વૌઠાનો લોકમેળો: 4 હજાર કરતાં પણ વધુ ગર્દભોને વેચાણ માટે આવે છે
અમદાવાદ જીલ્લા પશુપાલન શાખા દ્વારા ગર્દભ કેમ્પનું આયોજન કરાયું, ૩૪૦ ગર્દભોને સારવાર આપવામાં આવી-ગુજરાતનો સુપ્રસિધ વૌઠાનો લોકમેળો: મુખ્ય આકર્ષણ ગર્દભ બજાર
ગુજરાતનો સુપ્રસિધ વૌઠાનો લોકમેળો અમદાવાદ જિલાના ધોળકા તાલુકાના વૌઠા ગામે યોજાય છે. દર વર્ષે અહીં કારતક સુદ અગીયારસથી કારતક સુદ પુનમ સુધી પાંચ દિવસનો ખુબ જ મોટો અને ભવ્ય મેળો ભરાય છે, જ્યાં ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિનાં દર્શન થાય છે. આ ભાતીગળ મેળો માણવા વિદેશીઓ પણ આવે છે.
આ મેળો તેમાં થતા વિશિષ્ટ ગર્દભના વેપારને કારણે પણ ખુબ પ્રખ્યાત છે. આ મેળાનું મુખ્ય આકર્ષણ ગર્દભ નું બજાર છે. અહી સારામાં સારા અને ઊંચી જાતના ગર્દભ વેચાણ માટે લાવવામાં આવે છે, વણઝારાનો સમુદાય અહી ચાર હજાર કરતાં પણ વધુ ગર્દભોને વેચાણ માટે લઈ આવે છે. વૌઠાના મેળામાં ઊંટનો પણ વેપાર થાય છે. ગર્દભ ને લાલ, ગુલાબી અને કેસરી રંગ ગળા અને પીઠના ભાગ પર લગાડવામાં આવે છે.
વૌઠા મેળા ૨૦૨૪ અંતર્ગત અમદાવાદ જીલ્લા પશુપાલન શાખાના નાયબ નિયામક શ્રી સુકેતુ ઉપાધ્યાયના જણાવ્યા પ્રમાણે, પશુપાલન શાખા દ્વારા તા.૦૭-૧૧-૨૦૨૪ થી તા.૧૧-૧૧-૨૦૨૪ દરમ્યાન ગદર્ભ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું . આ કેમ્પમાં અંદાજીત ૩૪૦ જેટલા ગર્દભોને સારવાર આપવામાં આવી હતી.
આ ઉપરાંત તા.૧૫-૧૧-૨૦૨૪ દરમ્યાન ઊંટ વર્ગના પ્રાણીઓ માટે એન્ટીસરા(ઝેરબાજ) કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં અંદાજીત ૩૦૦ ઊંટને સારવાર આપવામાં આવી હતી તેમજ અંદાજીત ૨૦૦ બકરાઓને કૃમિનાશક દવાઓ પીવડાવવામાં આવી હતી.