ગુજરાતનાં પ્રદેશ પ્રમુખપદની રેસમાં અત્યારે કોણ કોણ છે?
આમ તો આગામી ડિસેમ્બર સુધીમાં ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ તરીકે પાટિલ જ રહેવાનાં છે એ લગભગ નિશ્ચિત જ છે. ડિસેમ્બર પછી પાટિલનું સ્થાન કોણ લેશે એની ઉત્કંઠા ભા.જ.પ.ના ઉત્સાહી કાર્યકર્તાઓમાં જરૂર છે.આવા ઉત્સાહી કાર્યકરો સાથે અનૌપચારિક વાતો કરતા કરતા જે વિગતો જાણવા મળી છે એ જો સાચી માનીએ તો અત્યારે પ્રદેશ પ્રમુખ પદ પર નિમાવાની જેમની સંભવતઃ
ઉજળી શક્યતા છે તેમાં (૧)ઃ-ગોરધન ઝડફિયા (૨)ઃ-કચ્છના સંસદસભ્ય વિનોદ ચાવડા (૩)ઃ- રાજ્યસભાના સભ્ય મયંક નાયક(૪)ઃ-પ્રદીપસિંહ જાડેજા અને(૫)ઃ-પ્રદેશ મહામંત્રી રજનીકાંત પટેલનો સમાવેશ થાય છે.આ બધાં નામ અનુમાન આધારિત હોવા છતાં તેની પાછળ કારણો પણ છે.
જેમ કે ગોરધન ઝડફિયા છેલ્લા આઠ વર્ષથી પક્ષ માટે રાતદિવસ ખૂબ મહેનત કરે છે, વિનોદ ચાવડા એક પરિપક્વ રાજકારણી છે અને દિલ્હી મોવડી મંડળની ખૂબ નજીક છે,
મયંક નાયક ઓ.બી.સી.નો ઉભરતો ચહેરો છે અને મોવડી મંડળના પ્રિય છે, પ્રદીપસિંહ જાડેજાએ રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી તરીકે અને વિધાનસભાના નિયમોના એક નિષ્ણાત તરીકે સુંદર કામગીરી કરી હતી તથા રૂપાલાને કારણે ક્ષત્રિયોમાં પ્રવર્તતા રોષને ઠંડો પાડવા કદાચ તેમની પસંદગી કરાય અને રજની પટેલ એક શાંત અને પરિપક્વ નેતા છે અને દિલ્હીની નજીક છે એટલે એમની પસંદગીને પણ અવકાશ છે.અલબત્ત , આ બધાં અનુમાન છે,એને આખરી ન ગણી શકાય.બાકી તો સંત તુલસીદાસે કહ્યું છે એમ ‘રઘુ કરે તો હોઈ ‘ જેવી સ્થિતિ છે!
ખાળે ડૂચા દરવાજા મોકળાએ ગાંધીનગર મહાનગરપાલિકાનો કાર્યમંત્ર છે?
ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાપના ગુજરાતના પૂર્વ સચિવ પ્રેમશંકર ભટ્ટનાં પ્રયત્નથી કરવામાં આવી છે. અત્યારે પ્રેમશંકર ભટ્ટ જો સ્વર્ગમાંથી ઉતરીને ગાંધીનગર મહાનગરપાલિકાનું વહીવટીતંત્ર જુએ તો તેઓ પણ એવું અનુભવે કે આ કામ કરવા જેવું નહોતું.આ વાત એટલાં માટે યાદ આવી કે તાજેતરમાં મહાનગરપાલિકામાં એક મિત્રને મળવા જવાનું થયું ત્યારે ત્યાં એક પીઢ કાર્યકર્તા મળી ગયા.
પૂછ્યું કે શા માટે આવ્યા હતા તો કહ્યું કે ૪-૫ જનતાનાં હિતના પ્રશ્નોની રજૂઆત કરવા માટે આવ્યો હતો.તેમની રજુઆતની યાદીમાં એક બાબત વિશિષ્ટ હતી!એ એવી હતી કે ગાંધીનગર વાસીઓને ઘર દીઠ એક લીલી અને એક ભૂરી કચરા ટોપલી ફરીથી આપો. એમને પૂછ્યું કે આવું કેમ માંગ્યું છે?તો એ નિષ્ઠાવાન કાર્યકર્તાએ કહ્યું કે ‘આજથી ૭ વર્ષ પહેલાં કોર્પોરેશને દરેક ઘરે ભીનો અને સુકો કચરો અલગ રાખવા માટે બે કચરા ટોપલી આપી હતી.
એ કચરા ટોપલી હવે વપરાશમાં લઈ શકાય તેવી રહી નથી.એટલે નવી ટોપલી આપવી પડે તેમ છે.’ આ અંગે એક અધિકારીને પૂછ્યું કે ટોપલી આપશો? તો એ ખંધું હસતા હસતા કહે એ અંગે કોઈ નાણાકીય જોગવાઇ નથી! રાજકીય કાર્યક્રમ માટે લાખો રૂપિયાનો ધુમાડો કરતા ગાંધીનગર મહાનગરપાલિકા પાસે જનતાને આપવા માટે કચરા ટોપલીના પૈસા નથી.આને કહેવાય ‘ખાળે ડુચા અને દરવાજા મોકળા.
ભ્રષ્ટાચાર પર નિબંધ સ્પર્ધાઃ કોંગ્રેસનું આગવું આયોજન
અગાઉ જ્યારે કોંગ્રેસ પક્ષ સત્તા પર હતો ત્યારે વિરોધ પક્ષ ભા.જ.પ.દ્વારા સરકાર સામે લડવા માટે નિતનવા આયોજન થતાં.દેખાવો થતાં, સત્યાગ્રહ થતાં, ધરણાં થતાં.પણ કોંગ્રેસ બહુ વરસ સુધી સત્તામાં રહ્યાં પછી વિરોધ પક્ષમાં બેસવાનું આવ્યું ત્યારે વિરોધ પક્ષની ભૂમિકા ભજવવાનું બરોબર ફાવ્યું નહિ.
