રાજ્યમાં ચોમાસાની શરૂઆત : રાજ્યના ૧૪૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ
સુરત જિલ્લાના પલસાણા અને જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ નોધાયો
રાજ્યમાં મેઘરાજાએ પધરામણી કરી લીધી છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૪૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકા અને જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સૌથી વધુ એટલે કે ૮ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલ માહિતી મુજબ આજે તા.૧ જુલાઈ ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ૧૭૧ મિ.મી એટલે કે ૬.૮ ઇંચ, ઓલપાડ તાલુકા ૧૪૪ મિવમી એટલે કે ૫.૭૬ ઇંચ, કામરેજ તાલુકામાં ૧૪૩ મિ.મી એટલે કે ૫.૭૨, સુરત સિટીમાં ૧૩૮ મિ.મી એટલે કે ૫.૫૨ ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે ૧૫૦ મિ.મી એટલે કે ૬ ઇંચ વરસાદ નોંધાયો હતો.વલસાડના વાપી તાલુકામાં ૧૨૯ મિ.મી એટલે કે ૫.૧૬ ઇંચ, કપરાડા તાલુકામાં ૧૧૩ મિ.મી એટલે કે ૪.૫૨ ઇંચ વરસાદ નોંધાયો હતો.
ભરૂચના જિલ્લાના ભરૂચ તાલુકામાં ૧૦૯ મિ.મી એટલે કે ૪.૩૬ ઇંચ, જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ તાલુકામાં ૧૦૬ મિ.મી એટલે કે ૪.૨૪ ઇંચ, જૂનાગઢ સિટીમાં ૧૦૬ મિમી એટલે કે ૪.૨૪ ઇંચ, વિસાવદર તાલુકામાં ૧૦૩ મિમી એટલે કે ૪.૧૨ ઇંચ વરસાદ નોધાયો હતો.
આ ઉપરાંત નવસારી જિલ્લાના ખેરગામ, નવસારી, ગણદેવી, ચિખલી તેમજ મોરબી, રાણાવાવ, વાલોદ, કુકાવાવ વાડિયામાં અંદાજિત ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉમરપાડા, ધોરાજી, અમદાવાદ સીટી, કેશોદ, વાગરા, ડોલવન, ધનસુરા, ભુજ, સાણંદ, સોનગઢ, ગઢડા, કડી, ખંભાળીયા, કલ્યાણપુર, માંડલ, ઇડર, માંડવી (કચ્છ), ગાંધીનગર, અને વાંસદા તાલુકામાં અંદાજિત ૨ ઇંચ વરસાદ થયો છે .
આ ઉપરાંત ગુજરાતના ૪૮ તાલુકાઓમાં અંદાજિત ૧ ઇંચ થી વધારે જયારે અન્ય ૩૯ તાલુકાઓમાં અડધો ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાના અહેવાલો છે.