Western Times News

Gujarati News

રાજયમાં દોરી વાગવા સહિતની ઘટનામાં ૭નાં મોત

રાજ્યભરમાં ઉત્તરાયણનાં પર્વની ઉત્સાહભેર ઉજવણીઃ 

અમદાવાદ, તમામ વયના લોકોના સૌથી લોકપ્રિય ઉત્તરાયણના તહેવારની અમદાવાદ સહિત રાજયભરમાં ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, પવન હોવાના કારણે વહેલી સવારથી જ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું.

જોકે કાંતિલ ઠંડા પવનોના કારણે લોકો ઠુંઠવાયા પણ હતાં આ પરિસ્થિતિમાં પણ ઉત્તરાયણના પર્વની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. જોકે ઉજવણી દરમિયાન રાજયભરમાં દોરી વાગવા સહિતના કિસ્સાઓ નોંધાયા છે.

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે એલર્ટ મોડમાં રહેલ ૧૦૮ ઈમરજન્સી સેવાને એકલા ઉત્તરાયણના દિવસે જ ૪૫૦૦ થી વધુ કોલ મળ્યા હતાં ગંભીર બાબત એ છે કે રાજયમાં કુલ ૭ વ્યક્તિના મોત નીપજયા છે જયારે ૧૦થી વધુ લોકોને ગંભીર ઈજાઓ થતાં હજુ સારવાર હેઠળ છે. વાસી ઉત્તરાયણના દિવસે પણ ૧૦૮ને ઈમરજન્સી કોલ મળ્યા છે

૧૪ જાન્યુઆરી મંગળવારનો દિવસ પતંગ રસિકો માટે પવનની ગતિ સારી હોવાથી શાનદાર રહ્યો પરંતુ આ પતંગે ૬ લોકોની જિંદગી પણ ગઇ કાલે ટૂંકાવી દીધી. પતંગની દોરીથી ગળા કપાતા ૭ લોકોની જિંદગી પતંગ ઉત્સવની ભેટ ચઢી ગઇ.

રાજકોટમાં પતંગની દોરીના કારણે એક બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. સુરેન્દ્રનગરના પાટડીના ઈશ્વરભાઈ ઠાકોરનું દોરીના કારણે મોત થયું હતું. હાલોલના ર૫ વર્ષીય કુણાલનું પતંગની દોરીથી ગળું કપાઇ જતાં મોત થયું હતું. કડીમાં વીજતાર પર પડેલી દોરીને દૂર કરવા જતાં મહિલાનું કરંટથી મોત થયું – -તો આ ઘટના દરમિયાન મહિલાને બચાવવા ગયેલા ભાઇનું પણ મોત થયું હતું. ભરુચના નબીપુર પાસે સંજય પાટણવાડીયાનું ગળું કપાતા મોત નિપજ્યું છે.

મહેસાણા જીલ્લામાં ઉત્તરાયણની ઉજવણી દરમિયાન વડનગર તાલુકાના વડબાર ગામે ૩પ વર્ષીય માનશાજી ઠાકોરનું દોરી વાગતા મોત નીપજયું છે. વડોદરા શહેરમાં દોરીના કારણે ગળા પર ગંભીર ઈજા થવાની ૬ ઘટનાઓ ઘટી છે જેમાં છાણીમાં રહેતી ૩પ વર્ષીય મહિલાનું ગળુ કપાઈ જતા મોત નીપજયું હતું. આ ઉપરાંત વડોદરામાં ધાબા પરથી પડી જતાં એક યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

રાજયમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાંથી ૧૦૮ ઈમરજન્સીની કોલ મળ્યા હતાં. મકરસંક્રાંતિના પતંગ ઉત્સવ દરમિયાન ૩ વાગ્યા સુધી ૧૦૮ને ૨૨૯૯ ઈમરજન્સી કોલ મળ્યા હતા. જે છેલ્લા વર્ષની સરખામણીમાં આ વર્ષના ૧૮૮ વધુ કોલ છે. દોરીથી ઇજા થતાં રોડ અકસ્માતના પ્રમાણમાં પણ વધારો થયો છે. અમદાવાદમાં બપોર સુધીમાં ૫૦૦ ઈમરજન્સી કોલ આવ્યાં,સુરતમાં ૨૨૮, રાજકોટમાં ૧૬૦ ઈમરજન્સી કોલ,વડોદરામાં ૧૪૧, ભાવનગરમાં ૧૧૬ ઈમરજન્સી કોલ,દાહોદમાં ૧૦૦, ગાંધીનગરમાં ૮૨, જામનગરમાં ૮૧ કોલ્સ આવ્યા.

ઉત્તરાયણ પર્વ દરમિયાન ૬ લોકોએ જીવ ગુમાવવાની સાથે અનેક પક્ષીએ પણ જીવ ગુમાવ્યા છે તો ૧૪૦૦ જેટલા પક્ષી ઘાયલ થયા છે. ઉલ્લેખનિય છે કે, પશુ-પંખીઓ પણ ઈજાગ્રસ્ત થવાના બનાવમાં વધારો થયો છે. સાંજે છ વાગ્યા સુધીમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને ૧૪૦૨ ઈમરન્સી કોલ મળ્યાં હતા. જેમાં ૭૫૮ પશુના અને ૬૪૪ પક્ષીઓના હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.