Western Times News

Gujarati News

રાજ્યના અનેક માર્કેટ યાર્ડ ધમધમતા થયા

બેડી માર્કેટ યાર્ડમાં ૧ લાખ ગુણી જેટલી મગફળીની આવક થઈ

અમદાવાદ,  લાભ પાંચમ (છઠ્ઠી નવેમ્બર)ના દિવસે પૂજા કરવાથી સાધકને વેપાર વગેરેમાં લાભ થાય છે. આજના દિવસ કોઈપણ નવા કાર્યની શરૂઆત કરવા માટે પણ શુભ માનવામાં આવે છે. ત્યારે દિવાળીની રજાઓ બાદ આજથી રાજકોટ, મોરબી, અરવલ્લી, જામનગર, પોરબંદર સહિતના માર્કેટ યાર્ડ ફરી ધમધમતા થયા છે. જ્યાં મગફળી, કપાસ અને સોયાબીન જેવી અન્ય જણસીની આવક શરૂ થઈ છે.

લાભ પાંચમના શુભ મુહૂર્તમાં આજથી રાજકોટનું બેડી માર્કેટ યાર્ડ શરૂ થયો હતો. આજે પહેલા દિવસે જ બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની આવક થઈ હતી. આજે ૧ લાખ ગુણી જેટલી મગફળીની આવક થઈ હતી અને ૧૨૫૦ રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. જો કે, ટેકાના ભાવ કરતાં ઓછા ભાવ મળતા ખેડૂતોમાં થોડી નિરાશા જોવા મળી હતી.

લાભ પાંચમના શુભ દિવસે મોરબી માર્કેર્ટ યાર્ડ ફરી ધમધમતું થયું છે. આજે વધુ આવક કપાસની થઈ હતી. મગફળી, બાજરો, એરંડા, તલ, ચણા, સોયાબીન વગેરેની પણ આવક થઈ છે. આજે ૧૧,૦૬૦ મણ કપાસની આવક થઈ હતી, જેના ૧૩૦૦થી ૧૫૫૦ રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો. આ ઉપરાંત ૨૮૭૫ મણ મગફળીની આવક થઈ હતી, જેનો ૮૪૦થી ૧૨૫૬ રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા.

દિવાળીના મિની વેકેશન બાદ જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ૩૪૫થી વધુ વાહનોમાં મગફળી સહીત જુદી જુદી જણસીની આવક શરૂ થઈ છે. મંગળવારથી યાર્ડ ખાતે મગફળી લઈને ખેડૂતો આવ્યા હોવાથી દોઢ કિ.મી. લાંબી કતાર જોવા મળી હતી. જેમાં આ વખતે ખેડૂતોને ૬૬ નંબરની મગફળીનો ભાવ ૨૧૦૦ રૂપિયા મળ્યો છે. આ યાર્ડ ખાતે તમિલનાડુથી મગફળીની ખરીદી કરવા માટે વેપારીઓ આવે છે.

લાભ પાંચમના દિવસે પોરબંદરના માર્કેટ યાર્ડમાં જણસીની આવક જોવા મળી હતી. ત્યારે આજે મગફળીના ભાવ ૧૦૦૦થી ૧૧૦૦ રૂપિયા જેવો મળ્યો છે. હજુ આગામી દિવસોમાં મગફળીની આવકમાં વધારો થશે, ભાવમાં પણ ભાવ વધારો જોવા મળશે. નોંધનીય છે કે, ખેડૂતોને મગફળીની ગુણવત્તા મુજબ ભાવ પણ સારા મળ્યા છે.

હિંમત નગર માર્કેટ યાર્ડ ખાતે ઘણાં સમથી મગફળીની આવકની શરૂઆત થઈ હતી. પરંતુ દિવાળીના તહેવારોને લઈ સાત દિવસ માર્કેટ બંધ થતાં (છઠ્ઠી નવેમ્બર) લાભ પાંચમના શુભ મુહૂર્તમાં ફરી ખરીદીની શરૂઆત થઈ હતી. ત્યારે મગફળીની ૧૫ હજાર જેટલી બોરીની આવક થઈ હતી અને ૧૨૦૦થી ૧૪૦૦ સુધીના પ્રતિ મણે ભાવ બોલાયો હતો.

લાભ પાંચમના શુભ દિવસે જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવક શરૂ કરવામાં આવી છે. પહેલા દિવસે જ મગફળી અને સોયાબીનની સૌથી વધુ આવક નોંધાઈ હતી અને હરાજી કરવામાં આવી હતી. સોયાબીનની ૧૦ હજારથી વધુ કટ્ટા અને મગફળીની ૧૫૦૦ થી વધુ ગુણીની આવક થઈ છે. જેમાં સોયાબીનના ૮૫૦ થી ૯૧૦ ભાવ બોલાયા હતા તો મગફળી ના પણ સારા ભાવ રહ્યા હતા.

અમરેલીના સાવરકુંડલા માર્કેટ માં હરાજીનો પ્રારંભ થયો છે. માર્કેટ યાર્ડમાં ચણાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ચણાનો ભાવ ૧,૦૦૦થી ૧,૫૬૧ રૂપિયા બોલાયો હતો.

માર્કેટ યાર્ડમાં ૪૦ મણની આવક નોંધાઈ હતી. જ્યારે મગફળીના એક મણના ૧૨૫૧ રૂપિયા અને કપાસના એક મણના ૧૫૭૦ રૂપિયા ભાવ રહ્યા હતા. નોંધનીય છે કે, અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું.

દિવાળીના વેકેશન બાદ મહેસાણા માર્કેટ યાર્ડ જણસીઓની આવકથી ધમધમતું થયું છે. આજે માર્કેટ યાર્ડમાં એરંડાની ૨૩૬ બોરીની આવક નોંધાઈ હતી. એરંડાની આવકમાં દિવાળીના તહેવારો પછી ઘટાડો નોંધાયો છે, જેનો નીચો ભાવ રૂપિયા ૧૨૬૮ અને ઊંચો ભાવ ૧૨૯૨ રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો.

જ્યારે રાયડાની ૩૪ બોરીની આવક જોવા મળી હતી. રાયડાની આવકમાં આજરોજ ઘટાડો નોંધાયો છે, જેના ભાવ ૧૦૭૫થી ૧૧૭૨ રૂપિયા પ્રતિ મણ રહેવા પામ્યો હતો. નોંધનીય છે કે, આજે ખેડૂતો કઠોળ, રાયડો, એરંડા અને રજકા સહિતના પાકો વેચાણ અર્થે લઈને આવ્યા હતા.

ચોમાસા પછી શિયાળુ પાકની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં લાભ પાંચમથી ખેડૂતોએ બટાટાની વાવણી કરવાનું શરૂ કરી દીધું છે. જેમાં જિલ્લામાં આશરે ૬૦થી ૭૦ હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.