Western Times News

Gujarati News

પૂજ્ય ગાંધીજીના ‘સાદું જીવન-ઉચ્ચ વિચાર’ના સંદેશને અનુરૂપ શુદ્ધ, સાત્વિક અને ઉચ્ચ આદર્શો સાથે જીવન જીવો : રાજ્યપાલ

રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ગૂજરાત વિદ્યાપીઠના 70મા પદવીદાન સમારોહની ગરિમાપૂર્ણ ઉજવણી

પદ્મભૂષણ શ્રીમતી રાજશ્રી બિરલા અને નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટરસીઈઓ શ્રી આશિષ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ગૂજરાત વિદ્યાપીઠના વર્ષ 2023-24ના વાર્ષિક અહેવાલનું વિમોચન

39 પીએચડી, 5 એમ.ફિલ., 457 અનુસ્નાતક, 424 સ્નાતક, 47 પી.જી. ડિપ્લોમા એમ કુલ 972 વિદ્યાર્થી ભાઈ બહેનોને ડિગ્રી એનાયત કરાઇ

ગુરુપૂર્ણિમાના પાવન પર્વે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગૂજરાત વિદ્યાપીઠના 70 મા પદવીદાન સમારોહમાં 972 જેટલા વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને પૂજ્ય ગાંધીજીના ‘સાદું જીવન-ઉચ્ચ વિચારો’ના સંદેશને અનુરૂપ શુદ્ધ, સાત્વિક અને ઉચ્ચ આદર્શો સાથે જીવન જીવવાની શીખ આપી હતી.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, જીવનમાં ક્યાંય પણ જાઓ એવો આચાર, વિચાર અને વ્યવહાર રાખજો કે ગૂજરાત વિદ્યાપીઠનું ગૌરવ વધે. રાષ્ટ્રસેવા, માનવસેવા અને જીવસેવાના ભાવ સાથે, સર્વના કલ્યાણની ભાવના સાથે જીવનમાં ખૂબ પ્રગતિ કરજો.  પદવીદાન સમારોહમાં 39 પીએચડી, 5 એમ.ફિલ., 457 અનુસ્નાતક, 424 સ્નાતક, 47 પી.જી. ડિપ્લોમા એમ કુલ 972 વિદ્યાર્થી ભાઈ બહેનોને ડિગ્રી એનાયત કરાઇ હતી

તૈત્તિરીય ઉપનિષદના ઉપદેશના સંદર્ભ સાથે શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું હતું કે, પૂજ્ય ગાંધીજી સત્યના આગ્રહી હતા. જીવનમાં હંમેશા સત્યનું આચરણ કરજો. જે હંમેશા સત્યના માર્ગે ચાલે છે તે જ જીવનમાં સ્થાયી સન્માન મેળવે છે. સત્ય જ શાશ્વત છે. સત્ય હંમેશા પ્રેરણા આપે છે. આત્માની શાંતિનો મૂળ આધાર જ સત્ય છે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને જીવનમાં હંમેશા ધર્મનું આચરણ કરવાની શિખામણ આપી હતી. તેમણે કહ્યું કે, હિંદુ-મુસ્લિમ જેવા ભેદ એ ધર્મ નથી. ધર્મ એટલે માનવીય સંવેદનાના સ્પંદનની અનુભૂતિ. કર્તવ્યનું પાલન. વ્યક્તિએ સર્વજીવો સાથે સદ્વ્યવહાર રાખીને માતૃધર્મ, પિતૃધર્મ, નાગરિકધર્મ અને રાષ્ટ્રધર્મનું પાલન કરવું જોઈએ. વિદ્યાર્થીઓએ પોતાના જ્ઞાનનો લાભ સમાજના જરૂરિયાતમંદ લોકોને આપવો જોઈએ.

પૂજ્ય ગાંધીજી હંમેશા સમાજના છેવાડાના માણસ સુધી લાભ પહોંચાડવાના આગ્રહી રહ્યા. દરેક વિદ્યાર્થીએ સમાજમાં જ્યાં જરૂર છે ત્યાં પોતાના જ્ઞાનનો લાભ પહોંચાડવો જોઈએ. પોતાના માતા-પિતા અને ગુરુજનોનો હંમેશા આદર-સત્કાર-સન્માન કરવું જોઈએ. જ્યાં માતા-પિતા અને ગુરુનું સન્માન થાય છે એ જ સમાજ અને એ જ રાષ્ટ્ર સમૃદ્ધ થાય છે.

પ્રાકૃતિક ખેતી માટે સૌને પ્રેરણા આપતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આજકાલ આપણી ખેતી હિંસક થઈ ગઈ છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનું કામ જ છે, મારો..મારો.. મારો.. આપણે મિત્ર જીવો અને સૂક્ષ્મ જીવ-જંતુઓને ખતમ કરી રહ્યા છીએ અને એટલે જ આપણે ખતરનાક ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છીએ. આજે પર્યાવરણ બગડી ગયું છે, પાણી અશુદ્ધ છે, ધરતીમાં ઝેરીલી થઈ ગઈ છે. પ્રાકૃતિક ખેતી આ તમામ સમસ્યાઓનો ઉકેલ છે. આપણે સૌ સાથે મળીને પ્રાકૃતિક ખેતી માટે સમાજને પ્રેરિત કરીએ.

