેટલી થઈ છે. કલોલ ખાતે વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટની શરૂઆત કરાઈ છે. ખેતીની સાથે પશુપાલનને પણ પ્રોત્સાહન મળ્યું છે. છેલ્લા બે દાયકાઓમાં ૬૭ હજારથી વધુ પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને ૨.૭૫ કરોડથી વધુ પશુંઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે.
ગુજરાત આજે દૂધ ઉત્પાદનમાં અગ્રેસર બન્યું છે. વર્ષ ૨૦૨૨ની સરખામણીએ દૂધ ઉત્પાદન ક્ષમતા ૬૮૯ લાખ મેટ્રિક ટનથી વધીને આજે ૧૫૮.૫૩ લાખ મેટ્રિક ટન થઈ છે.
શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા વિવિધ નવતર પ્રયોગો હાથ ધરી શાળાઓમાં બાળકોનું ઐતિહાસિક નામાંકન કરાવ્યું છે. સરકારી શાળાઓને સ્માર્ટ અને ડિજિટલ ક્લાસથી સજ્જ કરવામાં આવી રહી છે. રાજ્યમાં ધોરણ ૧ થી ૮માં ભણતા બાળકોમાં વર્ષ ૨૦૦૨માં ડ્રોપઆઉટ રેશિયો ૩૭ ટકા હતો, જે આજે ઘટીને માત્ર ૩ ટકા જ રહ્યો છે.
‘રાઈટ ટુ એજ્યુકેશન’ એક્ટના યોગ્ય અમલથી વંચિત અને ગરીબ બાળકોને પ્રાઈવેટ શાળાઓમાં પણ નિઃશુલ્ક શિક્ષણ મળતું થયું છે. રાજ્યની તમામ શાળાઓના પર્ફોર્મન્સ પર નજર રાખવા માટે દેશનું સૌપ્રથમ ‘વિદ્યાસમીક્ષા કેન્દ્ર’ ગાંધીનગર ખાતે શરૂ કરવામાં આવ્યું છે.
રાજ્યના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે અન્ય રાજ્ય કે વિદેશ પર ર્નિભર ન રહેવું પડે તે માટે ઘરણઆંગણે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગત બે દાયકામાં એન્જિનિયરિંગ કોલેજાેની સંખ્યા ૨૬થી વધીને ૧૩૩ થઈ છે, જ્યારે મેડિકલ કોલેજાેની સંખ્યા ૧૧થી વધીને ૩૧ થઈ છે.
વ્યવસાયિક શિક્ષણ પર ભાર મૂકીને પોલિટેકનિકની સંખ્યા ૩૧થી ૧૪૪ કરવામાં આવી છે, જ્યારે પ્રોફેશનલ કોલેજાેની સંખ્યા ૧૦૮માંથી ૫૦૩ થઈ છે. ગુજરાતમાં મેડિકલ સીટ માત્ર ૧,૩૭૫ હતી, જે રાજ્ય સરકારના સતત પ્રયત્નોથી આજે ૫,૭૦૦ થઈ છે. આઝાદીથી લઈ અત્યાર સુધીના આ સમયગાળામાં જ ગુજરાતને રાજકોટ ખાતે પોતાની પ્રથમ એઈમ્સ હોસ્પિટલ મળી છે.
ગુજરાતમાં પહાડીઓથી માંડીને દરિયાકિનારાઓ, ધોળાવીરા જેવા ઐતિહાસિક સ્થળોથી લઇને મોર્ડન ગિફ્ટ સિટી, હેરિટેજ બિલ્ડીંગોથી લઇને આધુનિક બસ સ્ટેશન્સ અને બંદરો તેમજ કચ્છના સફેદ રણથી લઇને ગીરના જંગલો અને કેટલાંય અન્ય પ્રવાસન આકર્ષણો રહેલાં છે.
