ગુજરાત સાયન્સ સિટી ખાતે 4 થી 10 ઓક્ટોબર દરમિયાન ‘વિશ્વ અવકાશ સપ્તાહ’ની ભવ્ય ઉજવણી કરાશે
અમદાવાદ, 4 ઓક્ટોબર 1957ના દિવસે સૌપ્રથમ માનવ નિર્મિત પૃથ્વી ઉપગ્રહ સ્પુતનિક-1નું અંતરિક્ષમાં પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. જે બાદ અવકાશ સંશોધનોનો માર્ગ મોકળો બન્યો. આ ઘટનાના 10 વર્ષ બાદ 10 ઓક્ટોબર 1967ના દિવસે ચંદ્ર અને અન્ય ખગોળીય પદાર્થો સહિત બાહ્ય અવકાશના સંશોધન અને શાંતિપૂર્ણ ઉપયોગ માટે જુદા જુદા રાષ્ટ્રોની પ્રવૃત્તિઓને સંચાલિત કરતા સિદ્ધાંતોની સંધિ અમલમાં મૂકવામાં આવી.
આ બંને દિવસોની યાદમાં તેમજ માનવ જીવન વધુ સુવિધાસભર બને તે માટે અંતરિક્ષ વિજ્ઞાન અને ટેક્નોલોજીના યોગદાનની ઉજવણી કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 1999માં 4 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર દરમિયાન વિશ્વ અંતરિક્ષ સપ્તાહની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
દર વર્ષે જુદી જુદી થીમ પર વિશ્વ અવકાશ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે વિશ્વ અંતરિક્ષ સપ્તાહની થીમ ‘સ્પેસ એન્ડ ક્લાયમેટ ચેન્જ’ છે. ગુજરાત સાયન્સ સિટીમાં પણ આ થીમ પર વિશ્વ અવકાશ સપ્તાહની ઉજવણી કરાશે. જે અંતર્ગત પ્રદર્શનો તથા જુદી જુદી હેન્ડ્સ ઓન એક્ટિવિટીનું આયોજન કરવામાં આવશે. જેમાં પ્લેનેટોરિયમ શો, મોડેલ મેકિંગ એક્ટિવિટી, સ્પેસ ક્વીઝ, સ્પેસ ટૉક જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.
સાથે સાથે પોસ્ટર અને પ્લેજ એક્ટિવિટી, સ્પેસ પાથ પઝલ્સ, સ્પેસ ટેક્નોલોજીનું એક્ઝિબિશન, ઈન્ડસ્ટ્રીઝ એક્સ્પો, ટેલિસ્કોપ વડે સન ઓબ્ઝર્વેટરી તથા આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ પણ ઊભા કરવામાં આવશે. જેમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓની શાળાઓના વિદ્યાર્થીઓ સહભાગી થશે.
મહત્વનું છે કે વિદ્યાર્થીઓ અને લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તે માટે ગુજરાત સાયન્સ સિટી દ્વારા અવારનવાર વિજ્ઞાન વિષયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે.