સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંતઃ રવિવારે મતદાન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/03/election-vote-1024x751.jpg)
ગાંધીનગર, ૬૬ નગરપાલિકાની ચૂંટણી તેમજ જુનાગઢ મહાનગરપાલિકા અને ખેડા, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાની છે. જે માટે ૧૬ ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ હતો. સ્થાનિક સ્વરાજની યોજનાર ચૂંટણીમાં ૫,૦૮૫ જેટલા ઉમેદવારો મેદાનમાં છે.
જુનાગઢ મહાનગરપાલિકાની ૧૫ બોર્ડની ચૂંટણી માટે ૬૦ બેઠકો છે. આ ૬૦ બેઠકો માટે ૧૫૭ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં ૨૩૭ લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી નવ ઉમેદવારો બિનહરીફ થતા હવે ૧૫૭ ઉમેદવારો મેદાનમાં છે.
આ મુજબ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ૬૬ નગરપાલિકાની ચૂંટણી પણ યોજવાની છે. જેના આજે પ્રચાર પડઘમ શાંત થયા હતા. કુલ ૬૬ નગરપાલિકાની ચૂંટણીમાં ૪૬૧ બોર્ડની ૧૮૪૪ બેઠકોની ચૂંટણી યોજવાની છે. જેમાં ૬૬ નગરપાલિકાની ૧૮૪૪ બેઠકો માટે ૫૯૬ ઉમેદવારો મેદાનમાં છે.
જોકે ૬૬ નગરપાલિકામાંથી ૧૬૭ બેઠકો બિનહરીફ થઈ છે. તેમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપે ચૂંટણી પૂર્વે જ ત્રણ નગરપાલિકાઓમાં બહુમતી હાંસલ કરી ચૂક્યું છે. ભચાઉ નગરપાલિકાની ૨૮ બેઠકોમાંથી ૨૨ બેઠકો, હાલોલ નગરપાલિકાની ૩૬ બેઠકોમાંથી ૧૯ બેઠકો અને જાફરાબાદ નગરપાલિકાની ૨૮ બેઠકોમાંથી ૧૬ બેઠકો, બાટવા નગરપાલિકાની ૨૪ બેઠકોમાંથી ૧૫ બેઠકો ભાજપે બિનહરીફ જીત મેળવી છે.
આ ઉપરાંત ત્રણ તાલુકા પંચાયત એટલે કે ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતનો પણ સમાવેશ થઈ રહ્યો છે. ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ, એમ ૩ નગરપાલિકાના કુલ ૭૮ બેઠકોની ચૂંટણી યોજવાની છે. જેમાંથી ૨૪૦ ઉમેદવારોએ ફોર્મ ભર્યા અને ૫૪ ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. હવે ૧૭૮ ઉમેદવારો મેદાનમાં છે.
આ ઉપરાંત ૯૧ તાલુકા પંચાયતોની પેટાચૂંટણી પણ યોજવાની છે. જેમાંથી ૩૪૯ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તે પૈકીના ૧૩૪ ઉમેદવારોના ફોર્મ રદ થયા છે.
તો ૧૩ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ૧૧ ઉમેદવારો બિનહરીફ થયા હતા. તાલુકા પંચાયતની ૯૧ બેઠકોની પેટાચૂંટણી અંતર્ગત ૧૯૧ ઉમેદવારો મેદાનમાં છે. આ મુજબ રાજ્યભરની નવ જિલ્લા પંચાયતોમાં પણ પેટાચૂંટણી યોજવાની છે. આ નવ બેઠકો જિલ્લા પંચાયતની પેટાચૂંટણી માટે ૪૦ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તેમાં ૧૫ ઉમેદવારોના ફોર્મ રદ થયા છે.
તેમાંથી બે ઉમેદવારોએ પરત ખેંચ્યા અને એક બેઠક બિનહરીફ થતા હવે ૨૨ ઉમેદવારો જિલ્લા પંચાયતની નવ બેઠકો માટે મેદાનમાં છે. હવે આજે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થશે. જે માટેનું ૧૬ તારીખે મતદાન થશે. આ ચૂંટણી માટે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પક્ષના ઉમેદવારોમાંથી જનતા કોને વિજય બનાવે છે, તે તો ૧૮ તારીખના પરિણામ પરથી જ ખ્યાલ આવશે.