Western Times News

Gujarati News

ગુજરાતે સોલાર પાર્કના નિર્માણ થકી દેશને નવો રાહ ચીંધ્યો

પ્રતિકાત્મક

જળવાયુ પરિવર્તનની અસર ઓછી કરવા અને ભાવિ પેઢીના પર્યાવરણના રક્ષણ માટે રાજયમાં સોલાર પાર્કના નિર્માણનો નવતર અભિગમ

રાજયમાં બિન પરંપરાગત ઉર્જાનો વ્યાપ વધે અને પર્યાવરણનું જતન થાય એ આશયથી તત્કાલીન મુખ્‍ય મંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દૂરંદેશી નીતિ થકી સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં સૌર ઊર્જા નીતિ અમલી બનાવીને દેશને નવી દિશા આપી હતી.

જળવાયુ પરિવર્તનની અસર ઓછી કરવા અને ભાવિ પેઢી માટે પર્યાવરણના રક્ષણ માટે રાજયમાં સોલાર પાર્કના નિર્માણનો નવતર અભિગમ દાખવીને માત્ર એક જ વર્ષમાં પાટણ જિલ્લાના ચારણકા ખાતે ૫૩૮૪ એકર બિન વપરાશી જમીનમાં ૫૯૦ મેગાવોટ ક્ષમતાનો સોલાર પાર્ક કાર્યરત કર્યો હતો.

ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ- જીપીસીએલ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રાજયમાં સોલાર પાર્કના વિકાસ માટે ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ- જીપીસીએલને કેન્‍દ્રવર્તી સંસ્‍થા તરીકે નિયુકત કરીને અસરકારક કામગીરી હાથ ધરી છે. આ સંસ્થા સ્‍વચ્‍છ અને ગ્રીન ઉર્જા ઉત્‍પન્ન કરવા માટે નવી-નવી ઉર્જાઓની પરિ યોજનાઓમાં સાહસિક અને ઝડપી પ્રારંભ કરવા માટે કામ કરી રહી છે.

જીપીસીએલએ જળવાયુ પરિવર્તનની અસર ઓછી કરવા અને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં સોલાર સેકટરને ધબકતું અને જીવંત બનાવીને આપણી ભાવિ પેઢી માટે પર્યાવરણના રક્ષણ માટે એશિયાનો વિશાળ ‘ગુજરાત સોલાર પાર્ક’ શરુ કર્યો છે.

ચારણકા ખાતે ૫૯૦ મેગાવોટ ક્ષમતાનો સોલાર પાર્ક ૫૩૮૪ એકર બિનવપરાશી જમીનમાં આવેલો છે. સંકલિત સોલાર પાર્ક ખાતે પાણી સંગ્રહ ઉપરાંત ઘર આંગણે વીજળી પૂરી પાડવાની પૂર્વ જરુરી સગવડો ઉપલબ્ધ છે.સોલાર પરિયોજનાની ૨૨૪ મેગાવોટની સ્‍થાપિત ક્ષમતા ૨૦ ડેવલપર્સથી શરુ કરવામાં આવી છે

અને આ વર્ષના અંત સુધીમાં બીજી ૫૦ મેગાવોટ ક્ષમતા વધારવામાં આવશે.આ રીતે ૨૭૪ મેગાવોટ ક્ષમતા દાખલ કરીને ભારતમાં ઉત્‍પન્ન કરવામાં આવતી કુલ સૌર ઉર્જાના ૨૫ ટકા જેટલું ઉત્‍પાદન કર્યુ છે. સોલાર પાર્ક પાસે વીન્‍ડ પાવરની ૧૦૦ મેગાવોટ ઉત્‍પન્ન કરવાની ક્ષમતા છે.

આ ઉપરાંત ૨.૧ મેગાવોટની ક્ષમતા ધરાવતી એક એવી બે વીન્‍ડ મીલ-પવનચકકી દ્વારા વીજ ઉત્‍પાદન શરુ કરવામાં આવ્યું છે.આ વિશ્વનો મોટામાં મોટો સોલાર-વીન્‍ડ હાઇબ્રીડ પાર્ક છે.આ સોલાર પાર્કથી ૩,૪૨,૪૦૦ ટન કાર્બન એમીશન રીડકશન્‍સ (સીઇઆરએસ) થાય છે, જે રીન્‍યુએબલ એનર્જી સેકટરમાં સીઇઆરએસમાં મોટામાં મોટું પ્રદાન કરતી પરિયોજના છે.

’સોલાર પાર્ક’ વિકસાવવાનો ખર્ચ રૂપિયા ૪૫૦૦ કરોડ હતો,જેમાં રૂપિયા ૫૫૦ કરોડ પૂર્વ જરુરીયાત સગવડો અને જમીન સંપાદન માટે અને રૂપિયા ૩,૯૯૬ કરોડ સોલાર પાવર પ્‍લાન્‍ટ (ડેવલપર્સ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ)માટે હતો.જેના થકી ૧૦૦૦ થી વધુ લોકો માટે કાયમી ધોરણે રોજગારી પુરી પાડી છે.

આ પરિયોજના ની શરુઆત તા. ૩૦/૧૨/ ૨૦૧૦ના રોજ કરવામાં આવી અને પ્‍લાન્‍ટ એક વર્ષમા પૂર્ણ કરી વર્ષ ૨૦૧૧માં તત્કાલીન મુખ્‍ય મંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્દભાઈ મોદી દ્વારા રાષ્‍ટ્રને સમર્પિત કરવામાં આવ્‍યો હતો.

“ગુજરાત સોલાર પાર્ક” સોલાર એનર્જી સેકટરમાં ખાસ નવીન પરિયોજનાઓ માંનો એક જ સ્‍થળે આવેલો અને વિશાળ પાયે સોલાર પાવર ઉત્‍પન્ન કરતા એકમો ધરાવતો આ પાર્ક છે, જેના પરિણામે નિભાવ ખર્ચ ૪૦ ટકા ઓછું થાય છે અને સોલાર પાવર પરિ યોજનાઓનો વિશાળ વિકાસ માર્ગ તૈયાર કરવામાં સહાયરુપ બનવા સોલાર શુલ્‍કને ઓછું કરતો પાર્ક છે.

કેટલાંક પડકારો અને મુશ્‍કેલીઓ હોવા છતાં, જીપીસીએલે આ નવતર પાર્કની જટીલ પરિયોજનાના અમલીકરણમાં આગવું કૌશલ્ય દાખવ્યું છે. આ અતિ મહત્વનો સોલાર પાર્ક સ્થાપીને સોલાર પાવરનું સેકટરનું દ્રશ્‍ય બદલી નાખવામાં જીપીસીએલે મોટો ફાળો આપ્‍યો છે. તેણે ભારતને સાચા અર્થમાં વિશ્વનું સૌર પાટનગર-સોલાર કેપીટલ બનાવી ગુજરાતને ગૌરવ અપાવ્‍યું છે. – દિલીપ ગજજર


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.