ગુજરાતનાં પત્રકારત્વના ઈતિહાસની ડોક્યુમેન્ટરી માહિતી ખાતાએ તૈયાર કરાવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/11/1611-gn-1-1024x769.jpg)
આ માટે માહિતી વિભાગનાં સચિવ અવંતિકા સિંઘ ઔલખ અને માહિતી નિયામક એ.એલ.બચાણી અભિનંદનના અધિકારી ગણાય.
ગુજરાત સરકારનું માહિતી ખાતું આમ દેખીતી રીતે તો સરકારનાં પ્રચાર પ્રસારનું કામ કરે છે અને બહુ જ સરસ છે રીતે કરે છે.પરંતુ આ ઉપરાંત માહિતી ખાતું ગુજરાતના અનેક વિષયોનું દસ્તાવેજીકરણ પણ ખૂબ સરસ રીતે કરે છે અને કરાવે છે.
હમણાં એક બિનસત્તાવાર સમાચાર એવાં મળ્યા છે કે માહિતી ખાતા દ્વારા તાજેતરમાં ગુજરાતના પત્રકારત્વના ઈતિહાસ પર એક માહિતીપ્રદ દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરવામાં આવી છે.
સુત્રો પાસેથી મળેલી માહિતી સાચી માનીએ તો ફ્રી લાન્સ જર્નાલીસ્ટ શૈલેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આ ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી છે. આ સમાચાર જો સાચાં હોય તો આ માટે માહિતી વિભાગનાં સચિવ અવંતિકા સિંઘ ઔલખ અને માહિતી નિયામક એ.એલ.બચાણી અભિનંદનના અધિકારી ગણાય. જોગાનુજોગ એ છે કે તાજેતરમાં જ એટલે કે ગત તા.૧૬/૧૧/૨૪ના રોજ ‘રાષ્ટ્રીય પત્રકારત્વ દિન’ હતો. તે સંદર્ભે આ સમાચાર વિશેષ પ્રાસંગિક બની રહે છે.
રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાઃનોખી માટીના નોખાં માનવી
ગુજરાત રાજ્યના સંસદિય બાબતો, પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ અને ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લ છગનભાઇ પાનસેરિયા એક સાવ નોખી માટીના નોખાં માનવી છે.અત્યંત સંવેદનશીલ અને પ્રેમાળ સ્વભાવ ધરાવતા પાનસેરિયા એમ.એ. પોલીટીકલ સાયન્સ સાથે એમ.એ.અને સોશ્યોલોજી સાથે એમ.એ.થયા છે. એમને વાંચનનો ખૂબ શોખ છે.
પાનસેરિયાને ગીતાના શ્લોક કંઠસ્થ છે.તેનુ કારણ એ છે કે ધોરણ ૧ થી ૭ સુધી તેઓ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના શેઢાવદર ગામમાં ભણ્યા છે. ત્યાં પાંડુંરંગ આઠવલેની સ્વાધ્યાય પ્રવૃત્તિમાં ખૂબ જ સક્રિયતાથી ભાગ લેતા હતા.એ સ્વાધ્યાય એટલો નિષ્ઠાથી કર્યો કે ગીતાના શ્લોક યાદ રહી ગયાં.એક બીજી વિશેષતા એ છે કે પાનસેરિયા એક માત્ર એવાં મંત્રી છે કે જેઓ ટી-શર્ટ પહેરીને સચિવાલયમાં આવે છે.
પાનસેરિયાને ગીતાના એક લીટીના ઉપદેશ “આપણે માત્ર નિમિત્ત છીએ, કર્તા ઈશ્વર છે” એ ઉક્તિમાં ભરપૂર શ્રદ્ધા છે. હમણાં જ ગયા બુધવારે એવું બન્યું કે પાનશેરિયા સુરતના સરથાણા રિંગરોડ વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે અકસ્માતનો ભોગ બનેલી એક લોહીલુહાણ મહિલાને જોતા તે મહિલાને પોતાની કારમાં બેસાડી ડાયમંડ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અપાવી હતી. પાનસુરીયા આવાં સંવેદનશીલ છે.
ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલનો પત્રકારો સાથેનો અવિવેક
ગત સોમવારે અહીં ‘ગાંધીનગર ડાયરી’માં સી?.આર.પાટીલ, મંત્રી વિશ્વકર્મા અને પાનસુરીયા તથા ધારાસભ્ય રીટાબહેન પટેલનાં પત્રકારો સાથેનાં સૌજન્યશીલ વ્યવહારની વાત કરી હતી.આ વાંચીને એક સિનિયર પત્રકાર મિત્રએ ટોણો માર્યો કે ભા.જ.પ.ના નેતાનાં પત્રકારો સાથેનાં અવિવેકની વાત તો લખો!