જેને ઓળખીને છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે રહેલી તકોને ઉજાગર કરી છે. ગુજરાતના માળખાકીય વિકાસે વિશ્વભરના પ્રવાસીઓ અને ઉદ્યોગજગતને ગુજરાતમાં આવવા માટે આકર્ષિત કર્યા છે. માત્ર પ્રવાસન સ્થળ કે તીર્થધામના વિકાસથી ઉપર ઊઠીને ‘બિઝનેસ ટુરિઝમ’ ક્ષેત્રે પણ નવીન સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે. ગિફ્ટ સિટી અને મહાત્મા મંદિર એના ઉત્તમ ઉદાહરણો છે. તાજેતરમાં રાજ્ય સરકારે ફિલ્મ નિર્માણ ઉદ્યોગને આકર્ષવા ‘સિનેમેટિક ટુરિઝમ પૉલિસી’ જાહેર કરી છે, જે રાજ્યના વિકાસમાં યોગદાન આપશે.
૨૧મી સદી એ જ્ઞાનની સદી છે, ડિજિટલ યુગની સદી છે. ડિજિટલ ગુજરાતના સ્વપ્નદૃષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ઇ-ગવર્નન્સના સુચારું અમલીકરણ થકી વિવિધ ડિજિટલ પહેલ શરૂ કરી હતી. રાજ્ય સરકાર દ્વારા સેવાઓના ડિજિટલ વિતરણની પ્રણાલીએ સામાન્ય નાગરિકના જીવનને વધુ સરળ બનાવવામાં તેમજ સરકાર સાથે જાેડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
રાજ્યમાં ૩૫ હજાર કિલોમીટરથી વધારે ઓપ્ટિકલ ફાઈબરનું વ્યાપક માળખુ તૈયાર કરવામાં આવ્યું છે, જેના થકી ૩૧૩થી વધુ સરકારી સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ બની છે. ઇન્ફોર્મેશન ટેકનોલૉજી આધારિત સેવાઓની નિકાસ ૨૫ હજાર કરોડ રૂપિયા સુધી લઈ જવાનું લક્ષ્ય નિર્ધારિત કરાયું છે.
રાજ્યની ખમીરવંતી પ્રજાની ઉદ્યોગ સાહસિકતા દેશ-વિદેશમાં સુવિખ્યાત છે. વર્ષ ૨૦૦૧માં આવેલા ભૂંકપે રાજ્યને ભયંકર નુકસાન પહોંચાડ્યું હતું. પરંતુ ભૂકંપ જેવી આપત્તિને અવસરમાં પલટીને ગુજરાતે નોંધપાત્ર માળખાયી સુવિધાઓ મજબૂત બનાવી છે. છેલ્લા બે દાયકામાં વિશ્વના મોટા ઉદ્યોગો ગુજરાતના આંગણે પધાર્યા છે.
‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ એટલે કે વ્યાપાર માટેની સુગમતામાં ગુજરાત દેશમાં અગ્રેસર છે. ભારતનું પ્રથમ ફાઇનાન્સિયલ ટેક સિટી ગિફ્ટ સીટી, ભારતનું પ્રથમ ડ્રીમ (ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઈલ) સીટી ‘સુરત ડાયમંડ બુર્સ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. જે દેશ-વિદેશના મૂડી રોકાણકારોને આકર્ષી રહ્યું છે.
જેના પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં વિદેશી મૂડીરોકાણમાં પ્રથમ સ્થાને છે. બે દાયકા પહેલાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની સંખ્યા ૨.૭૪ લાખથી વધીને આજે ૮.૬૬ લાખ થઈ છે. તેમજ બંદરો ઉપર કાર્ગો સંચાલન ક્ષમતા ૧૨૦૨.૭૪ લાખ મેટ્રિક ટન હતી, જે આજે ૫૩૨૪.૯૧ લાખ મેટ્રિક ટનની થઈ છે.
