ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેર સહિત રાજયના અનેક શહેરોમાં પાટણના હારિજ સિવાય વરસાદનું પ્રમાણ ઘટવા પામ્યુ છે તેમ છતાં શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ પાણી ઓસર્યા નથી, ઉપરાંત ગટરો ઉભરાવાને કારણે પાણી પ્રદુષિત તથા ગંધ મારતું હોવાની મોટી માત્રામાં ફરીયાદ મળી રહી છે. શહેરના કેટલાક વિસ્તારોમાં દુર્ગંધ મારતું પાણી પીવાના પાણી સાથે મિક્ષ થતાં મેલેરીયા, ડેન્ગ્યુ, કમળા, તાવ, ઝાડા-ઉલ્ટીના કેસોમાં વધારો થઈ ગયો છે
રસ્તાઓ પરની કપચીઓ ઉખડી જતાં તથા રસ્તાઓ પર પડેલા નાના-મોટા ખાડાઓને કારણે વાહન ચાલકો માટે સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
ગઈકાલે પડેલા નજીવા વરસાદ તથા અગાઉ વરસેલા ભારે વરસાદને કારણે ખેતરમાં ઉભા પાકને ભારે નુકશાન પહોંચ્યુ છે અમદાવાદ પાસેના ચાંચરવાડ ગામના ખેતરોમાં ઘુંટણ સમુ ભરાયેલું પાણી ઉતર્યું નથી તથા પાટણના કુણગેર ગામના ખેતરોમાં પાણી ભરાયેલા હોવાને કારણે ખેતરોના ઉભા પાકને નુકશાન થયું છે.
ચાંચરવાડના પ૦૦ વીઘા જમીનમાં પકવેલા પાકને ભારે નુકશાન થયાના સમાચાર છે ભારે વરસાદ તથા ખેતરોમાં ભરાયેલા પાણીને કારણે ઘઉં, એરંડા, કપાસ, ડાંગર વગેરે પકવેલ પાક ધોવાઈ જતાં ખેડૂતોને ભારે નુકશાન પડશે જેથી ખેડૂતો ખૂબ જ ચિંતિત છે.