હોમગાર્ડઝમાં અધિકારીની પરીક્ષામાં મોટાપાયે ગેરરીતિ આચરાયાનો આક્ષેપ

પ્રતિકાત્મક
ભાજપ-સંઘ સાથે સંકળાયેલાને પરીક્ષામાં બેસવા દેવાયાનો દાવો
(એજન્સી)અમદાવાદ, હોમગાર્ડઝમાં અધિકારીની પરીક્ષામાં મોટાપાયે ગેરરીતિ આચરાઈ હોવાના આક્ષેપો કરાયા છે. મહેસાણા ખાતે આવેલા સૂંઢિયા ટ્રેનિંગ સેન્ટરમાં છેલ્લા છ દિવસથી કંપની કમાન્ડર અને ડિવિઝનલ કમાન્ડન્ટની પરીક્ષાનું બંધ બારણે આયોજન કરવામાં આવ્યું છે જેનો બુધવારે છેલ્લો દિવસ હતો,
આ પરીક્ષાને લઈને અનેક ગેરરીતિના આક્ષેપો સામે આવી રહ્યા છે. આ પરીક્ષા માટે કોઈ સત્તાવાર પરિપત્ર કે જાહેર હુકમ બહાર પાડવામાં આવ્યો નથી. જો કે, ભાજપના કાર્યકર્તાઓ અથવા આરએસએસ સાથે સંકળાયેલા અંગત લોકોને જ આ પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. આ આક્ષેપો વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરાયા છે.
બે મહિના પહેલાં પ્લાટૂન કમાન્ડરની પરીક્ષામાં પાસ થયેલા અને જેઓ નિયમો મુજબ ક્રાઈટેરિયામાં નહોતા. તેવા અધિકારીઓને પણ જિલ્લા કમાન્ડન્ટ અને વડી કચેરીની મિલીભગતથી પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવી છે. હોમગાર્ડઝ સભ્યો માટે કડક નિયમો છતાં અધિકારીઓ માટે આવા કોઈ નિયમો લાગુ પડતા ન હોવાનું જોવા મળે છે.
જેમ કે કોઈપણ એક પરીક્ષા આપ્યા બાદ એક વર્ષનો ગેપ હોવો જોઈએ. જે અધિકારીઓના નિયમમાં આવતું નથી. અમુકઅધિકારી એવા છે જેઓ માત્ર હોમગાર્ડઝ દળમાં રોલ પર નામ ચાલુ રાખે છે. આવા અધિકારીઓ પોતાના યુનિટથી ર૦૦ કિ.મી. દૂર છેલ્લા ૧પ વર્ષથી રહે છે અને પરેડ કે ફરજ માટે કયારેય આવતા નથી છતાં પણ તેમને પરીક્ષામાં મોકલવામાં આવ્યા છે. આ પ્રક્રિયા કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલની દેખરેખ હેઠળ ચાલી રહી છે.