બે દાયકા પહેલાં આદિવાસી જાતિઓમાં જંગલ જમીન પર ખેતી કરવામાં ડર, ઓછું શિક્ષણ પ્રમાણ, સિકલ સેલ એનીમિયા, આરોગ્ય, શિક્ષણ, રસ્તાઓ, પાણી, વીજળી સહિતની મૂળભૂત સુવિધાઓનો અભાવ વગેરે જેવી વિવિધ સમસ્યાઓ તેમના માટે પ્રાણ પ્રશ્ન સમાન હતી. તેને નિવારવા માટે રાજ્યની સરકારે બજેટમાં ક્રમશઃ માતબાર વધારો કર્યો. ૧૮ લાખથી વધુ યુવાનોને રોજગારલક્ષી તાલીમ બાદ રોજગાર આપી પગભર કર્યાં છે.
આદિજાતિ વિસ્તારોમાં શાળાઓ, કોલેજાે અને છાત્રાલયની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આદિવાસી ગામોમાં વીજળીની તથા નળથી જળની સુવિધા પ્રાપ્ત થઈ છે. વન અધિકાર અધિનિયમના સફળ અમલીકરણથી ૯૧,૮૮૪ વ્યક્તિગત દાવાઓ માન્ય કરી ૬૦,૮૩૭ હેક્ટર જંગલની જમીનના અધિકારો આપવામાં આવ્યાં છે. આદિજાતિ વિસ્તારના ૯૮.૬૦ ટકા રેવન્યૂ ગામોને પાકા રસ્તાથી જાેડવામાં આવ્યાં છે. આદિજાતિ વિસ્તારોમાં રોજગારીનું સર્જન કરવા તેમજ ઉદ્યોગ સાહસિકતાને વેગ આપવા ૮ નવી જીઆઈડીસી એસ્ટેટનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ગુજરાતે છેલ્લા બે દાયકાઓમાં ‘પોલિસી ડ્રિવન સ્ટેટ’ની ઓળખ પ્રસ્થાપિત કરી છે. નક્કર પોલિસીઓ ગુજરાતની ધરોહર બની રહી છે. ગુજરાતે સેમીકંડક્ટર પોલિસી, ડ્રોન પ્રમોશન એન્ડ યુસેજ પોલિસી, એરોસ્પેસ એન્ડ ડિફેન્સ પોલિસી, નવી બંદર નીતિ, નવી સોલર એન્ડ હાઈબ્રિડ પોલિસી, ગારમેન્ટ એન્ડ એપેરલ પોલિસી, નવી યોગ નીતિ, હેરીટેજ ટૂરિઝમ પોલિસી, નવી ગુજરાત બાયોટેકનોલૉજી પોલિસી, સ્ટાર્ટ અપ પોલિસી, કૃષિ વેપાર નીતિ, સ્પોર્ટસ પોલિસી, વગેરે જેવી નીતિઓએ ગુજરાતની આર્થિક-સામાજિક સુખાકારીમાં સતત વધારો કર્યો છે.
ગુજરાતને વિકાસ પ્રણેતા કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. કારણ કે, આજે ગુજરાત ‘ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ’માં દેશમાં અગ્રેસર છે. ગુજરાત સ્ટેટ સ્ટાર્ટ અપ રેન્કીંગમાં સતત ત્રણ વર્ષથી બેસ્ટ સ્ટેટ જાહેર થાય છે. સ્ટાર્ટ અપમાં છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત ટોપ પર્ફોર્મર સ્ટેટ છે.
સોલાર રૂફ ટોપમાં ગુજરાત દેશમાં નંબર એક પર છે. નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ નાણાકીય વ્યવસ્થાપનના માપદંડોમાં ગુજરાત સમગ્ર દેશમાં પણ પ્રથમ ક્રમે આવ્યું છે. નીતિ આયોગના રિપોર્ટ મુજબ ગુજરાત નાણાકીય આયોજનમાં દેશમાં પ્રથમ સ્થાને છે. નીતિ આયોગના ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે.