ગુજરાતના ૫૬ પ્રતિભાવાન ખેલાડીઓને રૂ. ૧.૮૮ કરોડથી વધુના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/11/sports1-1024x712.jpg)
ગુજરાત સરકાર પ્રતિભાવાન ખેલાડીઓ પણ ઉભા કરશે અને તે ખેલાડીઓ માટે પૂરતા અવસર પણ ઉભા કરશે: રમત-ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવી
આજે ગુજરાત રમત-ગમત ક્ષેત્રે વેગવંતો વિકાસ કરી રહ્યું છે, ત્યારે ગુજરાતના દરેક ખેલાડીનો લક્ષ્ય હવે માત્ર ઓલમ્પિક જ હોવો જોઈએ: મંત્રી શ્રી હર્ષ સંઘવી
ગાંધીનગર ખાતે રમત-ગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે “ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ તથા શાળાકીય અને ખેલો ઇન્ડિયા જેવી વિશિષ્ટ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા ગુજરાતના કુલ ૫૬ પ્રતિભાવાન ખેલાડીઓને કુલ રૂ. ૧.૮૮ કરોડથી વધુના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગ સ્પર્ધામાં એક ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ હાંસલ કરનાર શ્રી આર્યન નહેરાને સૌથી વધુ એક કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
રમત-ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ સૌ વિજેતા ખેલાડીઓ અને તેમના પરિવારજનોને શુભકામનાઓ પાઠવ્યા હતા. તેમણે એક સાચા ખેલાડીની પરિભાષા સમજાવતા કહ્યું હતું કે, રાજ્ય કક્ષાએ મેડલ મેળવ્યા બાદ સંતોષ ન કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવવાનું સ્વપ્ન જોઈને પૂરતી મહેનત કરે એ જ સાચો ખેલાડી છે. મેડલ મેળવવાનું સ્વપ્ન જોવું, એ ખેલાડીઓનો હક છે.
એ સ્વપ્નને પૂરું કરવા પૂરતી મહેનત કરવી, એ ખેલાડીની જવાબદારી છે અને આ ખેલાડીઓને જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવી એ રાજ્ય સરકારની જવાબદારી છે. રાજ્ય સરકાર ગુજરાતમાં પ્રતિભાવાન ખેલાડીઓ પણ ઉભા કરશે અને તે ખેલાડીઓ માટે પૂરતા અવસર પણ ઉભા કરશે, તેવી તેમણે ખાતરી આપી હતી.
આજે ગુજરાત રમત-ગમત ક્ષેત્રે વેગવંતો વિકાસ કરી રહ્યું છે, ત્યારે ગુજરાતના દરેક ખેલાડીનો લક્ષ્ય હવે માત્ર ઓલમ્પિક જ હોવો જોઈએ, તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારતના અણધાર્યા વિકાસમાં દરેક ક્ષેત્રે ગુજરાત મહત્વનું યોગદાન આપી રહ્યું છે.
તેવી જ રીતે, રમત-ગમત ક્ષેત્રે પણ ગુજરાતનું યોગદાન મહત્તમ હોય તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારનો મૂળ લક્ષ્ય છે. આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ગુજરાત સરકારે ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાનું આયોજન કર્યું છે. ખેલ મહાકુંભની છેલ્લી આવૃત્તિમાં ૬૬ લાખથી વધુ ખલાડીઓએ ભાગ લીધો હતો, જે પૈકી વિજેતા બનેલા ખેલાડીઓને કુલ રૂ. ૪૦ કરોડ રકમના રોકડ પુરસ્કારો રાજ્ય સરકારે એનાયત કર્યા હતા.
મંત્રીશ્રીએ રાજ્યની રમત-ગમતલક્ષી યોજનાઓ અંગે વાત કરતા કહ્યું હતું કે, આજે ઇન-સ્કૂલ યોજના અંતર્ગત ગુજરાતની ૨૩૦ શાળામાં ૫૦૦ જેટલા ટ્રેઈનરો પાસે કુલ ૧.૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ ભણવાની સાથે રમત-ગમતની પ્રોફેશનલ તાલીમ મેળવી રહ્યા છે. સાથે જ, DLSS અંતર્ગત પણ રાજ્યની ૪૧ જેટલી સ્પોર્ટ્સ સ્કૂલમાં ૫,૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ૨૧ રમતોમાં તાલીમ મેળવી રહ્યા છે.
DLSSના દરેક વિદ્યાર્થી દીઠ રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧.૬૮ લાખનો ખર્ચ કરવામાં આવે છે. આટલું જ નહિ, સેન્ટર ઓફ એક્સેલેન્સ એકેડમી ખાતે પણ ગુજરાતના મહત્વકાંક્ષી ખેલાડીઓ રાષ્ટ્રીય-અંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમો મેળવી રહ્યા છે. આ ઉપરાંત શક્તિદૂત યોજના હેઠળ પણ રમતવીરોને રાજ્ય સરકાર જરૂરી તમામ આર્થિક સહાય પૂરી પાડી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૪માં ખેલપ્રતિભા પુરસ્કાર યોજના અમલમાં મૂકીને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનો એક આગવો અભિગમ અપનાવ્યો હતો. આ યોજના હેઠળ વર્ષ ૨૦૧૪-૧૫ થી વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં રાજ્યના ૧,૬૨૭ જેટલા રમતવીરોને કુલ રૂ. ૨૪.૦૭ કરોડથી વધુના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમના પ્રારંભે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ શ્રી આર. એસ. નિનામાએ શાબ્દિક સ્વાગત કરીને સૌને આવકાર્યા હતા. જ્યારે, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના સચિવ શ્રી આઈ. આર. વાળા, સંયુક્ત સચિવ શ્રી બી. કે. વસાવા, ઉપસચિવ શ્રી નીલેશ ડામોર તેમજ મોટી સંખ્યામાં રમતવીરો અને તેમના પરિવારજનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.