કોંગ્રેસના પ્રયાસો છતાં ચાર ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા
મતદાન પહેલાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ર૧પ બેઠક ઉપર ભાજપની જીત
(એજન્સી)ગાંધીનગર, રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, ૬૬ નગરપાલિકા, ત્રણ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી સહિત અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મળી કુલ ૨૧૭૮ બેઠકો માટે ૧૬ ફેબ્રુઆરીએ યોજાનાર મધ્યસત્ર, પેટા ચૂંટણીઓ માટે મંગળવારે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના અંતિમ દિવસે ભાજપ દસ ટકા એટલે કે કુલ ૨૧૫ બેઠકો બિનહરીફ કબજે કરવામાં સફળ રહ્યો છે.
આ બેઠકો પર ભાજપે પોતાની તમામ તાકાત કામે લગાડીને હરીફ ઉમેદવારોને મેનેજ કરવામાં સફળતા મેળવી લીધી હતી. બીજી તરફ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીએ મહાનગરપાલિકા, પાલિકા અને પંચાયતોમાં શાસક પક્ષ ભાજપ દ્વારા ધાકધમકી અને લાલચ આપીને ઉમેદવારોને બેસાડી દેવાનો પ્રયાસ કરતો હોવાનો આરોપ મૂક્યો છે.
આમઆદમી પાર્ટીએ ધોરાજી નગરપાલિકાના તેના ૨૮ ઉમેદવારોને આવા જ ભયને ધ્યાનમાં રાખીને અજ્ઞાત સ્થળે લઇ ગયાનું જાણવા મળ્યું છે તો સાણંદ પાલિકામાં કોંગ્રેસે પણ તેના પાંચ-સાત ઉમેદવારોને ગુજરાત બહાર લઇ જઇ સલામતી પૂરી પાડી હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસને ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે જ મેન્ડેટ મોડો મળતા એક ઉમેદવાર ફોર્મ ભરી શક્યા ન હતા.
ભાજપે સત્તાવાર યાદીમાં દાવો કર્યાે છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૬૮ પાલિકામાંથી ૧૯૬ બેઠકો ભાજપને બિનહરીફ પ્રાપ્ત થઇ છે જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની ૬૦માંથી ૯ બેઠકો બિનહરીફ થઇ છે. ભચાઉ નગરપાલિકામાં ૨૮માંથી ૨૨, હાલોલમાં ૩૬માંથી ૧૯, જાફરાબાદમાં ૨૮માંથી ૧૬, બાંટવામાં ૨૪માંથી ૧૫ બેઠકો બિનહરીફ થતાં મતદાન પહેલાં જ સત્તા મેળવી છે.
આમ, પાલિકાની ૧૯૬, જૂનાગઢ મહાનગરની ૯, તાલુકા અને અન્ય પેટા ચૂંટણીની ૧૦ મળી કુલ ૨૧૫ બેઠકો બિનહરીફ મળી છે. રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ ૪ ફેબ્રુઆરીએ ફોર્મ પાછા ખેંચવાની અંતિમ તારીખ હોવાથી સવારથી જ ચૂંટણી જાહેર થઇ છે એવી સ્થાનિક સંસ્થાઓમાં કોંગ્રેસ અને આપ દ્વારા પોતાના ઉમેદવારો બારોબાર ફોર્મ પાછું ખેંચી ન લે તેના માટે કાળજી લેવામાં આવી હતી.
શરૂઆતથી જ ખેંચતાણ માટે જાણીતી વલસાડની ધરમપુર પાલિકા માટે સરકારી કચેરીમાં ફોર્મ પાછા ખેંચવાને લઇ ધમાસાણ થયું હતું. કોંગ્રેસના પ્રયાસો છતાં ચાર ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા હતા. આને લીધે એક તબક્કે પોલીસ બોલાવવી પડી હતી.પંચમહાલની હાલોલ નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપને બિનહરીફ સત્તા મળી છે.