ગુજરાતની ઊર્જાવાન ઊર્જા ટીમમાં વધુ ૩૯૪ નવા જુનિયર ઈજનેરો જોડાયા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઊર્જા વિભાગની વિવિધ કંપનીઓના નવનિયુક્ત ઇજનેરોને નિમણૂક પત્રો એનાયત કર્યા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ઊર્જા વિભાગની ચાર વીજ વિતરણ કંપનીઓમાં નવી નિમણૂક પામેલા ૩૯૪ જુનિયર ઈજનેરોને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં નિમણૂક પત્રો એનાયત કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની ઊર્જા ટીમમાં નવી નિમણૂક પામી રહેલા આ યુવા ઇજનેરોની કાર્યકુશળતાથી ઊર્જા ક્ષેત્ર વધુ દીપી ઉઠશે તેવી અપેક્ષા આ તકે વ્યક્ત કરી હતી.
એમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટ્રાન્સપેરન્સીથી ભરતી માટેની એક સિસ્ટમ ઊભી કરી છે. આના પરિણામે નાનામાં નાના, છેવાડાના, યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિને સરળતાથી સરકારી સેવામાં જોડાવાની તક મળે છે.
ઊર્જા સેક્ટર જેવા સમાજના અગત્યના ક્ષેત્રમાં વિઝનરી નેતૃત્વ કેવો બદલાવ લાવી શકે છે તેનું દ્રષ્ટાંત શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યોતિગ્રામ યોજના, સોલાર પાર્ક, સોલાર રૂફટોપ, કિસાન સૂર્યોદય, પી.એમ. સૂર્યઘર મુફ્ત વીજળી યોજના જેવી યોજનાઓના સફળ અમલથી પૂરું પાડ્યું છે એની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ નવનિયુક્ત યુવા ઇજનેરોને પ્રેરણા આપતા ઉમેર્યું કે, લોકોની પાયાની જરૂરિયાત એવી વીજળી-ઊર્જા સાથે સંકળાઈને જે જનસેવાની તક તમને મળી છે તેને તમારી વીજ કંપનીના કાર્યદક્ષ વ્યાપથી વધુ વિસ્તારજો.
રાષ્ટ્ર હિત, રાજ્ય હિત હૈયે રાખીને કાર્યરત રહેવા સાથે ઊર્જા કર્મીઓ વાવાઝોડા, વરસાદ, પૂર જેવી કપરી સ્થિતિમાં જીવના જોખમે ખડે પગે રહીને લોકોના ઘરોમાં અજવાળું પાથરે છે તે માટે તેમણે સમગ્ર ઊર્જા ટીમને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આવી ટીમની કાર્યકુશળ ઊર્જા અને જનસેવા પ્રતિબદ્ધતાથી જ ગુજરાત ઊર્જાવાન બન્યું છે.
આપણે સૌએ સાથે મળીને કર્તવ્યરત રહી ૨૦૪૭ના વિકસિત ભારત માટે વિકસિત ઊર્જાવાન ગુજરાતનું નિર્માણ કરવાનું છે તેવું આહવાન પણ તેમણે નવનિયુક્ત યુવા ઇજનેરોને શુભેચ્છાઓ પાઠવતા કર્યુ હતું.
આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રીના હસ્તે PGVCLની નવનિર્મિત આટકોટ સબ-ડિવિઝન ઑફિસ, રાજકોટ ખાતે GETCOના વાજડી ટ્રેનિંગ સેન્ટર, SLDCના નવા રિન્યુએબલ એનર્જી મેનેજમેન્ટ બિલ્ડિંગ તેમજ GETCOના ૭ નવા સબ-સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ E-CGRF પોર્ટલ, GUVNLની “ઊર્જા સંવાદ” મેગેઝિન તેમજ બુકલેટનું પણ લોન્ચિંગ કર્યું હતું.
ગુજરાતના કર્મનિષ્ઠ વીજકર્મીઓની કામગીરીને આ અવસરે બિરદાવતાં ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આજે ગુજરાત ૨૪ કલાક વીજળીથી વેગવંતુ અને ઊર્જાવાન બન્યું છે. વાવાઝોડું, ભારે વરસાદ જેવી કટોકટીની પરિસ્થિતિ વચ્ચે પણ નાગરિકોને વીજ પુરવઠો પૂરો પાડવા વીજ કર્મીઓએ સતત ખડેપગે રહીને માત્ર ૨૪ થી ૩૬ કલાકમાં વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો.
નવનિયુક્ત યુવાનોને અભિનંદન પાઠવતાં ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, તમને દેશની ઉત્તમ સેવા કરવાનો અવસર મળ્યો છે. ગુજરાતની ચાર વીજ વિતરણ કંપનીને ઉમદા કાર્યપદ્ધતિ માટે A પ્લસ ગ્રેડ પ્રાપ્ત થયો છે. નવા નિમણૂક મેળવનારા તમામ કર્મચારીઓએ આ જ રીતે ઉમદા કામગીરી કરીને આ ગ્રેડને જાળવી રાખશે તેવી અપેક્ષા તેમણે દર્શાવી હતી.
મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં અતિવૃષ્ટિ જેવી કટોકટીની કોઈપણ પરિસ્થિતિમાં વીજળીની ગુણવત્તા વધારવા અને જોખમને ઘટાડવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દરિયા કિનારાથી ૫૦ થી ૬૦ કિલોમીટર સુધીની તમામ કેબલિંગ લાઇન અન્ડર ગ્રાઉન્ડ કરવાની પ્રેરણા આપી છે તે દિશામાં ઊર્જાવિભાગ આગળ વધશે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને દિવસે પણ વીજળી આપવાના મુખ્યમંત્રીશ્રીના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ખૂબ ઝડપથી કામગીરી થઈ રહી છે. ૯૦% ગામડાઓમાં કામગીરી પૂર્ણ થઈ છે. બાકીની કામગીરી આગામી ડિસેમ્બર મહિના સુધી પૂર્ણ કરાશે, તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
મુખ્ય સચિવ શ્રી રાજકુમારે નવનિયુક્ત જુનિયર ઇજનેરોને શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે, આજના યુગમાં વીજળી નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત છે. રાજ્યના દરેક નાગરિક સુધી અવિરત વીજ પુરવઠો મળતો રહે તે તમામ વીજ કર્મીઓએ સુનિશ્ચિત કરવાનું છે.
મુખ્ય સચિવશ્રીએ ઉમેર્યું હતું કે, તાજેતરમાં જ ગુજરાત મુલાકાતે આવેલા ૧૬માં નાણા પંચે પણ રાજ્યના વીજ ક્ષેત્રની સરાહના કરી હતી. ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગ જેવા અનેક પડકારો સામે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની દિશામાં નવયુવાનોએ કામ કરવું અનિવાર્ય છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
આ સમારોહના પ્રારંભે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ. જે. હૈદરે સૌનું શાબ્દિક સ્વાગત કરીને નવનિયુક્ત જુનિયર ઇજનેરોને ઊર્જા વિભાગમાં આવકાર્યા હતા. GUVNLના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જયપ્રકાશ શિવહરે દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ઊર્જા વિભાગ અને GUVNL સંલગ્ન વીજ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ અને નવનિયુક્ત ઉમેદવારો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.