Western Times News

Gujarati News

૧૩મા રાષ્ટ્રીય અંગદાન દિવસે ગુજરાતને શ્રેષ્ઠ કામગીરી માટે મળ્યા પાંચ એવોર્ડ

અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે બહુમાન-અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેસ્ટ રિટ્રાઇવલ સેન્ટર , બેસ્ટ બ્રેઇનડેડ કમિટી અને ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટરની શ્રેણીમાં એક્સલન્સ એવોર્ડ

કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયાના હસ્તે અંગદાન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ સિવિલ હોસ્પિટલને ત્રણ એવોર્ડ્સ અપાયા, SOTTO અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટને પણ એવોર્ડ એનાયત

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૩ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનમાં ૩૯૭ અંગોને રિટ્રાઇવ કરીને ૩૭૭ જરૂરિયાતમંદોને નવજીવન બક્ષવામાં આવ્યું છે

SOTTO ગુજરાત અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટને ઇમર્જીંગ સંસ્થા તરીકેના એવોર્ડ મળ્યા-SOTTOના માર્ગદર્શનમાં રાજ્યમાં પાંચ વર્ષમાં ૧૨૦૭ અંગદાન અને ૩૬૭૩ ટ્રાન્સપ્લાન્ટ થયા

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા અંગદાન અને પ્રત્યારોપણ ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ કામગીરી કરવામાં આવી રહી છે.

રાજ્યમાં થઇ રહેલ અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની શ્રેષ્ઠ કામગીરીનું આજે રાષ્ટ્રીય સ્તરે બહુમાન થયું છે. ૧૩મા રાષ્ટ્રીય અંગદાન દિવસ ૩જી ઓગસ્ટના રોજ નવી દિલ્હી ખાતે NOTTO (National Organ and Tissue Transplant Organisation) દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગુજરાતને વિવિધ કેટેગરીમાં પાંચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયાના હસ્તે ગુજરાતને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે અંગદાન ક્ષેત્રે દિવસ-રાત નિષ્ઠાપૂર્ણ કરવામાં આવી રહેલી શ્રેષ્ઠ કામગીરીનું આ પરિણામ હોવાનું જણાવીને તમામની નિષ્ઠાને બિરદાવીને શુભેચ્છાઓ પાઠવી હતી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલને વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ત્રણ અને ગુજરાતના SOTTO એકમ અને અંગદાન બાબતે જનજાગૃતિ માટે પ્રયાસરત અંગદાન ચેરિટેબલ સંસ્થાને ઇમર્જિંગ કેટેગરીમાં એવોર્ડ એનાયત થયો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેસ્ટ રિટ્રાઇવલ સેન્ટર, બ્રેઇનડેડ કમિટી માટે તેમજ સિવિલ હોસ્પિટલના જ આર.એમ.ઓ. ડૉ. સંજય સોલંકીને બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર માટે એક્સલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીના નેતૃત્વમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષમાં ૧૨૩ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનમાં ૩૯૭ અંગો સફળતાપૂર્ણ રિટ્રાઇવ કરીને ૩૭૭ જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવજીવન આપવામાં આવ્યું છે.

બ્રેઇડેડ વ્યક્તિના પરિવારજનો, સ્વજનોને અંગદાન માટે સમજાવવા તેમની સંમતિ લેવા માટે કાઉન્સેલિંગની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. સંજય સોલંકીએ આ ભૂમિકા ખૂબ જ બખૂબી નિભાવી છે, જેના પરિણામે દેશની અંગદાન ક્ષેત્રના મહત્ત્વના એકમ NOTTO દ્વારા બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર તરીકે તેમનું બહુમાન કરવામાં આવ્યું છે.

વર્ષ ૨૦૧૯માં રાજ્યમાં SOTTOની સ્થાપના કરવામાં આવી. સોટ્ટોની સ્થાપના બાદ કોરોનાકાળના બે વર્ષની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ SOTTOના કન્વિનર ડૉ. પ્રાંજલ મોદીના માર્ગદર્શન હેઠળ પાંચ વર્ષમાં ૧૨૦૭ અંગદાન અને ૩૬૭૩ ટ્રાન્સપ્લાન્ટ થયા છે. હાલ રાજ્યમાં કુલ રિટ્રાઇવલના ૪૨% સરકારી સંસ્થામાં અને ૬૮ % ટ્રાન્સપ્લાન્ટ સરકારી સંસ્થામાં કરવામાં આવી રહ્યા છે.

SOTTO દ્વારા કરવામાં આવી રહેલી આ કામગીરી બદલ બેસ્ટ ઇમર્જિંગ સ્ટેટ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગનાઇઝેશન તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું છે.

રાજ્યમાં અંગદાનની જનજાગૃતિને રાજ્યવ્યાપી બનાવવા અને રાજ્યમાં ગ્રામ્ય સ્તર સુધી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા અંગદાનની ઝૂંબેશને જન આંદોલનમાં ફેરવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરનાર દિલીપ દેશમુખ(દાદા)ની સંસ્થા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટનું બેસ્ટ ઇમર્જિંગ NGO કેટેગરીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.