આ તકે રાજ્યપાલશ્રીએ ગૂજરાત વિદ્યાપીઠના તેજસ્વી અને સકારાત્મક વાતાવરણ માટે  કુલપતિ શ્રી ડૉ. હર્ષદ પટેલ અને સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા. રાજ્યપાલના હસ્તે ગૂજરાત વિદ્યાપીઠના વર્ષ 2023-24ના વાર્ષિક અહેવાલનું વિમોચન કરાયું હતું.

આ પ્રસંગે પદ્મભૂષણ શ્રીમતી રાજશ્રીબેન બિરલાએ સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, સૌ વિદ્યાર્થીઓએ કલ્પનાશીલ બની પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા સતત પુરુષાર્થ કરતા રહેવું જોઈએ. કલ્પનાશીલ વ્યક્તિ જ વિકાસના પથ પર આગળ વધે છે. કારણ કે, માનવની પ્રગતિ તેની કલ્પનાશીલતાના આધાર પર થાય છે.  મહાત્મા ગાંધીજી વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગાંધીજીના પુરુષાર્થ થકી જ દેશ અહિંસક માર્ગે અંગ્રેજોથી મુક્ત થયો છે.

તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે, બિરલા પરિવાર વર્ષોથી ગાંધીજીના આદર્શો સાથે જોડાયેલો છે. બિરલા પરિવારન ત્રણ પેઢીથી ગાંધીજીથી પ્રભાવિત થઈ તેમના માર્ગે ચાલી સમાજ નિર્માણના કાર્યમાં સહભાગી થયો છે. અંતમાં તેમણે સૌ વિદ્યાર્થીઓને ગાંધીજીના વિચારો અને આદર્શોને જીવનમાં સ્થાન આપી આગળ વધવા કહ્યું હતું.

આ પ્રસંગે નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, અલ્હાબાદ યુનિવર્સિટીના કુલાધિપતિ તથા યુજીસીના સભ્યશ્રી આશિષ ચૌહાણે જણાવ્યું હતું કે, ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાઇ રહેલા 70મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહીને આનંદની લાગણી અનુભવું છું. ગુજરાત વિદ્યાપીઠ એ 105 વર્ષથી ગાંધીજીના વિચાર સાથે સંકળાયેલી અને તેના મૂલ્યો આધારિત ચાલનારી એક વિશાળ સંસ્થા છે. તેમણે ગૌરવપૂર્વક કહ્યું કે, મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજીભાઈ દેસાઈ જેવા દેશના મહાન ઘડવૈયાઓએ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવાઓ આપી છે.

વધુમાં તેમણે કહ્યું કે, ગાંધી ભારતીય પરંપરાને અનુસરી મોહનદાસમાંથી મહાત્મા બન્યા. શ્રી આશિષ ચૌહાણે કહ્યું કે, ગાંધીજીના આદર્શ અને નૈતિક મૂલ્યો આપણા માટે પ્રેરણાસ્ત્રોત અને માર્ગદર્શક છે. પોતાના વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, હું વર્ષોથી ગાંધીજીની વિચારધારા સાથે જોડાયેલો છું. તેમણે વધુ ઉમેર્યું હતું કે, આપણને ખરા અર્થમાં સ્વાવલંબી બનતાં ગાંધીજીએ શીખવ્યું.

આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડૉ .હર્ષદ પટેલે સ્વાગત ઉદબોધન કરી સૌને આવકાર્યા હતા. કુલપતિશ્રીએ કહ્યું હતું કે, મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠે સમયની સાથે નહિ પણ સમયથી આગળ ચાલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ અભ્યાસક્રમ તૈયાર કર્યો. આ વર્ષે ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ લેવા માટે ‘ગીતા’ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગીતામાં આવતા 18 અધ્યાયોની જેમ 18 રાજ્યોના વિદ્યાર્થીઓએ આ વખતે વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા માટે પ્રવેશ લીધો છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે કરાઇ રહેલી કામગીરી વિસ્તૃત જણાવી હતી અને વિદ્યાર્થીઓની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કર્યા હતા. તેમણે ગૌરવપૂર્ણ જણાવ્યું હતું કે, ગૂજરાત વિદ્યાપીઠ તેના ભવ્ય અને ઐતિહાસિક વારસાની જાળવણી સાથે આગળ વધી રહી છે.

આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠના સમગ્ર ટ્રસ્ટી મંડળ અને અધ્યાપકો, વાલીઓ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.