એમનો નિર્દેશ ગાંધીનગરનાં મેયર મીરાબહેન પટેલ દ્વારા દિવાળી પહેલા પત્રકારો સાથે કરવામાં કરવામાં આવેલાં અવિવેક તરફ હતો.વાત જાણે એમ બની હતી કે દિવાળીના તહેવારોના પ્રારંભે ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલની ઓફિસમાંથી તેમના કોઈ મદદનીશ દ્વારા પત્રકારોને ફોન કરવામાં આવ્યો કે “મેયરસાહેબ તરફથી આપને વિક્રમનાં નૂતનવર્ષ નિમિત્તે ભેટ આપવાની છે
તો આવતીકાલે ૧૧ઃ૦૦ થી ૧૨ઃ૩૦ દરમિયાન મહાનગરપાલિકાની કચેરીમાં આવીને મેયરના કાર્યાલયમાંથી આવીને આપની ભેટ લઈ જજો!” અમારા સિનિયર પત્રકાર મિત્રએ મેયરના એ સહાયકને જણાવી દીધું કે ‘અમને તમારા પ્રદેશ પ્રમુખ કે મુખ્યમંત્રી પણ ભેટ લેવા આવવાનું કહેતા નથી!એટલે અમે ભેટ લેવા નહીં આવીએ! એટલું મેયરને કહીં દેજો.’ મેયર મીરાબહેન પટેલની જાણ બહાર આ થયું છે કે એમને વિશ્વાસમાં લઈને આવા ફોન કરાયાં છે એની તો ખબર નથી પણ જે થયું છે તે અયોગ્ય થયું છે એ નક્કી હોં!
મંત્રીઓ ‘શેઠની શીખામણ ઝાંપા સુધી’ એ કહેવત સાચી સાબિત કરે છે
ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રીપદે ભૂપેન્દ્ર પટેલ તા.૧૨/૧૨/૨૨ના દિવસે પૂનઃ આરૂઢ થયા ત્યારે મોટા ઉપાડે, ગાઈ વગાડીને જાહેર કર્યું હતું કે હવેથી રાજ્ય સરકારના મંત્રીઓ દર અઠવાડિયે સોમવારથી શુક્રવાર સુધી સચિવાલયના સ્વર્ણિમ સંકુલ -૧ અને -૨મા બેસશે.આ જાહેરાત ગુજરાત રાજ્યના પ્રધાનો માટે આપણી જાણીતી કહેવત ‘શેઠની શિખામણ ઝાંપા સુધી’ જેવી પુરાવાર થઈ છે.
આજકાલ કોઈ પ્રધાન સચિવાલયના સ્વર્ણિમ સંકુલમાં પાંચ દિવસ સુધી બેસતા નથી.અરે કેટલાક મંત્રીઓ તો માત્ર મંગળવાર અને બુધવારના દિવસો પૂરતાં જ સચિવાલયમાં આવે છે.તેનું કારણ એ છે કે મંગળવારે સંસદસભ્ય અને ધારાસભ્યોને રજૂઆત કરવા માટે ફાળવાયો છે અને બુધવારે કેબિનેટની બેઠક હોય છે.જો કે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યાં પછી તો પ્રધાનમંડળની બેઠક પણ નિયમિત રીતે બુધવારે મળતી નથી.
(દા.ત.તા.૧૩/૧૧/૨૪ને બુધવારે પ્રધાનમંડળની બેઠક નહોતી મળી) એટલે જો બુધવારે કેબિનેટની બેઠક ન હોય તો મંત્રીઓ બુધવારે પણ પોતાની ઓફિસમાં આવતાં નથી! એનો અર્થ એવો થાય કે પાંચ દિવસ સચિવાલયમાં બેસવાના નીર્ણય સામે મંત્રી સરાસરી માત્ર એક જ દિવસ સચિવાલયમાં બસે છે.આ ગુજરાતની પ્રજાની કમનસીબી છે.
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીની ભીતરમાં શું છે?
રાજકોટની નાગરિક સહકારી બેંક એ ગુજરાતની અત્યંત પ્રતિષ્ઠિત બેન્ક છે.તાજેતરમાં તેનાં પૂર્વ ચેરમેન અને સદ્ગત અરવિંદ મણિયારના પુત્ર કલ્પક મણિયારે એક વિડીયો રેર્કોડિંગ દ્વારા રાજકોટ નાગરિક સહકારી બેંકની મુંબઈ અને જુનાગઢની શાખામાં મોટા પાયે થયેલી ગેરરીતિની વિગતો બહાર પાડી હતી.
એમ કહે છે કે આ બેન્ક પર ભા.જ.પ?.નો એવડો મોટો અજગર ભરડો છે કે ૧૯૯૬-૧૯૯૭ પછી તો બેંકના ડિરેક્ટરની ચૂંટણી પણ નથી થઈ.
તમામ ડિરેક્ટર બિનહરીફ ચૂંટાઇ આવે છે.એવું કહેવાય છે કે આ વર્ષની ચૂંટણી તા.૧૭/૧૧/૨૪ને રવિવારે યોજાઇ હતી તે માટે આ બેંકનાં ડિરેક્ટર અને પૂર્વ ચેરમેન કલ્પક મણિયારનો અહમ્ અને મહત્વાકાંક્ષા કારણભૂત છે.રાજકોટ નાગરિક સહકારી બેંક પર એકંદરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાબુ રહ્યો છે એવી છાપ છે.
ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં પણ કલ્પક મણિયાર સામે આખો સંઘ આવી ગયો છે અને તેનું નેતૃત્વ રા.સ્વ.સંઘે જ્યોતિન્દ્ર મહેતાને સોંપ્યું છે એવી એક છાપ સભાસદોમાં છે.
રાજકોટ રા્.સ્વ.સંઘમાં એવી લોખંડી શિસ્ત રહી છે કે ગમે તેટલા તીવ્ર મતભેદો છતાં જાહેરમાં કોઈ હરફ સુદ્ધાં ન ઉચ્ચારે.એ પરંપરા રાજકોટ નાગરિક સહકારી બેંકની ગઈકાલે યોજાયેલી ચૂંટણીથી તુટી છે!જે કદાચ વર્તમાન સંઘ અને ભા.જ.પ.ની તાસીર અને તસવીરના દર્શન કરાવે છે.