પોલીસ અધિકારી-કર્મચારીઓ માટે પોલીસ ભવન ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન

મેડિકલ ચેકઅપ કેમ્પમાં ૪૦૦ જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓએ પોતાના આરોગ્યની ચકાસણી કરાવી
જનરલ હેલ્થ એસેસમેન્ટ, બ્લ્ડ પ્રેશર મોનીટરીંગ, બોડી માસ ઈન્ડેક્ષ મેઝરમેન્ટ, બ્લડ સુગર ટેસ્ટીંગ, કાર્ડિયાક રીસ્ક એસેસમેન્ટ તથા હેલ્થ અવેરનેસ & કાઉન્સીલીંગ જેવા પેરામીટર પર નિદાન કરવામાં આવ્યું
પોલીસ મહાનિદેશકની કચેરી ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી કર્મચારીઓ માટે પોલીસ ભવન ખાતે બે દિવસીય નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્દઘાટન રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૪૦૦ જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓએ પોતાના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે વિવિધ મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતા.
ગુજરાત પોલીસ સેવામાં ફરજ બજાવતા કર્મીઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને ગુજરાત પોલીસ તેમના માટે સમયાંતરે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપનું આયોજન કરે છે. જિલ્લાઓમાં ફરજરત પોલીસ અધિકારી-કર્મચારીઓની આરોગ્ય ચકાસણી માટે સમયાંતરે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન જિલ્લા કક્ષાએ કરવામાં આવે છે.
તેવી જ રીતે પોલીસ મહાનિદેશકની કચેરી પોલીસ ભવન ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી-કર્મચારીઓ માટે એપોલો હોસ્પિટલ, અમદાવાદના સહયોગથી બે દિવસીય મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.૨૪ અને ૨૫ ઓકટોબર ૨૦૨૪ દરમિયાન યોજાયેલા આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં ૪૦૦ જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓએ પોતાના આરોગ્યની ચકાસણી કરાવી હતી. આ કેમ્પ દરમિયાન સવારથી સાંજ સુધી પોલીસ ભવન ખાતે સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, હથિયારો એકમોની કચેરી, તાલીમ કચેરી, તકનિકી સેવાઓની કચેરી તેમજ આઇ.બી કચેરી અને સી.આઇ.ડી ક્રાઈમની કચેરીમાંથી મોટી સંખ્યામાં પોલીસ અધિકારી-કર્મચારીઓ પોતાના આરોગ્યની ચકાસણી માટે એકત્ર થયા હતા.
આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં એપોલો હોસ્પિટલના સી.ઓ.ઓ શ્રી નિરજલાલ તથા જનરલ મેનેજર શ્રી સંદીપ જોષીના માર્ગદર્શન હેઠળ તેમની સિનિયર મેડિકલ અધિકારીશ્રીઓની ટીમ દ્વારા જનરલ હેલ્થ એસેસમેન્ટ, બ્લ્ડ પ્રેશર મોનીટરીંગ, બોડી માસ ઈન્ડેક્ષ મેઝરમેન્ટ, બ્લડ સુગર ટેસ્ટીંગ (RBS), કાર્ડિયાક રીસ્ક એસેસમેન્ટ તથા હેલ્થ અવેરનેસ & કાઉન્સીલીંગ જેવા પેરામીટર પર નિદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસ સુધારણા અધિક પોલીસ મહાનિદેશક ડો. નીરજા ગોટરૂના સંકલનમાં આ સમગ્ર કેમ્પનું સફળતાપૂર્વક આયોજન થયું હતું.