વરસાદી પાણી ભરાવાના લીધે ગુજરાતના ઘણાં સ્ટેટ હાઈવેની હાલત ખરાબ
ઝઘડિયાના પડવાણિયાથી આમલઝરને જોડતો સ્ટેટ હાઈવે બદતર હાલતમાં
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં સરદાર પ્રતિમા ધોરીમાર્ગ ઉપરાંત ઝઘડિયા થી રાજપારડીથી અને ઉમલ્લા મથકોથી કાંઠા વિસ્તાર તેમજ ડુંગર વિસ્તારને જોડતા તમામ સ્ટેટ હાઈવે,પ્રધાનમંત્રી સડક યોજનાના રોડ ઉપરાંત ગામડાઓને જોડતા રોડ સમયસર સમારકામના અભાવે સદંતર ખરાબ હાલતમાં થઈ ગયા છે.
ભરૂચ જીલ્લાના ઝઘડિયાના પડવાણિયાથી રાજપારડીનો માર્ગ અને મકાન વિભાગનો સ્ટેટ હાઈવે છે.જે રસ્તો રાજપારડીથી આમલઝર પડવાણિયા ધારોલી અને વાલીયા નેત્રંગ તાલુકાના જોડતો રોડ છે.આ રોડનો ઉપયોગ સ્થાનિક ૧૫ થી ૨૦ પંચાયતોના આશરે ૪૦ થી ૬૦ ગામડાઓના લોકો અને રાજપારડીથી નેત્રંગ અને વાલીયા સુરત જતા મુસાફરો ઉપયોગ કરે છે.
આ સ્ટેટ હાઈવે અગાઉ બનાવવામાં આવ્યો હતો.તે પૈકી પડવાણિયાથી આમલઝરનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે.આ માર્ગ પરથી દૈનિક ટ્રકો પસાર થાય છે.છેલ્લા પાંચ વર્ષથી આ માર્ગનુ સમારકામ કરવામાં આવ્યું નથી,ચાલુ વર્ષે પણ વરસાદ સતત પડતા આ પાચ કીમીનો સ્ટેટ હાઈવે સંપૂર્ણ તૂટી ગયેલ છે.
પડવાણિયા આમલઝર વચ્ચે ઠેરઠેર ખાડાઓ પડી જતા તેમાં વરસાદી પાણી ભરાવાના લીધે હજારો લોકો આ સ્ટેટ હાઈવે તૂટવાના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.સામાન્ય લોકોને પારાવાળ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.આ સ્ટેટ હાઈવેને સારસા ડુંગરથી માલજીપુરા ગુંડેચા આમોદ આમલઝર ખોડા આંબા અને પડવાણિયા સુધી છ થી સાત કિલોમીટર સુધી વધારે તૂટી ગયેલ છે, જેથી તેને તાત્કાલિક ધોરણે નવો રોડ બનાવવો જરૂરી બન્યો છે.
હાલમાં મોટા ખાડાઓ પડી જવાના કારણે અવર-જવર કરવું મુશ્કેલ પડયું છે.ત્યારે ચોમાસા દરમિયાન માર્ગ અને મકાન વિભાગ પડવાણિયાથી આમલઝર વચ્ચે હંગામી ધોરણે મેટલ પૂરીને માર્ગ અવરજવર કરવા જેવો થાય તે કરવાની જરૂરિયાત ઉભી થઈ છે.