ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ

(એજન્સી)ગાંધીનગર, રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા ભારત – પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.
તાત્કાલિક અસરથી તમામને ફરજ પર હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન ઉપર કરેલી સ્ટાઈક બાદ ગુજરાત પોલીસ એક્ટિવ મોડમાં આવી છે. તેમજ સમગ્ર રાજ્યમાં જાહેરસ્થળો ઉપર સુરક્ષા વધારવામાં આવી છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પણ સતત નજર રાખવામાં આવી રહી છે. પહલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે,
ત્યારે કેન્દ્ર સરકારે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રાખી તમામ રાજ્યોને ‘સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ’ યોજવાના નિર્દેશ આપ્યા છે. આજે (૭ મે, ૨૦૨૫) સાંજે અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં સાઇરન વગાડી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ શરૂ કરાઇ હતી અને ત્યારબાદ બ્લેક આઉટ કરાયો હતો. બ્લેક આઉટ સાંજે ૭.૩૦ થી ૯ઃ૦૦ વાગ્યા દરમિયાન ઝોન વાઇઝ બ્લેક આઉટ યોજાયો હતો.
દરમિયાન જામનગરના ઍરપોર્ટ પર સધન વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને તમામ પ્રકારના વાહનોની ઝીણવટભરી તલાશી લેવામાં આવી હતી. ઉપરાંત વાહનચાલકો વગેરેની પૂછપરછ પણ કરી લેવામાં આવી છે.