Western Times News

Gujarati News

ટ્રાફિક જામ સંબંધિત ફોટો આ વેબસાઈટ પર અપલોડ કરી દોઃ પોલીસ તરત પહોંચશે

ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારની નવી પહેલ

(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે નવી પહેલ કરી છે. રાજ્યમાં બનતા માર્ગ અકસ્માતો તેમજ ટ્રાફિક જામ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નાગરિકો માટે એક વિશેષ હેલ્પલાઇન-૧૮૦૦૨૩૩૧૧૨૨ સેવા શરૂ કરવામાં આવી છે.

રાજ્યના કોઈ પણ ખૂણે સર્જાયેલી માર્ગ અકસ્માતની ઘટના, ટ્રાફિક જામની સમસ્યા કે અન્ય કોઈપણ ટ્રાફિક સંબંધિત મુશ્કેલીની માહિતી નાગરિકો એક જ ફોન કોલથી આ નવી હેલ્પલાઇનમાં આપી શકશે. જે માહિતી તાત્કાલિક સંબંધિત વિસ્તારના પોલીસ અધિકારીને પહોંચાડી તે સમસ્યાનું નિવારણ લાવવામાં આવશે.

ટ્રાફિક સંબંધિત આ હેલ્પલાઇન ઉપરાંત ગુજરાત પોલીસ દ્વારા નાગરિકો માટે અન્ય ત્રણ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં વેબસાઈટ, ઇમેઇલ આઇડી તેમજ સ્માર્ટફોન યુઝર્સ માટે વિશેષ એપ્લિકેશનની સેવાનો સમાવેશ નાગરિકોની સરળતા માટે કરવામાં આવ્યો છે.

‘હેલ્પલાઇન-૧૮૦૦૨ ૩૩૧૧૨૨’: આ ડેડિકેટેડ હેલ્પલાઇન ઉપર કાલ મળતા જ પોલીસ દ્વારા જે વિસ્તારની ફરિયાદ હશે તે સંબંધિત જિલ્લાના પોલીસ અધિકારીને તાત્કાલિક આ સમસ્યાના નિવારણ માટે એક્શન લેવા સૂચના આપવામાં આવશે.

એપ્લિકેશનઃ ટ્રાફિક જામ કે માર્ગ અકસ્માત સંબંધિત કોઇ પણ ફરિયાદ સ્માર્ટ ફોનની મદદથી એપ્લિકેશન મારફતે કરી શકાય તે માટે એપ્લિકેશન ‘સિટીઝન ફર્સ્ટ’માં ખાસ ફિચર ઉમેરવામાં આવ્યુ છે. આ એપ્લિકેશન મારફતે કોઇ પણ વ્યક્તિ મોબાઇલમાં ફોટો પાડીને સમસ્યાની જાણ પોલીસને કરી શકશે. જેનાં લોકેશનને આધારે પોલીસ રિયલ ટાઇમ મોનિટરીંગ કરીને આ સમસ્યાનો ઉકેલ લાવશે.

વેબસાઈટઃ રાજ્યના કોઇ પણ ખૂણે કોઇ નાગરિકને માર્ગ અકસ્માત કે ટ્રાફિક જામ સંબંધિત કોઇ સમસ્યાનો સામનો કરવો પડે કે આવા કોઇ દ્રશ્ય દેખાય તો તેનો ફોટો ‘https://gujhome.gujarat.gov.in/portal’ વેબસાઇટમાં અપલોડ કરી તે કયા લોકેશનની સમસ્યા છે તેની માહિતી આપી શકશે.

ઇમેઇલઃ કોઇ પણ નાગરિક ટ્રાફિક સંબંધિત સમસ્યાની જાણકારી ઇમેઇલ આઇ.ડી ‘[email protected]’ ઉપર પણ આપી શકશે. ઇમેઇલ પર મળેલી ફરિયાદ અંગે પણ એક્શન લઇ સમસ્યાનું નિવારણ લાવવામાં આવશે. આ તમામ માધ્યમો મારફતે નાગરિકો તરફથી મળેલી ટ્રાફિક સંબંધિત ફરિયાદોનું નિવારણ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે.

જેના થકી હવે ગુજરાતના નાગરિકો તેમની ટ્રાફિક સમસ્યાઓના ઝડપી અને વધુ અસરકારક ઉકેલ મેળવી શકશે. આ નવી સુવિધાઓના વ્યાપક ઉપયોગ માટે નાગરિકોને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે, જેથી રાજ્યની ટ્રાફિક વ્યવસ્થામાં વધુ સુધાર લાવી શકાય અને માર્ગ સલામતીમાં વધારો થાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.