ગુજરાતને G20 સમિટની ૧૫ જેટલી બેઠકોનું યજમાનપદ મળ્યું

G-20 સમિટની રાજ્યોની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરતા વડાપ્રધાનશ્રી -ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ-કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલશ્રીઓ-રાજયોના રાજ્યપાલો વીડિયો કોન્ફરન્સમાં સહભાગી થયા
Ø વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં યોજાનારી G-20 સમિટનું ગ્લોબલ પ્લેટફોર્મ વિવિધતાસભર પ્રદેશ એવા ગુજરાતની વિકાસયાત્રા વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાનું સક્ષમ મંચ બનશે.
Ø ગુજરાતે કરેલા ઝિણવટપૂર્વકના આયોજનનું મુખ્યમંત્રીશ્રીએ વિવરણ આપ્યુ.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ભારતની અધ્યક્ષતામાં યોજાનારી G-20 સમિટની સફળતા માટે દેશના રાજ્યોએ કરેલા આયોજનની સર્વગ્રાહી સમીક્ષા પ્રધાનમંત્રીશ્રીએ નવી દિલ્હીથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ, વિદેશમંત્રી શ્રી જયશંકર તથા G-20 સમિટના શેરપા શ્રી અમિતાભ કાન્ત તેમજ દેશના રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ, રાજ્યપાલશ્રીઓ તથા કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપ રાજ્યપાલશ્રીઓ પણ આ બેઠકમાં વર્ચુઅલ માધ્યમથી સહભાગી થયા હતા.
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત રાજભવનથી આ વીડિયો કોન્ફરન્સમાં જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાતને આ સમિટની ૧૫ જેટલી બેઠકોનું યજમાનપદ આપવાની વડાપ્રધાનશ્રીએ આપેલી તક માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે એવો વિશ્વાસ દર્શાવ્યો હતો કે આ સમિટની ગુજરાતમાં યોજાનારી બેઠકોનું ગ્લોબલ પ્લેટફોર્મ રાજ્યની વિવિધતા સાથે વિકાસયાત્રાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાનું સક્ષમ પ્લેટફોર્મ બનશે.
શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ સંદર્ભમાં ગુજરાતે જે ઝીણવટપૂર્વકના આયોજનો કર્યા તેનું વિવરણ વડાપ્રધાનશ્રી અને બેઠક સમક્ષ આપ્યુ હતુ.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આ સમિટમાં ગુજરાતમાં આવનારા વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિમંડળો, મહેમાનો સમક્ષ ગુજરાતની આગવી પરંપરા, વિરાસત, સંસ્કૃતિ અભિનવ પરિયોજનાઓ, નિવેષ ક્ષમતા તથા અન્ય વિકાસ અવસરો પ્રભાવી રૂપે પ્રસ્તુત કરવામાં આવશે.
તેમણે ઉમેર્યુ કે રાજ્ય સરકારે આ સમિટની ૧૫ જેટલી બેઠકો ગુજરાતમાં યોજાશે તેમાં સહભાગી થનારા ડેલિગેશનને આતિથ્યભાવની વિવિધ અનુભૂતિ માટે સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવાઇ રહી છે.
રાજ્ય સરકારે આ અતિથિઓની સુરક્ષા, પ્રોટોકોલ, લોજિસ્ટિક્સ, પ્રવાસન જેવી બાબતો સહિત સમગ્ર સમિટના આયોજનને સફળ બનાવવા જૂદી જૂદી કમિટીઓની રચના કરી છે એની ભૂમિકા શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આપી હતી.
તેમણે જણાવ્યુ કે અમદાવાદ, ગાંધીનગર, સુરત, કચ્છ અને એકતાનગરમાં આ સમિટની બેઠકો યોજાવાની છે. આ સ્થળોની આસપાસના પ્રવાસ, પર્યટન સ્થાનો, સ્થાનિક ખાનપાન, વ્યંજન, ઇતિહાસ, પરંપરાગત સંસ્કૃતિનો આનંદ પ્રતિનિધિમંડળો માણી શકે તેની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મોસ્ટ પ્રીફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બનેલા ગુજરાતના ગિફ્ટ સિટી, ડ્રીમ સીટી સુરત, ધોલેરા SIR જેવા મહત્વપૂર્ણ વિકાસલક્ષી પ્રોજેક્ટની વિગતો પણ પ્રતિનિધિ મંડળને કરાવાશે તેની રૂપરેખા આપી હતી.
બેઠકના આયોજન સ્થાનો પર રાજ્યના પ્રસિદ્ધ શિલ્પકારો અને કારીગરોના લાઇવ આર્ટ-ક્રાફ્ટ પ્રદર્શન કરવાનું પણ સુનિશ્ચિત થયું છે તેની ભૂમિકા પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે આ સમિટને જનભાગીદારીથી સફળ બનાવીને ગુજરાત સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના વડાપ્રધાનશ્રીના મંત્રને વિશ્વ સમુદાય સમક્ષ સાકાર કરશે.
આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રી સાથે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, પંકજ જોષી તેમજ વરિષ્ઠ સચિવો પણ ગાંધીનગર ખાતે હાજર રહ્યા હતા.