Western Times News

Gujarati News

હળવદ તાલુકામાં ૩૮૦૦ હેક્ટરમાં દાડમની ખેતી કરી સમૃદ્ધ બનતા ખેડૂતો: વર્ષે અંદાજિત ૫ હજાર ટન દાડમની આવક

હળવદ તાલુકાના દાડમની મીઠાશ વિશ્વમાં પ્રસરીઃ દુબઈમલેશિયાબાંગ્લાદેશનેપાળમાં નિકાસ થાય છે

દાડમ ઉત્પાદન ક્ષેત્રે મોરબી જિલ્લો સૌરાષ્ટ્રમાં પ્રથમ અને ગુજરાતમાં ત્રીજા ક્રમે; વાર્ષિક રૂ.૧૦૦ કરોડનું અંદાજિત ટર્ન ઓવર

વેચાણ માટે હળવદ તાલુકામાં પાંચ ખાનગી ફ્રુટ માર્કેટ યાર્ડ કાર્યરતવર્ષે અંદાજિત ૫ હજાર ટન દાડમની આવક

દાડમના રોપાના વાવેતર માટેના ખર્ચના ૪૦%મીની ટ્રેક્ટર માટે રૂ. ૫૦ હજારદવા છંટકાવ માટેના સ્પ્રેયર પંપડ્રીપ ઇરીગેશન માટે સરકારી સહાય મેળવી સખત મહેનતસહકાર થકી સમૃદ્ધિ તરફ વધતા ખેડૂતો

મોરબીમાં ગત વર્ષે ફળપાકના વાવેતર માટે ખેડૂતોને રૂ.૧૪૫ લાખ તથા અન્ય મુખ્ય ઘટકોમાં રૂ.૧૨૫ લાખની સહાય ચૂકવાઈ

વ્યક્તિ વિશેષ ખાસલેખ:

  સંકલન: પારૂલ આડેસરા, બળવંતસિંહ જાડેજા

મોરબી,  ઘડિયાળ- સિરામીક ઉદ્યોગ થકી વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવતો મોરબી જિલ્લો કૃષિ ક્ષેત્રે પણ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અદકેરૂ સ્થાન ધરાવે છે.

બાગાયતી કૃષિમાં દાડમના વાવેતર અને ઉત્પાદનમાં મોરબી જિલ્લો સૌરાષ્ટ્રમાં પ્રથમ જ્યારે સમગ્ર રાજ્યમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. જિલ્લાના અંદાજિત ૨૫૦૦ ખેડૂતો દાડમની ખેતી કરે છે, જેમાંથી ૨૦૦૦ જેટલા ખેડૂતો તો ફક્ત હળવદ તાલુકાના છે.

હળવદ તાલુકામાં દાડમના વેચાણ માટે પાંચ ખાનગી માર્કેટિંગ યાર્ડ (મંડી) આવેલા છે. મોરબી જિલ્લામાં અંદાજિત ૪૫૦૦ હેક્ટરમાં અને હળવદ તાલુકામાં ૩૮૦૦ હેક્ટરમાં દાડમની ખેતી થાય છે. બાગાયતી પાકો માટે સરકાર ખેડૂતોને રોપાના વાવેતર સહિત વિવિધ સહાય આપે છે, જે થકી આ વિસ્તારના ઘણા ખેડૂતોની આવક ડબલ થઈ છે. જે સખત પુરુષાર્થ અને સરકારના સહકાર થકી ખેડૂતો સમૃદ્ધ બની રહ્યા છે તેની પણ પ્રતીતિ કરાવે છે.

કુદરતે મોરબીને માટીનું વૈવિધ્ય અર્પ્યું છે, વિશ્વને સિરામીકની વિવિધ પેદાશો આપતી સિરામીકની માટી પણ મોરબીની ભૂમિમાં છે, તો મગફળી, કપાસ અને અનેક બાગાયતી પાકોરૂપી સોનું જ્યાં ઉપજે છે તેવી ફળદ્રુપ જમીન પણ મોરબી પાસે છે. તેમાં કંકુવરણી ભૂમિના પ્રદેશ તરીકે ઓળખાતો હળવદ તાલુકો બાગાયતી ખેતીમાં વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ગુણવત્તાની દ્રષ્ટિએ અગ્રેસર છે. પાંચાળ પ્રદેશની આ માટીમાં ધરતી પુત્રના પુરુષાર્થ થકી પારસમણિ નિપજે તેવી શક્તિ રહેલી છે. ત્યારે બાગાયતી ખેતીના ક્ષેત્રે દાડમની ખેતીમાં હળવદ એક અનન્ય સ્થાન ધરાવે છે.

