૧૫મી ઓક્ટોબરથી શરૂ થતી ગુજરાત યુનિવર્સિટીની બી.કોમ. સેમે.૩ની પરીક્ષા સ્થગિત
અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી ૧૫મી ઓક્ટોબરથી લેવામાં આવનારી બી.કોમ. રેગ્યુલર અને એક્સટર્નલ સેમેસ્ટર ૩ની પરીક્ષા હાલ પૂરતી સ્થગિત કરીને આગામી ૧૧મી નવેમ્બર એટલે કે દિવાળી પછી લેવાનું નક્કી કરાયું છે. આમ, હવે સેમેસ્ટર ૩ની પરીક્ષા અંદાજે માસ જેટલી મોડી લેવામાં આવશે.
યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં આર્ટસ, કોમર્સ, સાયન્સ સહિતની વિવિધ પરીક્ષાઓ ૧૧મી ઓક્ટોબરથી શરૂ કરવાની જાહેરાત કરી હતી. જોકે, આજે યુનિવર્સિટી દ્વારા સત્તાવાર એવી જાહેરાત કરવામાં આવી હતી કે, આર્ટસ, કોમર્સ, સાયન્સ સહિતની કોલેજો પૈકી આગામી ૧૫મી ઓક્ટોબરથી બપોરે ૩થી ૫-૩૦ દરમિયાન જે બી.કોમ. રેગ્યુલર અને એક્સટર્નલ સેમેસ્ટર ૩ની પરીક્ષા લેવામાં આવનાર હતી તે અનિવાર્ય સંજોગોના કારણે સ્થગિત કરવામાં આવી છે.
હવે આ પરીક્ષા આગામી ૧૧મી નવેમ્બર એટલે કે દિવાળીના વેકેશન પછી લેવામાં આવશે. સૂત્રો કહે છે કે, આ દિવસો દરમિયાન જીપીએસસી દ્વારા વર્ગ ૨ની વિવિધ પરીક્ષાઓ લેવામાં આવનાર હોવાથી આ પરીક્ષા આપતાં ઉમેદવારોની બેઠક વ્યવસ્થા જુદી જુદી કોલેજોમાં રાખવામાં આવે છે.
જેના કારણે યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ આપતાં વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થાની મુશ્કેલી ઊભી થાય તેમ હોવાથી યુનિવર્સિટી દ્વારા પરીક્ષા પાછળ લઇ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્ત્વની વાત એ કે, યુનિવર્સિટીના આ નિર્ણયના કારણે હવે વિદ્યાર્થીઓએ દિવાળી પહેલા અને નવરાત્રિ પછી જે પરીક્ષા આપી દેવાની હતી તે આપવા માટે દિવાળી પછી ૧૫મી ઓક્ટોબર સુધી રાહ જોવી પડશે.
આ ઉપરાંત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોએ નિયમ પ્રમાણે યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓને પ્રાથમિક્તા આપવાના બદલે જીપીએસસી કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓને મહત્ત્વ આપી રહ્યા છે. સૂત્રો કહે છે કે, અન્ય સરકારી કે ખાનગી પરીક્ષાઓના સંચાલન અને આયોજન માટે વધારે રૂપિયા મળતાં હોવાથી અનેક કોલેજ સંચાલકો કે કેટલાક આચાર્ય આ પ્રકારની પરીક્ષાઓના આયોજનમાં વિશેષ ધ્યાન અને પ્રાથમિક્તા આપી રહ્યા છે.