Western Times News

Gujarati News

“ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો પ્રજા વચ્ચે મુકત છે ?!”

ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો કયારેક આરોપીને કડક સજાઓ ફટકારે છે તો કયારેક સરકારના કેસોમાંથી આરોપીને નિર્દાેષ ઠરાવી છોડી મુકીને દેશના બંધારણનું અને લોકોની આઝાદીનું ગૌરવ જાળવે છે માટે તેમને ઝેડપ્લસ સુરક્ષાની જરૂર પડતી નથી ?!

તસ્વીર ગુજરાત હાઈકોર્ટ ખાતે ભાવનાત્મક રીતે યોજાઈ ગયેલ ધ્વજવંદન કાર્યક્રમની છે ! જેમાં ગુજરાત હાઈકોર્ટના અનેક વરિષ્ઠ ન્યાયમૂર્તિશ્રીઓ ઉપસ્થિત રહીને ન્યાયતંત્રના સ્વતાંત્ર્ય માટે અને સક્ષમતા અને નિષ્પક્ષતામાટે અડીખમ ભૂમિકા અદા કરી ચૂકેલા છે ! જેમાં ડાબી બાજુથી વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી બિરેનભાઈ વૈષ્ણવ, જસ્ટીસ શ્રી કોગ્ઝે દ્રશ્યમાન થાય છે !

જયારે અન્ય તસ્વીરમાં ગુજરાત હાઈકોર્ટના વર્તમાન અને પૂર્વ ન્યાયાધીશ દ્રશ્યમાન થાય છે ! આ ન્યાયાધીશો ફાંસીની કે જન્મટીપની સજા ફટકારે છે તો કયારેક સરકાર દ્વારા કરાયેલા કેસોમાં નિષ્પક્ષ અને નિડરતાથી ન્યાય તોળીને દેશના બંધારણનું અને ન્યાયતંત્રનું ગૌરવ જાળવતા રહે છે ! માટે તેમને ઝેડપ્લસ સુરક્ષાની જરૂર પડતી નથી ! અને પ્રજા વચ્ચે મુકત મને ફરી શકે છે ! આ દર્શાવે છે કે, લોકોના હૃદયમાં ન્યાયાધીશો પર કેટલો ભરોસો છે ! આ ભરોસો અડીખમ રાખવાનું કામ પણ ન્યાયાધીશોનું જ છે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા )

બ્રિટીસ જીવશાસ્ત્રી, વૈજ્ઞાનિક થોમસ હેનરી હકસલે કહ્યું છે કે, “આ જગતમાં સૌથી મજબુત વ્યક્તિ એ છે, જે એકલો ઉભો રહી શકે”!! જયારે અમેરિકાના ઈજનેર ચાર્લ્સ એફ. કેટરિંગે સરસ કહ્યું છે કે, “તોફાન જોઈને વહાણમાંથી ઉતરી ગયા હોત તો કોઈએ દરિયો પાર કર્યાે ના હોત”!! ભારતની આઝાદી સમયે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરૂ, ર્ડા. રાજેન્દ્ર પ્રસાદ, ર્ડા. ભીમરાવ આંબેડકર અને અબુલ કલામ આઝાદે પુરી એકતાથી અંગ્રેજો સામે લડત આપી

અનેક સંઘર્ષ ના ખેલ્યા હોત તો ભારતને આઝાદી ન મળી હોત ! દેશને પોતાનું આગવું બંધારણ ન મળ્યું હોત ! દેશમાં નિષ્પક્ષ, સ્વતંત્ર ન્યાયતંત્ર ન મળ્યું હોત ! અગાઉ આવા સિધ્ધાંતવાદી નેતાઓ ચૂંટાતા જેઓ સત્તા કરતા દેશના બંધારણીય મૂલ્યોને વધારે મહત્વ આપતા હતાં માટે દેશમાં નૈતિક અદ્યઃપતનનો વિકાસ થતો નહોતો ! ગેરબંધારણીય કાયદાઓ ઓછા રચાતા હતાં !

કારણ કે સત્તા પર જે ચૂંટાતા હતાં તેઓ બંધારણીય સિધ્ધાંતોથી વાકેફ હતાં ! આજે આવા લોકો વધારે ચૂંટાતા હોવાનું મનાય છે જેઓ પાસે “વોટ બેંક” છે ! રેવડીનું રાજકારણ ખેલવાની આવડત છે ! અને દબંગાઈ કરવાની ક્ષમતા છે ! માટે આઝાદીના ૭૬ વર્ષે સુશિક્ષિત સરકારી અને નિડર નેતાઓનું વર્ચસ્વ સત્તાના રાજકારણમાં ઘટયું છે ! માટે આ વધારાની જવાબદારી હવે ન્યાયતંત્ર પર આવી પડી છે ! અને દેશને આજે મૂલ્યનિષ્ઠ, બાંહોશ, કાબેલ ન્યાયાધીશોની જરૂર છે ! આ એક વિભાગ દુષિત થયો તો સમજવું કે ભૌતિક વિકાસના ભોગે નૈતિકતાનો મૃત્યુઘંટ વાગી ગયો છે ?!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.