ગુજરાતમાં PM મોદીના કાર્યક્રમોમાં ક્યુઆર કોડ વિના પ્રવેશ મળશે નહિં

કાર્યક્રમને લઈ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે- ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદ, દાહોદ, ભૂજમાં કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે.
(એજન્સી)ગાંધીનગર, આગામી દિવસોમાં ગુજરાતમાં વડાપ્રધાનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, તેમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં હાજર રહેનારાઓને ક્યુઆર કોડ આપવામાં આવી રહ્યાં છે. આ ક્યુઆર કોડ સ્કેન કરાયા બાદ જ કાર્યક્રમમાં એન્ટ્રી મળશે.
સુરતમાં ભાજપના કોર્પોરેટરો, હોદ્દેદારો સાથે એન.જી.ઓ. જે હાજર રહેવાના હોય તેઓને ક્યુઆર કોડ માટેની પ્રક્રિયા થઈ રહી છે. વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજર રહેનારાની ઊઇ કોડ બાદ જ એન્ટ્રીની વાત સુરતમાં ચર્ચાનો વિષય બની છે.
ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદ, દાહોદ, ભૂજમાં કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે. આ કાર્યક્રમમાં સુરત પાલિકાના ૫૦૦ કરોડથી વધુના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાત મુર્હૂત કરવામાં આવશે. જેમાં ૧૫૦ કરોડના બાયોડાયવર્સીટી પાર્કનો સમાવેશ થાય છે. વડાપ્રધાનના આ કાર્યક્રમમાં સુરતથી ૧૪૦૦ લોકો જાય તેવો અંદાજ કરવામાં આવી રહ્યો છે.
આ કાર્યક્રમમાં ભાજપના કોર્પોરેટરો , શહેરના હોદ્દેદારો, વોર્ડના પ્રમુખ, માજી પ્રમુખ સાથે શહેરના એન.જી.ઓના સભ્યો, તબીબ અને સી.એ. જેવાને હાજર રાખવા માટે કવાયત શરૂ થઈ રહી છે. જોકે, જેમને અપેક્ષિત હોય તેવાને ક્યુઆર કોડ જનરેટ કરવામાં આવી રહ્યાં છે. ભાજપના ગ્રુપમાં QR કોડ માટે સુચના આપવામાં આવી છે. જેમનું રજીસ્ટ્રેશન થાય છે, પરંતુ ક્યુઆર કોડ જનરેટ નથી થતો તેના માટે ટેકનિકલ સર્પોટ પણ આપવામાં આવી રહ્યો છે.
ભાજપમાં એવી ચર્ચા ચાલી રહી છે કે વડા પ્રધાનનો કાર્યક્રમ હોય તેમાં મોટી મેદની ભેગી કરવા માટે બસ અને અન્ય વાહનોનો ઉપયોગ થતો હોય છે. તેમાં કોણ આવે છે તે પણ જોવામાં આવતું નથી.
પરંતુ પહેલી વાર ભાજપના જ કોર્પોરટેરો, હોદ્દેદારો સાથે નાગરિકો પણ છે તેઓને ક્યુઆર કોડ આપવામાં આવી રહ્યાં છે તે નવાઈની વાત છે. જેનો QR કોડ સ્કેન થશે તેમને જ કાર્યક્રમ સ્થળે એન્ટ્રી મળશે, તેમ હોવાથી હવે QR કોડ જનરેટ કરાવવા માટે દોડધામ થઈ રહી છે.