Western Times News

Gujarati News

ગુજરાતમાં ૧૫ દિવસમાં આટલી નગરપાલિકાઓએ દેવાળું ફૂક્યું

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના મત વિસ્તારની ખેડા અને મહેમદાવાદ નગર પાલિકાએ દેવાળું ફૂક્યું

(એજન્સી) અમદાવાદ, દેશમાં સૌથી વધુ સમૃદ્ધ અને મોડેલ સ્ટેટ ગણાતા ગુજરાતની એક બાદ એક નગર પાલિકાઓ દેવાળું ફૂંકી રહી છે અને વિકાસનું ફૂલગુલાબી ચિત્ર ધીમે ધીમે ઓસરી રહ્યું છે.

જી હા, છેલ્લા ૧૬ દિવસમાં જ ગુજરાતની ૭ નગર પાલિકાઓ પોતાનું લાઈટ બિલ ભરી શકી નથી. શહેરના લોકોને પાણી વિતરણ કરાય છે તેવી મહત્વની અને પ્રાથમિક સુવિધા ગણાતા વોટર વર્કસ વિભાગનું લાઈટ બિલ પણ આ પાલિકાઓ ભરી શકી નથી.

મતલબ કે, વાતો ભલે આર્ત્મનિભર ગુજરાતની કરવામાં આવતી હોય પરંતુ ભાજપ સહિતના પક્ષો શાસિત નગર પાલિકાઓ દેવાના ડુંગર નીચે દબાઈ ગઈ છે અને હવે લાઈટ બિલ ભરવાના પણ પૈસા ના હોવાથી ચૂંટણીમાં વિકાસની વાતો કરનારા પ્રજાના પ્રતિનિધિઓને હવે મોંઢું સંતાડવા માટે જગ્યા નથી મળી રહી.

સૌથી પહેલાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના મતવિસ્તારની જસદણ નગરપાલિકાએ દેવાળું ફૂંક્યું. તેના પછી કેબિનેટ મંત્રી મૂળુ બેરાના મત વિસ્તારની સલાયા નગર પાલિકાએ દેવાળું ફૂંક્યું.

તેના પછી કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના મત વિસ્તારની ખેડા અને મહેમદાવાદ નગર પાલિકાએ દેવાળું ફૂક્યું અને બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકા, પંચમહાલની ગોધરા નગરપાલિકા અને આણંદની બોરિયાવી નગર પાલિકા લાઈટ બિલ ભરવા જેટલી પણ સક્ષમ ના હોવાથી વીજ વિભાગે કનેક્શન કાપી નાખ્યું છે.

અને જનતા હવે ભગવાન ભરોસે મૂકાઈ ગઈ છે. નગર પાલિકાએ બિલ ન ભરતા વીજ કંપનીએ સ્ટ્રીટ લાઈટના કનેક્શન કાપી નાખતાં નગરોમાં અંધારપટ છવાઈ ગયો છે.

છેલ્લા ૩ દિવસથી સલાયાની જનતાને પીવાના પાણી માટે પણ વલખાં મારવાં પડે તેવું શાસન કરી રહ્યા છે પ્રજાના પ્રતિનિધઓ. ચૂંટણીમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરતા રાજકીય પક્ષો એવું કહી રહ્યા છે કે પાલિકા પાસે આવકના કોઈ સ્ત્રોત નથી.

જાે પાલિકા પાસે આવકના કોઈ સ્ત્રોત નથી તો ચૂંટણી લડવા અને જીતવા માટે આકાશ પાતાળ એક કેમ કરે છે આ નેતાઓ… ચૂંટણી આવે ત્યારે ગુજરાતની પ્રગતિની અને જનતાની સેવા કરવાનાં વચન આપતા પ્રજાના પ્રતિનિધિઓના અણઘટ વહીવટના પાપે પાલિકાની તિજાેરીઓ સફાચટ થઈ ગઈ છે

અને હવે લાઈટ બિલ ભરવાના પણ પૈસા નથી આ પાલિકાઓ પાસે. જનતાએ જેમને ખોબલે ખોબલે વોટ આપ્યા એ સત્તાધીશો હવે જનતાને પીવાનું પાણી અને સ્ટ્રીટ લાઈટનું અજવાળું આપવા માટે સક્ષમ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.