Western Times News

Gujarati News

રાષ્ટ્રપતિ ચંન્દ્રકથી સન્માનિત થયેલા પોલીસ દળના અધિકારીઓને  મુખ્યમંત્રીના હસ્તે ચંન્દ્રક અલંકરણ

૯૯ જેટલા પોલીસ અધિકારીઓ-કર્મીઓના સન્માનનો ગૌરવશાળી સમારોહ સંપન્ન 

શાંતિ-સલામતિ અને સુદ્રઢ સુરક્ષા વ્યવસ્થાથી ગુજરાત વિશ્વભરના ઉદ્યોગ વ્યવસાયકારો-રોકાણકારોની પહેલી પસંદગી બન્યું તેના પાયામાં પોલીસ દળની કર્તવ્યનિષ્ઠા છે:- મુખ્યમંત્રીશ્રી 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસ આયોજિત પોલીસ મેડલ અલંકરણના ગૌરવશાળી સમારોહમાં સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્યની સુરક્ષા, શાંતિ અને સલામતિના પાયામાં પોલીસ દળની કર્તવ્યનિષ્ઠા અને ફરજપરસ્તી રહ્યા છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વાયબ્રન્ટ સમિટથી ઉદ્યોગ-વેપાર જગતમાં ગુજરાતની વૈશ્વિક છબિ ઊભી કરી છે. આના પરિણામે દેશ-વિદેશના રોકાણકારો, ઉદ્યોગ વ્યવસાયકારો ગુજરાતમાં રોકાણો કારોબાર માટે આકર્ષાયા છે.

ગુજરાતની સુદ્રઢ સુરક્ષા, શાંતિ અને સલામતિ એ આવા રોકાણકારો માટે ગુજરાતને રોકાણ માટેની પસંદગીનું પહેલું સ્થળ બનાવ્યું છે તેનો યશ રાજ્યના પોલીસ બેડાને ફાળે જાય છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના રાષ્ટ્રપતિશ્રી દ્વારા ગુજરાત પોલીસ દળના ૯૯ જેટલા અધિકારી-કર્મીઓને પ્રસંશનીય સેવા, વિશિષ્ટ સેવા માટેના જાહેર થયેલા પોલીસ મેડલ્સ અમદાવાદમાં અર્પણ કર્યા હતા.

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, પોલીસ મહાનિદેશક શ્રી આશિષ ભાટિયા સહિત ચંન્દ્રકથી સન્માનિત પોલીસ અધિકારીઓના પરિવારજનો આ ગૌરવ ક્ષણે સહભાગી થયા હતા.

શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પોલીસ દળના સેવા-સમર્પણને બિરદાવી પોલીસને સમાજ સુરક્ષાના પ્રહરી કહ્યા છે તેનો વિશેષ ઉલ્લેખ કરીને POLICE ની આગવી વ્યાખ્યા પરિભાષિત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના માર્ગદર્શન અને  પ્રેરણાથી ગુનાખોરી માટે ‘ઝિરો ટોલરન્સ’ની નીતિ, ડિજિટલ ઇન્ડિયાનું અમલીકરણ અને ટેક્નોલોજીયુક્ત અભિગમ અપનાવીને ગુજરાત પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવા અને પ્રજાની સુરક્ષા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે તેની સરાહના કરી હતી.

તેમણે પોલીસ દળના અધિકારી-કર્મીઓની કપરી ફરજોના સંજોગોમાં તેમના પરિવારજનો પણ સહયોગ આપીને સમાજ સેવાદાયિત્વ નિભાવી રહ્યા છે તેની પણ પ્રસંશા કરી હતી.

ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય પોલીસ દળની ફરજપાલન પરસ્તીથી તેમણે ગુજરાતને દેશભરમાં સુરક્ષા બાબતે અવ્વલ રાખ્યું છે. તેમણે કહ્યું કે, ૨૦૦૨ થી ૨૦૨૨ સુધીની ગરવી ગુજરાતથી વંદે ગુજરાત સુધીની સફળતા પાછળ ગુજરાત પોલીસનું પણ મોટું યોગદાન રહ્યું છે.

શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહએ કાયદો અને વ્યવસ્થા બાબતે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા તથા પોલીસ વિભાગને પણ લો એન્ડ ઓર્ડર બાબતે કામ કરવાની સંપુર્ણ સ્વતંત્રતા આપી છે.

ડ્રગ્સ વિરોધી ઝુંબેશનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે, પોલીસની કામગીરીથી આજે ડ્રગ માફિયાઓમાં ફફડાટ છે. ગુજરાત પોલીસ ફક્ત ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં જતું ડ્રગ્સ પકડીને યુવાનોને બરબાદીમાંથી ઉગારવાની ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહી છે.

ગુજરાત પોલીસની કાબીલે તારીફ કામગીરી બદલ પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના ઉત્કર્ષ માટે મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં સરકારે ફાળવેલા રૂ. ૫૫૦ કરોડના વિશેષ પેકેજ બદલ તેમણે ગૃહ વિભાગ વતી આભાર વ્યક્ત કર્યો હતો.

સ્વાગત પ્રવચનમાં ડીજીપી શ્રી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી અને ગૃહરાજ્ય મંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાતનું પોલીસ દળ દેશનું સૌથી આધુનિક બને તે દિશામાં કાર્યરત છે. પોલીસ વિભાગમાં આજે હકારાત્મક અને સુધારાવાદી પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. પોલીસ વિભાગ માટે પરિવર્તન પ્રેરક અભિગમ દાખવવા બદલ તેમણે મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્ય મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ તકે તાલીમ વિભાગના ડીજીપી શ્રી વિકાસ સહાયે ઉપસ્થિત મહાનુભાવો, પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

અમદાવાદ પોલીસ કમિશનર, વિવિધ જિલ્લાઓમાંથી પધારેલા વરિષ્ઠ અધિકારીઓ-કર્મચારીઓ, એવોર્ડ સન્માનિત પોલીસ કર્મીઓના પરિવારજનો અને નાગરિકો આ સમારોહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.