Western Times News

Gujarati News

ગુજરાતના હજીરા પોર્ટ પર કોઇ હુમલો થયો નથી

File Photo

ગુજરાતના આવા જ એક મિસાઇલ હુમલાના વીડિયોનું PIB દ્વારા ફેક્ટ ચેક કરવામાં આવ્યું છે

નવી દિલ્હી,  જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. પહલગામના હુમલાનો જવાબ આપવા માટે ભારતીય સેનાએ ૭ મેની રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ એર સ્ટ્રાઇક ૯ આતંકી ઠેકાણાને ધ્વસ્ત કરી દીધા હતા. ત્યારથી પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ વધ્યો છે.

ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીર અને અન્ય ભારતીય સીમાઓ પર સતત હુમલાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુરૂવાર રાતથી સ્થિતિ વધારે નાજૂક બની છે. આવી નાજૂક પરિસ્થિતિમાં સોશિયલ મીડિયા પર અનેક ફેક વીડિયો અને ખોટી માહિતીઓનો રાફડો ફાટ્યો છે. એવામાં PIB અને ફેક્ટ ચેકની અન્ય સંસ્થાઓ આવા ફેક વીડિયોના કારણે તણાવ વધે નહીં તે માટે વીડિયો અને માહિતીઓની પુષ્ટિ કરી રહ્યું છે.

ગુજરાતના આવા જ એક મિસાઇલ હુમલાના વીડિયોનું PIB દ્વારા ફેક્ટ ચેક કરવામાં આવ્યું છે. PIBએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો પોસ્ટ કરી ફેક્ટ ચેક કર્યું હતું. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘આ વીડિયો વ્યાપકપણે સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવે છે કે, ગુજરાતના હજીરા બંદર પર હુમલો કરાયો છે.

જોકે, PIB એ પુષ્ટિ કરી કે, આ અસંબંધિત વીડિયો છે, જે ઓઇલ ટેન્કર પર વિસ્ફોટ દર્શાવે છે. વીડિયો ૭ જુલાઈ, ૨૦૨૧નો છે.’ આ સિવાય PIB એ આ વીડિયો શેર ન કરવા જનતાને અપીલ કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે, ત્યારે પાકિસ્તાને ગુરુવારે (૮ મે, ૨૦૨૫) જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સેના સ્ટેશનો પર મિસાઈલ-ડ્રોન વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યાે.

જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ પાકિસ્તાની મિસાઈલ અને ડ્રોનને આકાશ પર જ તોડી પાડવામાં આવ્યા હતા. જો કે આ હુમલામાં કોઈ પણ પ્રકારે ભારતને નુકસાન ન થયું હોવાનું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે તેવું જણાવવામાં આવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.