રણજી ટ્રોફી: ભારે રસાકસી બાદ ગુજરાત બે રન માટે ફાઇનલથી વંચિત

કેરળના ૪૫૭ના સ્કોર સામે ગુજરાત ૪૫૫માં આઉટ, દિલધડક બનેલી સેમિફાઇનલ અંતે ડ્રો
અમદાવાદ, ગુજરાતના રણજી ટ્રોફી ક્રિકેટ ઇતિહાસની સૌથી રોમાંચક પૈકીની એક મેચમાં ગુરુવારે અહીં રમાયેલી સેમિફાઇનલમાં કેરળે માત્ર બે રનની સરસાઈ હાંસલ કરી લેતા ગુજરાતની ટીમ ફાઇનલથી વંચિત રહી હતી. એક તરફ કેરળે પહેલી વાર રણજી ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યાે હતો જયારે બીજી તરફ ગુજરાતની ટીમ ત્રીજી વાર ફાઇનલમાં પ્રવેશ કરી શકી ન હતી.
અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (મોટેરા) ખાતે રમાયેલી સેમિફાઇનલ મેચ અત્યંત રોમાંચક રહી હતી. કેરળના પ્રથમ દાવના ૪૫૭ રનના સ્કોર સામે રમતાં ગુજરાતે શુક્રવારની રમતનો પ્રારંભ કર્યાે ત્યારે તેને સરસાઈ માટે વધુ ૨૯ રનની જરૂર હતી પરંતુ ભારે રસાકસીને અંતે ગુજરાત ૪૫૫ રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગયું હતું. આમ તે માત્ર બે રનની સરસાઈને કારણે ફાઇનલમાં પ્રવેશી શક્યું ન હતું.
કેરળ અને વિદર્ભ વચ્ચે ૨૬મીથી નાગપુર ખાતે ફાઇનલ રમાશે.જોકે પાંચમા દિવસની સવારે લગભગ પોણા બે કલાક અને ૨૧ ઓવરની રમત સૌથી વધુ રોમાંચક રહી હતી. લગભગ દરેક બોલે વિકેટ પડશે અથવા તો રન થશે તેવો રોમાંચ સર્જાયો હતો. ગુજરાતના જયમિત પટેલ અને સિદ્ધાર્થ દેસાઈએ રમત આગળ ધપાવી હતી. બંનેએ મક્કમ રમત દાખવી હતી.
આદિત્ય સરવતેના એક બોલને આગળ વધીને ડિફેન્સ કરવામાં જયમિતનો પગ ક્રિઝ લાઇન પર રહી ગયો હતો અને વારંવારની રિપ્લે બાદ તેને સ્ટમ્પ આઉટ જાહેર કરાયો હતો. સિદ્ધાર્થ દેસાઈ અને અરઝાન નાગવાસવાલાએ રમત આગળ ધપાવી હતી. સિદ્ધાર્થ પણ વિચિત્ર સંજોગોમાં આઉટ થયો હતો. તેને અમ્પાયરે કેચ આઉટ આપ્યો હતો પરંતુ રિવ્યૂમાં બોલ અને બેટનો સંગમ થયો ન હતો. આ સંજોગોમાં અમ્પાયરે લેગબિફોર માટે રિવ્યૂ લીધો હતો
જેમાં સિદ્ધાર્થ આઉટ જાહેર થયો હતો. અરઝાન નાગવાસવાલા અને પ્રિયજિત જાડેજા ટીમનો સ્કોર ૪૫૫ સુધી લઈ ગયા હતા. આ તબક્કે સરવતેના બોલને રમવા જતાં અરઝાને નજીક ઉભેલા નિઝાર તરફ શોટ ફટકાર્યાે હતો જેમાં બોલ ફિલ્ડરની હેલમેટને ટકરાઈને સ્લીપ તરફ ઉછળ્યો હતો જેમાં કેરળના કેપ્ટન સચિન બેબીએ કેચ ઝડપીને ટીમનો ફાઇનલ પ્રવેશ કરાવી દીધો હતો.
ગુજરાત માટે જયમિત પટેલે ૭૯ અને સિદ્ધાર્થ દેસાઈએ ૩૦ રન ફટકાર્યા હતા તો જલજ સક્સેના અને આદિત્ય સરવતેએ ચાર ચાર વિકેટ ખેરવી હતી.આમ ગુજરાત ૪૫૫ રનના સ્કોરે આઉટ થઈ ગયું હતું. ગુજરાતની ઇનિંગ્સ બાદ મેચ ઔપચારિક બની ગઈ હતી જેમાં કેરળે તેના બીજા દાવમાં ચાર વિકેટે ૧૧૪ રન કર્યા હતા. ઓપનર રોહને ૩૨ અને અનુભવી ઓલરાઉન્ડર જલજ સક્સેનાએ અણનમ ૩૭ રન ફટકાર્યા હતા. ગુજરાત માટે સિદ્ધાર્થ દેસાઈ અને મનન હિંગરાજીયાએ બે બે વિકેટ લીધી હતી.