RTE હેઠળ બીજા રાઉન્ડમાં ૭૦૦૦ બાળકોને પ્રવેશ અપાયો

(એજન્સી)અમદાવાદ, આરટીઈ એક્ટ-૨૦૦૯ અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
જે અંતર્ગત તા.૨૧ મે ૨૦૨૫ના રોજ યોજાયેલા આરટીઈ પ્રવેશ પ્રક્રિયાના બીજા રાઉન્ડ બાદ વધુ ૭૦૦૬ જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા.૨૮મે ૨૦૨૫ બુધવાર સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ હાજર થઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ નિયત કરાવી લેવાનો રહેશે.
આરટીઈ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ઉપલબ્ધ જગ્યાઓ પૈકી બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ અરજદારોની પસંદગીના અભાવે સમગ્ર રાજ્યમાં ગુજરાતી માધ્યમની ૭૨૮, અંગ્રેજી માધ્યમની ૪૫૬૪, હિન્દી માધ્યમની ૧૯૨૦ અને અન્ય માધ્યમની ૧૬૬ એમ કુલ ૭૩૭૮ જેટલી જગ્યાઓ ખાલી રહેવા પામેલ છે.
રાજ્ય સરકારનાં પ્રયાસોથી વાલીઓમાં જાગૃતિ આવતા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં રાજયની કુલ ૯૮૧૪ જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા જુદા માધ્યમમાં કુલ ૯૪૭૯૮ જેટલી જગ્યાઓ આરટીઈ હેઠળ ઉપલબ્ધ હતી. જે પૈકી વિદ્યાર્થીઓની પસંદગી અને ૬ કિમીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ રાઉન્ડમાં ૮૬૨૬૪ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.
જેમાંથી નિયત સમયમર્યાદામાં ૮૦૫૪૩ જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ મેળવી લીધો છે. પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેલ ૧૪૩૪૫ જગ્યાઓ પર વધુને વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને આરટીઈ હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે
હેતુથી પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા ૮૯૪૪૫ અરજદારોને શાળાઓની પુનઃપસંદગીની તક તા.૧૫ મે ૨૦૨૫ થી તા.૧૭ મે ૨૦૨૫ દરમિયાન આપવામાં આવી હતી.આ સમયગાળામાં કુલ ૪૫૬૯૫ અરજદારોએ શાળાઓની પુનઃપસંદગી કરી હતી, જ્યારે બાકીના ૪૩૭૫૦ અરજદારોએ પ્રથમ રાઉન્ડ પૂર્વે ભરેલ ફોર્મની શાળાઓ યથાવત રાખી હતી.