દાડમની ખેતી વર્ષે રૂ.૮૦ લાખ રળી આપે છે. આર્થિક સમૃધ્ધિ વધવાની સાથે ખેતરોમાં શ્રમિકોને પણ રોજગારી મળે છે’’ -ઈશ્વરનગર ગામના ખેડૂત પ્રફુલભાઈ રાજપરા

હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામના ખેડૂત પ્રફુલભાઈ ધનજીભાઈ રાજપરા છેલ્લા ૭ વર્ષથી ૪૫ વીઘા જમીનમાં દાડમની ખેતી કરે છે. તેઓ આ વિશે વધુ વાત કરતા જણાવે છે કે, “મારી કુલ જમીન ૯૦ વીઘા છે. અમે વર્ષોથી પરંપરાગત પાકોની ખેતી કરતા હતા. દસેક વર્ષ અગાઉ સ્થાનિક બાગાયત અધિકારી મને મુંબઈ બાગાયતલક્ષી કૃષિ સેમિનારમાં ભાગ લેવા લઇ ગયા હતા. ત્યાં દાડમ સહિતની આધુનિક ખેતી વિશે માર્ગદર્શન અપાયું હતું.

ત્યારે કશુંક નવું કરવાની ઇચ્છા અને ખેતીમાં ઉત્પાદન- નફો વધારવા દાડમની ખેતીની શરૂઆત કરી. દાડમના રોપાના વાવેતર માટે ખર્ચના ૪૦ ટકા લેખે રૂ.અઢી લાખની સહાય સરકાર દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત, દાડમની ખેતી માટે જરૂરી એવા મીની ટ્રેક્ટર માટે રૂ. ૫૦,૦૦૦ તથા દવા છંટકાવ માટે રૂ. ૨ લાખના સ્પ્રેયર પંપની ખરીદી માટે પણ મને સરકારી સબસીડી મળી. ચોમાસુ અને ઋતુ અનુકુળ હોય તો વર્ષે રૂ. રૂ.૮૦ લાખથી પણ વધુનું ઉત્પાદન મળી રહે છે.

જેનાથી અમારા જેવા ખેડૂતોની આર્થિક સમૃધ્ધિ વધી છે અને ખેતરોમાં કામ કરતા માણસોને પણ રોજગારી મળી રહે છે. હળવદના દાડમની ઉત્તમ ગુણવત્તાના કારણે વિદેશમાં પણ માંગ છે. અમારી પાસેથી એજન્ટ દાડમની ખરીદી કરી ગુણવત્તા મુજબ ગુજરાત બહારના રાજ્યમાં તથા બાંગ્લાદેશ સહિતના અન્ય દેશમાં નિકાસ કરે છે”.

સરકારની રોપાના વાવેતર માટેની સહાય, ડ્રીપ ઈરીગેશન, મીની ટ્રેક્ટર માટેની સબસીડીની સહાય થકી વાર્ષિક ૧૦૦ થી ૧૫૦ ટન જેટલું દાડમનું ઉત્પાદન થાય છે:  અંદાજિત ૬૦ લાખથી વધુ આવક’’ -ઈશ્વરનગરના ખેડૂત ભરતભાઈ માકાસણા

ઈશ્વરનગરના ખેડૂત ભરતભાઈ માકાસણા. આ ૩૫ વર્ષીય યુવાન એમ.બી.એ.નો અભ્યાસ છોડી ખેતી ક્ષેત્રે કંઈક નવીન કરવાના વિચાર સાથે જોડાયા છે. નર્મદાનું પાણી આવતા હળવદની પાણીદાર ભૂમિ વધુ પાણીદાર બની જેથી ભરતભાઈએ ખેતી ક્ષેત્રે ઝંપલાવ્યું. આ બાબતે તેઓ જણાવે છે કે, “મેં બાર વર્ષ પહેલા દાડમની ખેતીની શરૂઆત કરી, અત્યારે કુલ ૬૫ વીઘામાં દાડમ વાવેલા છે. જેમાં વાર્ષિક ૧૦૦ થી ૧૫૦ ટન જેટલું દાડમનું ઉત્પાદન મળી રહે છે અને અંદાજિત ૬૦ લાખથી વધુ આવક મળે છે. હળવદ વિસ્તારના લગભગ તમામ ખેડૂતોના દાડમ ગુજરાત બહાર અન્ય રાજ્યો તથા વિદેશમાં નિકાસ થાય છે”. ભરતભાઈને પણ દાડમની બાગાયતી ખેતી માટે રોપાના વાવેતર માટેની સહાય, ડ્રીપ ઈરીગેશન અને મીની ટ્રેક્ટર માટેની સબસીડી પણ મળેલી છે.

હળવદ પંથકના દાડમની દુબઈ, મલેશિયા, બાંગ્લાદેશ, નેપાળ સહિતના દેશોમાં ભારે માંગ છે’’ -માર્કેટ યાર્ડના સંચાલક કાનાભાઈ ભોરણિયા

