દેલોલ ગામમાં ૧૭ લોકોની હત્યાના ૨૨ આરોપીઓ નિર્દોષ

વડોદરા, હાલોલની એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા ૨૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણોમાં પંચમહાલ જિલ્લાના દેલોલ ગામના ૨૨ લોકો પર લઘુમતી સમુદાયના ૧૭ લોકોની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
પરંતુ પુરાવાના અભાવે સેશન્સ કોર્ટે તેમને છોડી દેવાનો ર્નિણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ૧૮ વર્ષ સુધી ચાલેલા આ કેસમાં ૨૨ આરોપીઓમાં આઠનું નિધન થઈ ગયું છે. તમામ આરોપીઓનું પ્રતિનિધિત્વ કરનાર એડવોકેટ ગોપાલસિંહ સોલંકી જણાવે છે કે, કોર્ટ દ્વારા તમામ પુરાવાની ચકાસણી કરવામાં આવી. પીડિતોના હાડકા પણ તેમાં શામેલ હતા, પરંતુ ફોરેન્સિક ટેસ્ટમાં કોઈ ચોક્કસ પરિણામ મેળવી નહોતું શકાયું. આ સિવાય ૧૦૦થી વધારે સાક્ષીઓ હાજર કરવામાં આવ્યા.
નોંધનીય છે કે, વર્ષ ૨૦૦૨માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આગને કારણે ૫૯ લોકોનાં મૃત્યુ થયા હતા. ત્યારપછી આખા રાજ્યમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. ઘટનાના એક દિવસ પછી પહેલી માર્ચના રોજ ગોધરાથી ૩૦ કિલોમીટર દૂર આવેલા કલોલના દેલોલ ગામમાં પણ રમખાણ ફાટી નીકળ્યા હતા.
આ દરમિયાન ઘર સળગાવી દેવામાં આવ્યા હતા જેના કારણે લઘુમતી સમુદાયના ૧૭ લોકોનાં મૃત્યુ થયા હતા. ઉલ્લેખનીય છે કે કલોલમાં એક પોલીસકર્મી પીડિતો અને સાક્ષીઓ દ્વારા વિનંતી કરવા છતાં ફરિયાદ દાખલ કરવા તૈયાર નહોતા, જેના કારણે આ કેસ સામે આવ્યો હતો.
આ કેસમાં પુનઃતપાસનો આદેશ આપવામાં આવ્યો અને ડિસેમ્બર ૨૦૦૩માં FIR દાખલ કરવામાં આવી. ઘટનાના ૨૦ મહિના પછી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપીઓની ધરપકડ ૨૦૦૪માં કરવામાં આવી હતી.
એડવોકેટ સોલંકી જણાવે છે કે, સ્થાનિક કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી માટે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા. ૨૦૦૪માં આ તમામ આરોપીઓને જામીન મળી ગયા હતા અને ત્યારથી તેઓ જામીન પર બહાર છે.SS1MS