Western Times News

Gujarati News

ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં હીટવેવ

AI Image

તાપમાનમાં સામાન્ય કરતાં ૭થી ૯ ડિગ્રી ઓચિંતા વધારાના કારણે જનજીવનને માઠી અસર

નવી દિલ્હી,  દેશના મધ્ય અને પશ્ચિમ વિસ્તારમાં કાળઝાળ ગરમીએ કેર વરતાવી દીધો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ૨૭ મથકો પર તાપમાન ૪૩ ડિગ્રી કે તેથી વધુ નોંધાયુ હતું. જેમાંથી ૧૯ સ્થળ પર હીટ વેવની અસર વધુ જોવા મળી હતી. દેશમાં સૌથી વધુ ગરમી રાજસ્થાનના બાડમેરમાં નોંધાઈ હતી,

૪૬.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે બાડમેર અગનભઠ્ઠીમાં શેકાયુ હતું. દિલ્હીમાં તાપમાન ૪૦.૪થી ૪૧ ડિગ્રી જોવા મળ્યુ હતું. દેશમાં સૌથી વધુ ગરમી રાજસ્થાનના બાડમેરમાં જોવા મળી હતી.

સામાન્ય કરતાં ૭.૬ ડિગ્રી વધુ તાપમાન સાથે પારો ૪૬.૪ ડિગ્રી નોંધાયો હતો. જેસલમેરમાં ૪૫ ડિગ્રી, ચિત્તોડગઢમાં ૪૪.૫ ડિગ્રી, બિકાનેરમાં ૪૪.૪ ડિગ્રી અને શ્રી ગંગાનગરમાં ૪૪.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતું. આ સ્થળોએ તાપમાન સામાન્ય કરતાં ૭થી ૯ ડિગ્રી વધારે હતું. ગુજરાતમાં સુરેન્દ્રનગરમાં ૪૪.૮ ડિગ્રી, રાજકોટમાં ૪૪ ડિગ્રી, અમરેલીમાં ૪૩.૮ ડિગ્રી, મહુવા અને કંડલામાં ૪૩.૪ ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયુ હતું.

મહુવામાં તાપમાન સામાન્ય કરતાં ૮.૩ ડિગ્રી વધારે નોંધાયુ હતું. મહારાષ્ટ્રના અકોલામાં ૪૪.૧ ડિગ્રી, નંદુરબારમાં ૪૩.૫ ડિગ્રી, જલગાંવમાં ૪૩.૩ ડિગ્રી અને અમરાવતીમાં ૪૩ ડિગ્રી તાપમાન જોવા મળ્યુ હતું. મધ્યપ્રદેશના ગુના અને રતલામમાં ૪૩.૪ ડિગ્રી અને ૪૩.૨ ડિગ્રી તાપમાન હતું. હવામાન ખાતાના અનુમાન મુજબ, દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં ૧૦ એપ્રિલથી ગરમીમાં રાહત મળશે,

જ્યારે ગુજરાત અને મધ્યપ્રદેશમાં ૧૧ એપ્રિલથી ગરમી ઘટી શકે છે. મેદાની વિસ્તારમાં ૪૦ ડિગ્રી કે તેથી વધુ, દરિયાઈ વિસ્તારમાં ૩૦ ડિગ્રી કે તેથી વધુ અને પર્વતીય વિસ્તારોમાં ૩૭ ડિગ્રી કે તેથી વધુ તાપમાન નોંધાય ત્યારે હવામાન વિભાગ દ્વારા હીટ વેવ જાહેર કરવામાં આવે છે. અગાઉ હવામાન વિભાગે એપ્રિલથી જૂન મહિના દરમિયાન દેશભરમાં ગરમી વધારે રહેવાની આગાહી વ્યક્ત કરી હતી. ક્લાઈમેટ ચેન્જના કારણે હિટ વેવના દિવસો વધી રહ્યા હોવાનું વિજ્ઞાનીઓ માની રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.