Western Times News

Gujarati News

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલી ‘અમૃતકાળ’ એટલે ‘કર્તવ્યકાળ’ની વિભાવના ચરિતાર્થ કરવા સૌ સાથે મળી પ્રતિબદ્ધ બનીએ ઃ મુખ્યમંત્રી

ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત ભાવ, રાગ અને તાલના સંગમ એવા ‘ભારતકૂલ’ મહોત્સવનો પ્રારંભ કરાવતાં કહ્યું કે દેશ અને રાજ્યની કલા અને સંસ્કૃતિને ઉજાગર કરતાં આવાં આયોજનો દેશના યુવાનોને ગુલામીની માનસિકતામાંથી બહાર લાવવામાં મહત્વનું યોગદાન આપે છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો જે કોલ આપ્યો છે તેને સાકાર કરવા માટે ‘અમૃતકાળ’ને સાચા અર્થમાં ‘કર્તવ્યકાળ’ તરીકે ચરિતાર્થ કરવા સૌને સાથે મળીને પ્રતિબદ્ધ થવા મુખ્યમંત્રીશ્રીએ આહ્વાન કર્યું હતું.

ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમના પ્રારંભે સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘ભાવ’ વિશે વાત કરતા કહ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં ‘ભાવ’નું વિશેષ મહત્વ રહેલું છે. ‘ભાવ’ થી વ્યક્તિ અને વ્યક્તિત્વ બેય બદલાઈ જતા હોય છે. ત્યારે અહીં તો ભાવ-તાલ-રાગનો ત્રિવેણી સંગમ થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘અમૃતકાળ’ને સાચા અર્થમાં ‘કર્તવ્યકાળ’ ગણાવ્યો છે, ત્યારે આપણે પણ વર્તમાન સમયને કર્તવ્યકાળ તરીકે સ્વીકારીશું, તો જ ‘વિકસિત ભારત’ની સંકલ્પના સાકાર થશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સંસ્કૃતિ વિશે વાત કરતાં જણાવ્યું કે આપણી સંસ્કૃતિ અને ઇતિહાસને હરહંમેશ જિવંત રાખવી જોઈએ. આ પ્રકારના કાર્યક્રમો યુવા પેઢીને આપણી સંસ્કૃતિ, કલા અને ઇતિહાસ સાથે જોડશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે, યુવા પેઢીને આપણી સનાતન સભ્યતાના મૂળતઃ મૂલ્યોનો પરિચય થાય તે પણ અત્યંત જરૂરી છે. જેમ ઘટાદાર વૃક્ષ માટે ઊંડા અને મજબૂત મુળ હોવા જરૂરી છે તેમ સંસ્કૃતિ સંસ્કાર અને વિરાસતના જતન સંવર્ધનને સંગીન બનાવવા તેની સાથે યુવા શક્તિનું જોડાણ પણ આવશ્યક છે તેની વિસ્તૃત ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ પ્રેસ મીડિયાની કામગીરીને બિરદાવતા કહ્યું કે મીડિયાનો ‘ભાવ’ સમાજ માટે સારું કરવાનો હોય છે માટે માધ્યમોની સાચી ટીકાઓને વિશાળ લોકહિતમાં ધ્યાને લઈ, આપણે કાર્ય કરવું જોઈએ. કારણ કે, સરકાર અને માધ્યમો- બંનેનો હેતુ આખરે તો લોકકલ્યાણનો જ છે.

મુખ્યમંત્રીશ્રીએ સૌને સાથે મળીને આપણી સંસ્કૃતિ અને વિરાસતને જિવંત રાખીને વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધ થવા આહ્વાન કર્યું હતું.

આ તકે ગૃહ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રીશ્રી હર્ષ સંઘવીએ ‘ભારતકૂલ’ કાર્યક્રમ દ્વારા આજની યુવા પેઢીને ભારત, ભારતીય સંસ્કૃતિ અને ભારતીય વિચારો અંગે ઊંડી સમજ આપતાં આયોજન બદલ આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ઉમેર્યું કે ભારતીય સંસ્કૃતિ, કલા અને સંગીતને ઉજાગર કરવા માટે રાજ્ય સરકાર તત્પર છે, અને ભારતકૂલ દ્વારા ચાર દિવસ સુધી ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રનિર્માણને લગતા વિવિધ વિષયો પર કાર્યક્રમોનો વધુમાં વધુ યુવાનોને લાભ લેવા અપીલ કરી હતી.

શ્રી સંઘવીએ કહ્યું કે આપણી યુવા પેઢી ગુજરાતની સંસ્કૃતિની સાથે સાથે ભારતના વિવિધ રાજ્યોને જોડી તે રાજ્યોની ધરોહર અને સંસ્કૃતિ વિશે લોકોને માહિતગાર કરી શકે તેવા કાર્યક્રમો સતત થતા રહે, જેથી એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ થાય તેવી ભાવના તેમણે પ્રગટ કરી હતી.

આ પ્રસંગે ગુજરાત મિડિયા ક્લબના પ્રમુખ શ્રી નિર્ણય કપૂરે સંસ્થાનાં કાર્યો તથા ‘ભારતકૂલ’ કાર્યક્રમ વિશે વિસ્તૃત જાણકારી આપી, આ આયોજનને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ ગણાવ્યું હતું.

આ તકે મુખ્યમંત્રીશ્રી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રીએ કાર્યક્રમ સ્થળે આયોજિત શિવકથા તેમજ ફોટોજર્નલિસ્ટ્‌સ દ્વારા આયોજિત પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતકૂલ મહોત્સવ કુલ ચાર દિવસ સુધી યોજાશે જેમાં ભાવ, રાગ અને તાલના કાર્યક્રમો જેવા કે, ધાર્મિક કાર્યક્રમો, શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો, પત્રકારત્વ સંસ્કૃતિ, ફિલ્મોની સંસ્કૃતિ, રંગભૂમિને લગતી સંસ્કૃતિ, ચિત્ર પ્રદર્શન, શિલ્પ પ્રદર્શન, રંગયાત્રા, ફોટોગ્રાફી એક્ઝિબિશન, ગુજરાતી ભાષાનો રંગારો, ભારતીય વિજ્ઞાન સંસ્કૃતિના કાર્યક્રમો, આરોગ્ય, વેપાર વાણિજ્યના કાર્યક્રમો, રમતગમત વિચાર, પ્રવાસન તેમજ રાષ્ટ્રીય-નિર્માણ અંગેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય શ્રી જીતુભાઈ પટેલ, અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ ઝા, ગુજરાત મીડિયા ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દીક્ષિત સોની, જનરલ સેક્રેટરી શ્રી સંજય પાંડે, ભારતકૂલના ફાઉન્ડર શ્રી મલ્હાર દવે, ગુજરાત યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર શ્રીમતી નીરજા ગુપ્તા તેમજ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાકર્મીઓ તેમજ સાહિત્યરસિકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.