Western Times News

Gujarati News

૨૪ કલાક વીજળી પ્રાપ્ત કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય

Gujarat is the first state in the country to get 24 hours electricity

આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ઉર્જા મંત્રાલય દ્વારા અમદાવાદ ખાતે ‘ ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય પાવર@૨૦૪૭  વીજ મહોત્સવ’નું આયોજન 

આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ઉર્જા મંત્રાલય દ્વારા ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય પાવર@૨૦૪૭ વીજ મહોત્સવનું આયોજન દસક્રોઈ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.

ભારતમાં વીજ ઉત્પાદનની ક્ષમતા ૨૦૧૪માં ૨,૪૮,૫૫૪ મેગાવોટ હતી જે આજે વધીને ૪,૦૦,૦૦૦ મેગાવોટ થઈ છે જે આપણા લક્ષ્યાંક કરતા ૧,૮૫,૦૦૦ મેગાવોટ વધારે છે. ભારત દેશ હવે તેના પાડોશી દેશોમાં વીજળીની નિકાસ કરી રહ્યું છે.

ભારતભરમાં ૧,૬૩,૦૦૦ નવી સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઈન ઉમેરવામાં આવી છે, જેથી સમગ્ર દેશને એક જ ફ્રિકવન્સી પર ચાલતી એક જ ગ્રીડમાં જોડી શકાય છે, લદાખથી કન્યાકુમારી અને કચ્છથી મ્યાનમાર સરહદ સુધીનો વિસ્તાર વિશ્વની સૌથી મોટી સંકલિત ગ્રીડ તરીકે ઉભરી આવ્યો છે.

આ ગ્રીડનો ઉપયોગ કરીને આપણે દેશના એક ખૂણેથી બીજા ખૂણે ૧,૧૨,૦૦૦ મેગાવોટ વીજળી ટ્રાન્સમિટ કરી શકીએ છીએ.

ભારત દેશે પેરિસમાં યોજાયેલ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ (COP21)માં વચન આપ્યું હતું કે ૨૦૩૦ સુધીમાં અમારી વીજ ઉત્પાદન ક્ષમતાના ૪૦% રીન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી હશે પરંતુ નિર્ધારિત સમય કરતાં ૯ વર્ષ વહેલા નવેમ્બર ૨૦૨૧ સુધીમાં આ લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે.

હાલમાં રીન્યુએબલ એનર્જી સ્ત્રોતો દ્વારા ૧,૬૩,૦૦૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરીએ છીએ. ૨૦૧૫માં દેશના ગ્રામીણ વિસ્તારોમાં પુરવઠાના સરેરાશ કલાકો ૧૨.૫ કલાક હતા જે હવે વધીને સરેરાશ ૨૨.૫ કલાક થયા છે.

દેશમાં સોલર પ્લાન્ટ અપનાવવા માટેની યોજના રજુ કરવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર ૩૦% સબસીડી આપે છે  અને રાજ્ય સરકાર ૩૦% સબસીડી આપે છે. આ ઉપરાંત ૩૦% લોનની પણ સુવિધા પ્રાપ્ત કરાવવા આવે છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી બાબુભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દેશની આધારશીલા એ વીજળી છે, ૨૦ વર્ષ પહેલા વીજ ક્ષેત્રે આ પરિસ્થિતિ નહોતી પરંતુ આજે વીજ ક્ષેત્રે ગુજરાતે અને ભારતે એટલી ઉપલબ્ધિ હાંસલ કરી છે, કે અન્ય દેશોમાં પણ ભારત વીજળીની નિકાસ કરી શકે તેમ છે.

ગુજરાતમાં સોલરપ્લાન્ટ અંગે જાગૃતિ ફેલાવવાની પહેલ જો કોઈએ કરી હોય તો તે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી છે તેમ તેઓએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે કે જ્યાં ૨૪ કલાક વીજળી પ્રાપ્ત થાય છે અને અન્ય રાજ્યમાં પણ આજે ૨૪ કલાક વીજળી પ્રાપ્ત થાય છે જે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શક્ય બન્યું છે.

અંતે તેઓએ સોલરપ્લાન્ટના લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા અને વીજ ક્ષેત્રે કાર્યરત અધિકારીશ્રીઓ અને મહાનુભાવોને અભિનંદન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લાપંચાયત કારોબારી અધ્યક્ષશ્રી વિનોદભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી ઉમેશભાઈ પટેલ અને યુ. જી.વી. સી.એલ ના એન્જિનિયર અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.