Western Times News

Gujarati News

આજે રાજ્યના ૧૦ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

File Photo

૬૦-૭૦ની ઝડપે પવન ફૂંકાશે-માવઠું થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં ભરઉનાળે છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘગર્જના અને પવન ફૂંકાવવાની સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદ પડી રહ્યો છે.

રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા હતા. જ્યારે માવઠું થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૨૪ કલાકમાં અમદાવાદ, અમરેલી, આણંદ, ભાવનગર, વલસાડ જિલ્લામાં વીજળીના કડાકા અને ૬૦-૭૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે આવતીકાલે ગુરુવારે ૧૦ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ હજુ માવઠાની આગાહી કરી છે. જેમાં આવતીકાલે ગુરુવારે (૮ મે, ૨૦૨૫) ૧૦ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી છે, ત્યારે રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, વલસાડ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યભરમાં ૫૦-૬૦ કિ.મી.ની સ્પિડે ભારે પવન ફૂંકાવવાની આગાહી છે. આગામી ૯ થી ૧૧ મે દરમિયાન રાજ્યભરના છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જનાની ચેતવણી છે. આ દરમિયાન રાજ્યમાં ૩૦-૫૦ કિ.મી.ની સ્પિડે પવન ફૂંકાવવાની આગાહી છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, આજે બુધવારે (૭ મે, ૨૦૨૫) સવારે ૧૦થી બપોરના ૧૨ વાગ્યા એટલે માત્ર બે કલાકની અંદરમાં રાજ્યના ૯૫ તાલુકામાં કમોસમી વરસાદ પડ્‌યો હતો. જેમાં સૌથી વધુ અમદાવાદના બાવળામાં ૨.૨૪ ઈંચ વરસાદ પડ્‌યો હતો. જ્યારે સવારે ૬થી બપોરના ૧૨ વાગ્યા ૧૨ કલાકની અંદરમાં રાજ્યના ૧૨૩ તાલુકામાં કમોસમી વરસાદ પડ્‌યો હતો. જેમાં ૩૪ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ પડ્‌યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.