Western Times News

Gujarati News

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણમંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરનો સત્કાર સમારોહ યોજાયો

હાંસોટ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યનાં આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગનાં નવનિયુક્ત કેબિનેટ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઇ ડિંડોરનો સત્કાર સમારોહ તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક કષ્ટભંજનદેવ મંદિર (મ્છઁજી), સાળંગપુર જિ.બોટાદનાં ઓડિટોરિયમ હોલમાં યોજવામાં આવી હતી.

આ સત્કાર સમારોહમાં શિક્ષણમંત્રીશ્રી ડૉ. કુબેરભાઇ ડિંડોરે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વવાળી સરકારે શિક્ષણયાત્રાને વધુ ને વધુ વેગવંતી બનાવવાનો નિર્ધાર કર્યો છે. આગામી દિવસોમાં નવા પ્રયોગો, નવા આયામો, નવી ટેકનિકો અને નવી ઉપલબ્ધિઓ હાંસલ કરી રાજ્યની પ્રાથમિક શાળાઓને આધુનિકતાનો સ્પર્શ આપી વધુ આદર્શ બનાવવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આ સાથે તેમણે શિક્ષક, શાળા અને બાળકોનાં હિતમાં બાકી રહેલાં પ્રશ્નોનું ઝડપથી સુખદ્‌ નિરાકરણ લાવવાની હૈયા ધરપત આપી હતી.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી સતિષભાઈ પટેલે મંત્રીશ્રીનું માં શારદાની તસ્વીર અર્પણ કરી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ઉપરાંત મ્છઁજી નાં સંતશ્રી ભક્તિ સાગરજી, રાજ્ય સંઘનાં હોદ્દેદારો ઉપરાંત તમામ જિલ્લા તેમજ તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ મહામંત્રીઓ દ્વારા પણ મંત્રીશ્રીને વિવિધ સ્મૃતિભેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે ધોળકાનાં ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, ધંધુકાનાં ધારાસભ્ય કાળુભાઈ ડાભી, મ્છઁજી નાં સંતો, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ રામપાલસિંહ તથા મહામંત્રી કમલકાંત ત્રિપાઠી, તમામ જિલ્લા તેમજ તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ મહામંત્રીઓ, શિક્ષક સહકારી મંડળીનાં ચેરમેનો સહિત શિક્ષક જ્યોત સંપાદક મંડળનાં સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

બેઠકનાં પ્રારંભે રાજ્ય સંઘનાં મહામંત્રી સતિષભાઈ પટેલે સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. રાજ્ય સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ આ પ્રસંગે રાજ્ય સંઘે કરેલાં કાર્યોનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે આજપર્યંત મળેલી કામગીરીની સફળતાની સાથે બાકી રહેલાં પ્રશ્નોનાં ઝડપથી સુખદ્‌ નિરાકરણની દિશામાં પ્રગતિ અંગે સૌને અવગત કર્યા હતાં. આ અંગે વધુ માહિતી આપતાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ સંયુક્તપણે જણાવ્યું હતું કે ખૂબજ આધ્યાત્મિક વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલાં માનનીય શિક્ષણમંત્રીશ્રીએ શિક્ષકોનાં વિવિધ પ્રશ્નો સંદર્ભે હકારાત્મક વિચાર વિમર્શ કરી તેનો ઝડપથી ઉકેલ લાવવા માટે પ્રતિબધ્ધતા દર્શાવી છે જે આનંદની વાત છે.

સદર બેઠકમાં નિર્ધારિત એજન્ડા મુજબ જૂની પેન્શન યોજના, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં આગામી અધિવેશન તથા પૂજ્યશ્રી મોરારીબાપુની કથા સંદર્ભે વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. અંતમાં રાજ્ય સંઘનાં કોષાધ્યક્ષ રણજીતસિંહ દ્વારા આભારદર્શન કરવામાં આવ્યું હતું. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.