શહેરી આયોજનના સુદ્રઢીકરણ માટે ‘ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલટન્સી કંપની’ ની રચના
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ઔડાની તા. ૦૪/૦૭/૨૦૨૨ની ૨૮૮મી બોર્ડ બેઠકનો ઠરાવ ક્રમાંક:૨૨(૨૦૨૨-૨૩)થી અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) અંતર્ગત શહેરી આયોજનના સુદૃઢીકરણ માટે તાલીમ અને પરામર્શક સંસ્થા તરીકે ‘ગુજરાત ટાઉન પ્લાનીંગ કન્સલ્ટન્સી કંપની’ની રચના કરવા ઠરાવવામાં આવેલ છે.
સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.૧૧/૧૦/૨૦૨૨ ના ઠરાવ ક્રમાંક:યુડીએ- ૧૦૨૦૨૨-એસએફ-૯૨-વ થી અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) અંતર્ગત ‘ગુજરાત ટાઉન પ્લાનીંગ કન્સલટન્સી કંપની’, કંપની એકટ, ૨૦૧૩ હેઠળ સ્થાપવા ઔડાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આપેલ છે. જેમાં નીચે મુજબના બોર્ડ ઓફ ડિરેકટર રહેશે તેમ સરકારશ્રી દ્વારા જણાવેલ છે.
જેમાં માન. અગ્ર સચિવ/અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અધિકારી ચેરમેન તરીકે રહેશે. મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વાઈસ ચેરમેન તરીકે રહેશે. મુખ્ય કારોબારી અધિકારી-ઔડા મેનેજિંગ ડીરેકટર (વહીવટી સંચાલક) તરીકે રહેશે.
કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીઝ એડમીનીસ્ટ્રેશન, મુખ્ય કારોબારી અધિકારી-(સુડા, વુડા, રુડા, ગુડા), મુખ્ય નગર નિયોજક-નગર આયોજન અને મૂલ્યાંકન ખાતુ, ખાસ ફરજ પરના અધિકારી-શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઉક્ત અધિકારીશ્રીઓ સભ્ય તરીકે રહેશે. ઔડાના પ્રવર નગર નિયોજક સભ્ય સચિવ તરીકે રહેશે.
કેન્દ્ર સરકારના કોર્પોરેટ કાર્ય મંત્રાલય (Ministry of Corporate Affairs) દ્વારા તા.૨૨/૧૨/૨૦૨૨ના રોજ ‘ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલટન્સી લિમિટેડ’ના નામથી કંપનીનું રજિસ્ટ્રેશન કરવામાં આવેલ છે.
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના નગર આયોજન માટેના અનુભવ એટલે કે વિકાસ યોજના બનાવવી, મુસદ્દા રૂપ નગરરચના યોજના બનાવવી, લોકલ એરિયા પ્લાન બનાવવા અને તેનું અમલીકરણ કરવુ તે બાબતની સક્ષમતા ધ્યાને લેતાં રાજ્યની નગરપાલિકાઓ
વિસ્તારમાં આવેલા વિવિધ શહેરી વિકાસ સત્તામંડળોને મુસદ્દા રૂપ નગર રચના યોજના બનાવવાના કામમાં પ્રગતિ આવશે અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના અનુભવનો લાભ મળે તે હેતુથી અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ અંતર્ગત ‘ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલટન્સી લિમિટેડ’, આ એક સ્વાયત્ત કંપની તરીકે કામ કરશે.
ઔડાની કચેરીમાં ગુજરાત રાજ્ય સિવાયના અન્ય રાજ્યોમાંથી વિકાસ યોજના, ટી.પી.સ્કીમ તથા લોકલ એરીયા પ્લાન સાથેનું ત્રિસ્તરીય અર્બન પ્લાનિંગ મોડેલ સમજવા અલગ અલગ ઓથોરીટીના ઉચ્ચ સ્તરના અધિકારીશ્રીઓ તથા મંત્રીશ્રીઓ ઔડાની મુલાકાત લેતા હોય છે.
આમ, આ કંપનીની રચના થવાથી સમગ્ર દેશના ઓથોરીટીને પ્રજાના સુખાકારી માટે વિકાસ યોજના, ટી.પી.સ્કીમ તથા લોકલ એરીયા પ્લાન સાથેનું મોડેલ અપનાવીએથી શહેરી વિકાસને વેગ મળશે.