ગુજરાત હાઈકોર્ટની ટકોર ‘ભગવદ્ ગીતા’ ધાર્મિક ગ્રંથ નહીં, ‘ભારતીય સંસ્કૃતિ’ અને સભ્યતા છે
અમદાવાદ, ગુજરાતની શાળાઓમાં પ્રાર્થના વગેરેના સમયે ભગવદગીતાના શ્લોક ઉમેરવાના મુદ્દે થયેલી એક જાહેરહિતની અરજીમાં એક વધારાની અરજીની સુનાવણી ગુરુવારે હાઇકોર્ટ સમક્ષ થઇ હતી. જે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે એવી મર્મસ્પર્શી ટકોર કરી હતી કે,‘‘ભગવદ્ગીતા’ માત્ર એક ધાર્મિક ગ્રંથ નહીં પરંતુ ‘ભારતીય સંસ્કૃતિ’ અને સભ્યતાનો ભાગ છે.
જેમાં નિહિત સિદ્ધાંતો નૈતિક મૂલ્યો જ શીખાવે છે. તેથી ભગવદગીતા એ એક રીતે ‘મોરલ સાયન્સ’ એટલે કે ‘નૈતિક વિજ્ઞાન’ જ છે.’હાઇકોર્ટની ખંડપીઠે એવી ટકોર પણ કરી હતી કે આપણે વર્ષાેથી પાશ્ચાત્ય દુનિયાના નૈતિકતાના પાઠ ભણીએ જ છીએ. હાઇકોર્ટે એવી ટકોર પણ કરી હતી કે,‘ભગવદ્ગીતાનો મૂળ ભાવ છે કે ‘કર્મ કર ફલ કી ઇચ્છા મત કર’.
આ નૈતિકતાનો સિદ્ધાંત છે, એના કરતાં વધુ નથી. અરજદારની જે રિટ અરજી છે કે એ માત્ર પ્રોપેગન્ડાથી વધુ કંઇ જ નથી. હાઇકોર્ટ આવા મામલે આદેશ કરી શકે નહીં. નેશનલ પોલિસીથી વિરૂદ્ધનું એમાં કંઇ જ નથી. જો તમે આ મામલે દલીલ કરો તો અમે આજે જ આ કેસનો નિર્ણય કરી શકીએ છીએ.’
અરજદાર તરફથી આ મામલે કોઇ તારીખ આપવાની દલીલ કરવામાં આવી હતી, તેથી હાઇકોર્ટે એક મહિના પછી મુખ્ય કેસની સુનાવણી મુકરર કરી છે. અરજદારે વધારાની અરજીમાં એવી દલીલ કરી હતી કે,કોર્ટે આ મામલે આદેશ કરીને રાજ્ય સરકારને જવાબ રજૂ કરવાનું કહ્યું હતું પરંતુ સરકારે કોઇ જવાબ જ આપ્યો જ નથી.
એટલું જ નહીં ભગવદ્ગીતાને શાળામાં સામેલ કરવાની બાબત એ નેશનલ એજ્યુકેશન પોલિસીથી વિપરીત છે એમાં સર્વાંગી અભ્યાસની બબાત છે. ઓથોરિટીને આ મામલે જવાબ તો રજૂ કરવો પડે.’ જોકે કોર્ટે હાલ કોઇ રાહત આપી નહોતી.SS1MS