Western Times News

Gujarati News

સરકાર પાસે પૂરતા માણસો ના હોય તો તે તેમની સમસ્યા છે: હાઈકોર્ટની બે અધિકારીઓને ટકોર

રખડતા ઢોર અને ટ્રાફિક સમસ્યા મામલે ગુજરાત હાઈકોર્ટે બે અધિકારીઓને કરી ટકોર

ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એમ. કે. દાસ તથા અર્બન હાઉસિંગ અને ડેવલોપમેન્ટ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અશ્વિનીકુમારે હાજરી આપી હતી.

(એજન્સી)અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોરના કારણે ઉદભવેલ ટ્રાફિક સમસ્યાને લઈને કન્ટેમ્ટ પિટિશન પર સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે ટકોર કરી કે અત્યાર સુધી રસ્તે રખડતા ઢોર મામલે ૬૦ ઓર્ડર થયા છતાં પણ કોઈ ઉચિત કામગીરી ના જોવા મળતા ગૃહ વિભાગમાં સંબંધિત અધિકારીઓને કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો હતો. આ મામલામાં અગાઉની સુનાવણીમાં સરકારની પેરવી કરતા અધિકારીએ કહ્યું હતું કે ગુજરાત જ નહિ અન્ય રાજ્યોમાં પણ આવું થાય છે.

વકીલની ઝાટકણી કાઢતાં જજે કહ્યું કે વકીલ દર અઠવાડિયે મીઠું મીઠું બોલીને ગોળીઓ પીવડાવે છે એટલે ઉચ્ચ અધિકારીઓને બોલાવવાની ફરજ પડી. રખડતા ઢોર મામલે હાઈકોર્ટમાં ચાલતી સુનાવણીમાં કોર્ટના આદેશ બાદ ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એમ. કે. દાસ તથા અર્બન હાઉસિંગ અને ડેવલોપમેન્ટ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અશ્વિનીકુમારે હાજરી આપી હતી.

રખડતા ઢોર અને ટ્રાફિક સમસ્યા મામલે હાઈકોર્ટમાં થયેલ અગાઉની સુનાવણીમાં એએમસી અને રાજ્ય સરકારને અભ્યાસ કરવા સાથે નિષ્ણાંત કમિટિની રચના કરવાનું કહેવાયું હતું. તેમજ દબાણો દૂર કરવાના પણ નિર્દેશ અપાયા હતા તેમજ ચાર રસ્તા પર પાર્કિંગ કરવા પર દંડ વસૂલવા જેવા આદેશો પણ અપાયા હતા.

કોર્ટે ઉપસ્થિત થયેલ બંને સરકારી અધિકારીઓને ટકોર કરતાં કહ્યું કે વારંવાર રોડ તૂટતા જોવા મળે છે એટલે રોડ ઉપર રોડ બનાવવાના બદલે જૂનો રોડ કાઢીને નવો રોડ બનાવવામાં આવે. કેમકે એક વખત રોડ પર પાણી ભરાય એટલે તે ખરાબ થઈ જાય છે. કોર્ટ ફક્ત વાતો નહીં પરંતુ ઉચિત કામગીરી પર ભાર મૂકે છે. આ કામગીરી તમામ જિલ્લાઓમાં પણ કરવામાં આવે તેવી કોર્ટની અપેક્ષા છે.

હાઈકોર્ટે રખડતા ઢોર અને ટ્રાફિક સમસ્યા મામલે રાજ્ય સરકારના અધિકારીઓને ફટકાર લગાવતા કહ્યું કે આ મામલે અરજી થયાના ૫ વર્ષ પછી પણ સ્થિતિની ‘જેમ’ ને ‘તેમ’ છે. આ સમસ્યા દૂર કરવા અન્ય રાજ્યોનું ઉદાહરણ આપવાના બદલે કામગીરી કરવામાં આવે તો સમસ્યા હલ થાય.

સરકાર પાસે પૂરતા માણસો ના હોય તો તે તેમની સમસ્યા છે. પ્રત્યેક સુનાવણીમાં એકનું એક બહાનું કાઢી છટકી જવાના પ્રયાસ થાય છે. કોર્ટે કહ્યું કે હવે સમય બગાડયા વગર લોખંડી પંજાથી કામગીરી કરાશે. જવાબદારોને કોર્ટમાં બોલાવવા લાગીશું તો જ કામ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.