ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા વન આવરણમાં નજીવો વધારો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Van.jpg)
ગાંધીનગર, ગુજરાતમાં દર ચોમાસા પૂર્વે કરોડો રૂપિયાના ખર્ચે લાખો-કરોડો રોપાનું વાવેતર જંગલ સહિતના વિસ્તારોમાં કરાતું હોવા છતાં દેશભરના રાજ્યોની સરખામણીમાં રાજ્યમાં જંગલ જમીન અને વૃક્ષારોપણના વિસ્તારમાં મામૂલી વધારો થવા પામ્યો છે.
વર્ષ ૨૦૨૧ની સરખામણીમાં ૨૦૨૩માં વન અને વૃક્ષારોપણમાં વૃદ્ધિ થવા પામી છે તેમાં ગુજરાત કરતા અનેક રાજ્યમાં મોટો વધારો થયો છે. ગુજરાતમાં વન અને વૃક્ષ આચ્છાદિત વિસ્તારમાં ફક્ત ૧૬૪.૦૮ કિલોમીટરનો જ વધારો થવા પામ્યો છે. ગુજરાતમાં દરેક ચોમાસામાં કરોડો રોપાનું વાવેતર કરાતું હોય છે પરંતુ પૂરતી માવજતના અભાવે તેમાંથી મોટાભાગના કરમાઇ જતા હોય છે.
સામાજિક વનીકરણ સહિતની વિવિધ ઝુંબેશના નામથી વાવેતર કરાય છે પરંતુ થોડા સમય પછી તેમાંથી અનેક ટ્રી ગાર્ડ ખાલી જોવા મળે છે. ખરેખર કેટલા રોપામાંથી મોટા વૃક્ષ થાય છે તેનો ઘટસ્ફોટ ભારત વન સ્થિતિ રિપોર્ટ-૨૦૨૩માં થવા પામ્યો છે. તે મુજબ સમગ્ર દેશમાં વર્ષ ૨૦૨૧ની તુલનામાં ૧૪૪૫.૮૧ ચોરસ કિલોમીટર વિસ્તારની વૃદ્ધિ થવા પામી છે.
તેમાં ગુજરાતમાં ૧૬૪.૦૮ ચોરસ કિલોમીટરનો વધારો દર્શાવાયો છે. આશ્ચર્યની વાત એ છે કે અનેક રાજ્ય એવા છે જેમાં ગુજરાત કરતા વધુ મોટી સંખ્યામાં આ વધારો નોંધાયો છે એટલું જ નહીં કુલ વન વિસ્તાર પણ વિપુલ પ્રમાણમાં છે. ગુજરાતમાં વન પર્યાવરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણની ઝુંબેશ દરમિયાન અનેક દાવા કરવામાં આવતા હોય છે પરંતુ વાસ્તવિક સ્થિતિ અલગ છે.SS1MS