ગુજરાત પોલીસના વર્તનથી ન્યાય મળવામાં મોડું થતાં તેમના બંધારણીય હકોના ઉલ્લંઘન બદલ કોણ જવાબદાર?
ગુજરાત પોલીસ ફરિયાદ ન લેતી હોવાનું ખુદ સરકારે સ્વીકાર્યું-નાગરિકોની ફરિયાદ લેવા અધિક ગૃહસચિવે સીપી-એસપીને પત્ર લખ્યો
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત રાજ્યમાં છેલ્લાં કેટલાક સમયથી લોકો પોલીસના મનસ્વીપણાની ફરિયાદ કરી રહ્યા છે. સામાન્ય નાગરિકો એકબાજુ ન્યાય મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. તો બીજી તરફ, અસામાજિક તત્ત્વો મનફાવે તેમ જાહેરમાં ગુનાખોરીને અંજામ આપી રહ્યા હોય તેવા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે.
વર્ષોથી નાગરિકો પોલીસ ફરિયાદ નોંધતી નથી તેવા પર આરોપ લગાવે છે, પરંતુ હવે જનતાના આ આરોપ સાચા પડ્યા છે. આ વાત હવે રાજ્ય સરકારે જ આડકતરી રીતે લેખિતમાં સ્વીકાર્યું છે. અધિક ગૃહ સચિવ એમ. કે. દાસે સીપી અને એસપીને પત્ર લખીને ચીમકી આપી છે કે, તમામ એફઆઈઆર તાત્કાલિક નોંધવામાં આવે, નહીં તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
હાલમાં જ સ્વાગત (સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રિવ્સ બાય ઍપ્લિકેશન આૅફ ટૅક્નોલાજી) કાર્યક્રમમાં લોકોએ પોલીસ દ્વારા ફરિયાદ ન લેવાતી હોવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ ૨૭ ડિસેમ્બરે અધિક ગૃહ સચિવ એમ. કે. દાસે રાજ્યના તમામ પોલીસ કમિશ્નરો અને જીઁને ચાર ફકરાનો પત્ર લખીને ટકોર કરી છે કે, ‘સામાન્ય માણસની ફરિયાદ નોંધો, તપાસ કરો અને ફરિયાદનો નિકાલ કરો. જો સામાન્ય માણસની ફરિયાદ નહીં નોંધો, તો કડક કાર્યવાહી કરીશું.
અધિક ગૃહ સચિવ એમ. કે. દાસનો આ પત્ર જાહેર થયા બાદ પ્રશ્ન એ ઊભો થાય છે કે, શું ગુજરાત પોલીસ રાજ્યમાં ચોપડે ક્રાઇમ રેટ ઓછો નોંધાય તે માટે આવું કામ કરી રહી છે?
આ સિવાય ગુજરાત પોલીસના આ વર્તનથી સામાન્ય લોકોને ન્યાય ન મળવા અથવા ન્યાય મળવામાં મોડું થતાં તેમના બંધારણીય હકોના ઉલ્લંઘન બદલ કોણ જવાબદાર છે? તો હવે જોવાનું એ રહ્યું છે કે, અધિક ગૃહ સચિવ એમ. કે. દાસના પત્ર બાદ પોલીસ તંત્ર દ્વારા સામાન્ય લોકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદો પર કેટલું ધ્યાન આપવામાં આવે છે.
નાગરિકોને હાલ ફરિયાદ માટે પોલીસને અરજીઓ કરી આજીજી કરવી પડી રહી છે. પોતાના પોલીસ મથકમાં ગુનાખોરીનો આંક વધે નહિ એની દરકારમાં ફરિયાદ નહીં લેવાનો પોલીસ કાયમ આગ્રહ રાખતી હોવાથી ગુનેગારો અને અસામાજિક તત્ત્વોની હિંમત વધી રહી છે. ગુનાખોરીનો આંક ઓછો દર્શાવવા માટે કેટલાક કિસ્સામાં પોલીસ દ્વારા ફરિયાદ લેવા માટે ઉદાસીનતા દાખવવામાં આવે છે.