Western Times News

Gujarati News

નેશનલ ન્યુઝ ચેનલ આજતકના ડિજિટલ પ્લેટફોર્મ ‘ગુજરાત તક’નું લૉન્ચિંગ કરતા મુખ્યમંત્રી

Gujarat Tak digital platform launched

કોવિડ મહામારી છતાં ગુજરાતે વિકાસની રફતાર જાળવી રાખી છે -નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતે છેલ્લાં 20 વર્ષમાં તમામ ક્ષેત્રોમાં વિકાસ સાધ્યો છે -નાણાકીય બાબતોમાં ગુજરાત આજે પણ નંબર-1 છે

અમદાવાદ, નેશનલ ન્યૂઝ ચેનલ આજતકના ડિજિટલ પ્લેટફોર્મ ‘ગુજરાત તક’નું લોન્ચિંગ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સૌના સાથ સૌના વિકાસના સૂત્રને ચરિતાર્થ કરીને ગુજરાતે કોવિડ મહામારીના સમયમાં પણ વિકાસની રફતાર જાળવી રાખી છે. તાજેતરમાં જ નાણાકીય બાબતો અંગેના રાષ્ટ્રીય અહેવાલમાં ગુજરાતે પોતાનો પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો છે, એવું મુખ્યમંત્રી શ્રીએ ઉમેર્યું હતું.

વધુમાં મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે 20 વર્ષ સુધી ગુજરાતને નરેન્દ્રભાઈનું નેતૃત્વ અને માર્ગદર્શન મળ્યું અને તેમણે વિકાસનો પાયો નાખ્યો, પરિણામે આજે પાણી, આરોગ્ય, માર્ગ, કન્યા જળવણી, કૃષિ ઔદ્યોગિક વિકાસ સહિતનાં તમામ ક્ષેત્રે ગુજરાતે વિકાસ સાધ્યો છે.

મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ અનેક પ્રોજેક્ટ થકી ગામડે ગામડે વીજળી અને માર્ગ પહોંચાડ્યા છે. સૌના સાથ અને સૌના પ્રયાસોથી અગ્રેસર છે અને અગ્રેસર રહેવાનું છે, એવો વિશ્વાસ મુખ્યમંત્રી શ્રીએ વ્યક્ત કર્યો હતો.

વધુમાં મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા વાઇબ્રન્ટ ગુજરાત થકી રાજ્યની વિશ્વસ્તરે ઓળખ બની અને આજે વિદેશી મૂડીરોકાણમાં ગુજરાત દેશમાં અવલ રહે છે. દેશના અર્થતંત્રમાં ગુજરાતનો હિસ્સો 8.36% છે, એને 10% સુધી પહોંચાડવાના રોડ મેપ સાથે સરકાર આગળ વધી રહી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આત્મનિર્ભર ભારતનું સપનું આપણે આત્મનિર્ભર ગુજરાત થકી સાકાર કરવા સંકલ્પબદ્ધ થવાનું છે, એવું જણાવી તેમણે ગુજરાત રાજ્યના વિકાસના આંકડા રજૂ કરી ઉમેર્યું કે 2002માં 2.74 લાખ MSME હતા, આજે 8.66 લાખ સુધી વધ્યા છે.

ઔદ્યોગિક આઉટપુટ 1.27 લાખ કરોડથી વધીને 16.19 લાખ કરોડે પહોંચ્યું છે. ઔદ્યોગિક ઉત્પાદકતામાં 171.38%નો વધારો થયો છે. નિકાસમાં ગુજરાત દેશમાં 30 ટકા જેટલું યોગદાન આપી રહ્યું છે.  ધાન્ય પાકના વાવેતરનો વિસ્તાર આજે 31.82 લાખ હેક્ટરે પહોંચ્યો છે.

ધાન્યપાકોની ઉત્પાદનક્ષમતામાં 171.38 ટકાનો વધારો થયો છે.  પ્રાથમિક શિક્ષણની વાત કરીએ તો ડ્રોપઆઉટ રેશિયો 37% હતો તે ઘટીને ત્રણ ટકાએ પહોંચ્યો છે. દરેક બાળક ભણે એની ચિંતા ગુજરાત સરકાર કરી રહી છે. 20 વર્ષ પહેલાં મેડિકલ બેઠકો 1375 હતી, જે આજે 7700 સુધી પહોંચી છે.

મુખ્યમંત્રી શ્રીએ હર ઘર તિરંગા અભિયાનમાં સૌને સહભાગી થવા આહ્વાન આપતા જણાવ્યું કે  15 મી ઓગસ્ટના પર્વેનો સમગ્ર દેશ તમામ ભેદભાવ ભૂલીને દેશભાવના સાથે ઉજવણી કરતો હોય છે. આ વર્ષે નરેન્દ્રભાઈના આહ્વાનથી હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવ્યું છે, જેમાં પણ ગુજરાત અગ્રેસર રહેશે. આપણે સૌ આ અભિયાનમાં સહભાગી બનીએ ઘર પર તિરંગો લહેરાવીએ અને રાષ્ટ્રભાવનાને બળવત્તર બનાવીએ, એવું તેમણે ઉમેર્યું હતું. – દિવ્યેશ વ્યાસ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.