પરંતુ હવે એવું લાગે કે કોંગ્રેસ પક્ષના નેતાઓ ધીમે ધીમે વિરોધ પક્ષ તરીકે શું કરી શકાય તે સમજવા લાગ્યા છે.તેનુ એક ઉદાહરણ રાજકોટમાં જોવા મળ્યું. રાજકોટ કોંગ્રેસે ભા.જ.પ.ના શાસન વાળી રાજકોટ શહેર મહાનગરપાલિકામાં થયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે એક નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું છે.
જેમાં પ્રથમ ઈનામ રૂ.૫૧૦૦૦/- દ્વિતીય ઇનામ રૂ.૨૧૦૦૦/- અને તૃતીય ઇનામ રૂ.૧૧૦૦૦/-નુ રાખ્યું છે.આ ઈનામ રોકડ પારિતોષિક તરીકે આપવામાં આવશે.આ આખી વાત જ મૌલિક છે.આયોજન કાબિલે તારીફ છે.આમાં તો એવું થશે કે લોકો પોતેજ મહાનગરપાલિકાનનો ભ્રષ્ટાચાર શોધશોધીને લેખિતમાં કોંગ્રેસને આપશે.
અહીં એ પણ યાદ આવે છે કે ભા.જ.પ. જ્યારે વિરોધ પક્ષમાં હતો ત્યારે તેમાં જે વૈચારિક લોકો હતા તે લોકો સતત વિચાર કરીને વિરોધ કરવાનાં નવાનવા નુસખા શોધ્યા કરતાં. કોંગ્રેસ પક્ષ પણ પોતાના વૈચારિક લોકો(થિન્ક ટેન્ક)ને સક્રિય કરે તો આંદોલનના આવા અનેક નવાનવા વિચારો મળ્યા કરે.
ગુજરાત પોલીસ ખાતાની અગ્નિપરીક્ષાના દિવસો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૧૫,૧૬ અને ૧૭ ગુજરાતના પ્રવાસે છે ત્યારે અત્યારે સૌથી વધુ ટેન્શનમાં જો કોઈને હોય તો તે ગુજરાતના પોલીસ ખાતાને છે.તેનું કારણ એ છે આ દિવસો દરમિયાન ઇદ અને ગણેશ વિસર્જન તહેવાર છે.એ રીતે પોલીસ ખાતાએ ચાર મોરચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યથાવત જાળવી રાખવા ઝઝૂમવાનું છે.
હમણાં એક આઈ.પી.એસ. અધિકારી કહેતાં હતાં કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં હોય અને રાજભવનમાં રહ્યા
હોય એટલે અમારી રાત ખૂબ મોડી પડે અને સવાર ખુબ વહેલી થાય.વડાપ્રધાનની સિક્યોરિટીની વ્યવસ્થા એટલી બધી જડબેસલાક હોય છે કે જેની કોઈ સીમા નહીં.
સાચુ ખોટું તો રામ જાણે પણ એવું કહેવાય છે કે વડાપ્રધાન જ્યાંથી નીકળવા હોય તેની આસપાસના ચારેબાજુના ૫૦ થી ૧૦૦ ફૂટના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા કરવાની થતી હોય છે.આ જો સાચું હોય તો પોલીસ ખાતા પર કેટલું મોટું ભારણ આવતું હશે એ સમજી શકાય છે.પોલીસ ખાતું આ કસોટીમાંથી પાર ઉતરશે એ અંગે એ ખાતાંને શ્રદ્ધા છે એ સારી નિશાની છે.
ગુજરાત સરકારને સૌથી વધુ બદનામ ખરાબ રસ્તાઓ કરે છે.
ગુજરાત પર ચોમાસાએ કરેલ મહેરને કારણે અને મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને માર્ગ અને મકાન વિભાગમાં વ્યાપેલા અપરિમિત ભ્રષ્ટાચાર ને કારણે ગુજરાતના રસ્તાઓની હાલત તદ્દન બિસ્માર થઈ ગઈ છે.
આ વાતની ચિંતા મુખ્યમંત્રીને થઈ એટલે મહાનગરપાલિકામાંથી ચૂંટાયેલા ધારાસભ્યોને રૂ.૨/-કરોડની સ્પેશીયલ ગ્રાન્ટ ફાળવી છે
અને અમદાવાદ મહાનગરપાલિકાએ માત્ર અમદાવાદના રસ્તાઓના નવિનીકરણ માટે રૂ.૩૫/- કરોડની ગ્રાન્ટ ફાળવી છે. અહીં મોટો પ્રશ્ન એ છે કે આ બધી રકમ યોગ્ય માર્ગે, યોગ્ય રીતે અને યોગ્ય સમયે વપરાશે?
આવો પ્રશ્ન ઉઠવાનું કારણ એ છે કે સરકારના તમામ તંત્રોમાંથી નૈતિકતા, પ્રમાણિકતા અને ફરજ નિષ્ઠાના ગુણો હવે લગભગ અદ્રશ્ય થવા માંડ્યા છે એટલે ફાળવાયેલી ગ્રાન્ટના આંકડાઓથી હવે લોકોને સંતોષ નથી થતો.લોકો હવે નક્કર કામ માંગે છે.સરકાર ગ્રાન્ટ આપવા ઉપરાંત સારું કામ થાય એ અંગે પણ મોનેટરીંગ કરે એ પણ ખૂબ જરુરી છે.