    હળવદમાં થઈ રહેલ દાડમના મબલખ ઉત્પાદનના કારણે હળવદ વિસ્તારમાં જ દાડમ માટેના જ પાંચ જેટલા ખાનગી માર્કેટિંગ યાર્ડ પણ આવેલા છે. આ બાબતે દ્રિજા ફ્રુટ માર્કેટ યાર્ડના સંચાલક કાનાભાઈ પટેલ જણાવે છે કે, “હળવદના ખેડૂતોને દાડમ વેચવા ક્યાંય બહાર ન જવું પડે અને ઘર આંગણે જ તેમને સારા ભાવ મળી રહે તે માટે હળવદ વિસ્તારમાં પાંચ ખાનગી ફ્રુટ માર્કેટ યાર્ડ (મંડી) કાર્યરત છે. અમારા ફ્રુટ માર્કેટ યાર્ડમાં વાર્ષિક અંદાજિત ચાર હજારથી પાંચ હજાર ટન દાડમની આવક થાય છે અને જેનું વાર્ષિક ટર્ન ઓવર ૨૦ થી ૨૫ કરોડ જેટલું છે. જેથી હળવદના પાંચ ફ્રુટ માર્કેટ મળી કુલ અંદાજિત સો કરોડ જેટલું વાર્ષિક ટર્ન ઓવર અપેક્ષિત છે. હળવદ વિસ્તારના દાડમ ગુણવત્તા મુજબ દુબઈ, મલેશિયા, બાંગ્લાદેશ, નેપાળ સહિત વિવિધ દેશોમાં તથા ગુજરાત બહાર લખનઉ, કાનપુર, દિલ્હી, બેંગ્લોર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, શિલીગુડ્ડી, યુપી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોના વેસ્ટ દાડમની પણ ફ્રુટ માર્કેટ દ્વારા ખરીદી કરવામાં આવે છે. તેના પણ યોગ્ય ભાવ આપવામાં આવે છે. આ વેસ્ટ દાડમની છાલનો પણ અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે.”.

    “મોરબી જિલ્લામાં ૪૫૦૦ હેક્ટરમાં (હળવદ તાલુકામાં ૩૮૦૦) હેક્ટરમાં દાડમ પાકનું વાવેતરઃ બાગાયત ખાતા દ્વારા ચાલુ વર્ષે દાડમ પાકના વાવેતર માટે ૬૦૦ હેક્ટર વિસ્તારમાં ખેડૂતોને સહાય અપાઇ’’ – મોરબી જિલ્લાના મદદનીશ બાગાયત નિયામકશ્રી બ્રિજેશ જેઠલોજા

       મોરબી જિલ્લાના મદદનીશ બાગાયત નિયામકશ્રી બ્રિજેશ જેઠલોજાએ જણાવ્યું હતું કે, “મોરબી જિલ્લામાં અંદાજિત ૪૫૦૦ હેક્ટરમાં દાડમ પાકનું વાવેતર થયેલું છે અને હળવદ તાલુકામાં અંદાજિત ૩૮૦૦ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયેલું છે. ચાલુ વર્ષે દાડમ પાકના વાવેતર માટે ૬૦૦ હેક્ટર વિસ્તારમાં બાગાયત ખાતા દ્વારા બાગાયતી ખેડૂતોને સહાય આપવામાં આવેલી છે. દાડમ પાકને ગોરાડુ અને મધ્યમ કાંપની જમીન અને સૂકું વાતાવરણ વધુ માફક આવે છે.

બાગાયત ખાતા દ્વારા દાડમ સહિતના ફળ પાકના વાવેતર માટે ખેડૂતોને ૧ લાખના ખર્ચની સામે ૪૦ હજાર જેટલી સહાય ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે. ઉપરાંત દાડમ પાક માટે બાગાયત ખાતા દ્વારા બાગાયત યાંત્રિકીકરણ માટે ટ્રેક્ટર, દવાનો છંટકાવ કરવા માટે સ્પ્રેયર પંપ અને ઉત્પાદન થયા બાદ તેના પેકિંગ માટે પેકિંગ મટીરીયલ તથા દાડમને જીવાત અને સૂર્યના તાપથી બચાવવા માટે દાડમના ક્રોપ કવર અને ફ્રુટ કવરમાં પણ સહાય આપવામાં આવે છે. મોરબીમાં ચાલુ વર્ષે ફળ પાકના વાવેતર માટે ૧૪૫ લાખ અને અન્ય મુખ્ય ઘટકોમાં ૧૨૫ લાખની સહાય બાગાયત ખાતા દ્વારા આપવામાં આવી છે.

     મોરબી ગુજરાત રાજ્યમાં કચ્છ અને બનાસકાંઠા જિલ્લા પછી દાડમ ઉત્પાદન ક્ષેત્રે ત્રીજું સ્થાન ધરાવે છે. આપણે હળવદ તાલુકામાં જોવા જઈએ તો મુખ્યત્વે રણમલપુર, ઇસનપુર, ઈશ્વરનગર, ધણાદ, ચરાડવા, જુના દેવળીયા નવા દેવળીયા વગેરે જેવા ગામોમાં દાડમ પાકનું મોટાપાયે વાવેતર કરવામાં આવ્યું છે. વેચાણ વ્યવસ્થાની વાત કરીએ તો મોટા શહેરોના વેપારીઓ ખેડૂતના ખેતરે આવે છે અને ત્યાં જ દાડમનું સોર્ટિંગ અને ગ્રેડીંગ કરી, વર્ગ મુજબ તેનું વિભાજન અને પેકિંગ કરી તેમને એક્સપોર્ટ કરવામાં આવે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.