ગૂજરાત વિદ્યાપીઠમાં પૂજ્ય ગાંધીજીની 155મી જન્મ જયંતીની ભવ્ય અને ભાવસભર ઉજવણી
વિદ્યાપીઠના 1800 વિદ્યાર્થીઓ 21 થી 26 ઑક્ટોબર દરમિયાન 18,000 ગામોમાં પ્રાકૃતિક ખેતી મહાઅભિયાન સાથે ગાંધી ગ્રામજીવન પદયાત્રા કરશે
ગાંધી જયંતી સમારોહમાં ગાંધી પ્રિય ભજનોની પ્રસ્તુતિ : બેટરી ઓપરેટેડ કાર્ટનું લોકાર્પણ :
માનવતા અને વિશ્વ કલ્યાણ માટે ‘સત્ય‘ અને ‘અહિંસા‘નું પૂજ્ય બાપુનું આહ્વાન વિશ્વને સુખના માર્ગે લઈ જશે : શ્રી આચાર્ય દેવવ્રતજી
વિવિધ દેશો વચ્ચે વૈમનસ્ય અને યુદ્ધની સ્થિતિ છે ત્યારે આખા વિશ્વને ‘ગાંધી વિચાર‘ની તરસ છે : શ્રી આચાર્ય દેવવ્રતજી
પૂજ્ય મહાત્મા ગાંધીજીની 155મી જન્મ જયંતી એ ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, “મેરા જીવન હી મેરા સંદેશ હૈ.” પૂજ્ય બાપુનું આ કથન જીવન વ્યવહારમાં ઉતારવાની આવશ્યકતા છે. માનવતા અને વિશ્વ કલ્યાણ માટે ‘સત્ય‘ અને ‘અહિંસા‘ માટેનું તેમનું આહ્વાન વિશ્વને સુખના માર્ગે લઈ જશે.
ગૂજરાત વિદ્યાપીઠમાં ગાંધી જયંતીની ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધી ગ્રામજીવન પદયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. વિદ્યાપીઠના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સેવકો સાથે 1800 જેટલા વિદ્યાર્થીઓ તારીખ 21 થી 26 ઑક્ટોબર દરમિયાન ગુજરાતના 18,000 જેટલા ગામોમાં પદયાત્રા કરશે
અને સ્વાસ્થ્ય, સમૃદ્ધિ તથા સંપદાના સંરક્ષણ માટેના પ્રાકૃતિક ખેતી મહાઅભિયાન માટે ખેડૂતો-ગ્રામજનોને પ્રેરણા અને પ્રશિક્ષણ આપશે. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશની ચિંતા કરીને સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતી અભિયાનનો વ્યાપ વધારવા પ્રયત્નશીલ છે ત્યારે ગૂજરાત વિદ્યાપીઠના પ્રાકૃતિક ખેતી મહાઅભિયાનથી ગ્રામીણ પરિવારોની સૌથી મોટી સેવા થશે, ગામડાં સમૃદ્ધ થશે.
પૂજ્ય ગાંધીજીએ કહ્યું છે કે, ભારતના વિકાસનો માર્ગ ગામડાઓમાં થઈને નીકળે છે. શ્રી આચાર્ય દેવવ્રતજીએ પૂજ્ય ગાંધીજીના આ અવતરણને ટાંકીને કહ્યું હતું કે, ગ્રામ વિકાસ અને અંત્યોદયથી જ ભારતને સમૃદ્ધ અને વિકસિત બનાવી શકાશે. ગામનો પૈસો ગામમાં રહે અને શહેરનો પૈસો પણ ગામમાં આવે તો ગ્રામ વિકાસ થાય. ‘સાદું જીવન અને ઉચ્ચ વિચારો‘ – પૂજ્ય બાપુના વ્યવહારમાં રહેલી સાદગી અને તેમના વિચારોથી આખું વિશ્વ આજે તેમને આદરપૂર્વક નમન કરે છે. વિશ્વમાં માનવતારહિત વિચારોને કારણે વિવિધ દેશો વચ્ચે વૈમનસ્ય અને યુદ્ધની સ્થિતિ છે ત્યારે આખા વિશ્વને ‘ગાંધી વિચાર‘ની તરસ છે.
પૂજ્ય ગાંધીજી પ્રાકૃતિક જીવન જીવતા હતા, એમ કહીને શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પ્રકૃતિ માનવની તમામ જરૂરિયાતની પૂર્તિ કરી શકે છે, તેની લાલચની પૂર્તિ કરી શકતી નથી. મનુષ્યએ પોતાની લાલચની પૂર્તિ માટે પ્રકૃતિનું શોષણ કર્યું છે. તેનું જ પરિણામ ગ્લોબલ વૉર્મિંગ છે. પ્રાકૃતિક ખેતી પ્રકૃતિની સંપદાના સંરક્ષણનું અભિયાન છે. સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું અભિયાન છે.
ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓના પ્રાકૃતિક ખેતીના સંદેશ સાથેની ગાંધી ગ્રામજીવન પદયાત્રામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી રાષ્ટ્ર કલ્યાણનું અભિયાન છે. માતા-પિતાને અને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રેરણા આપશો તો ધરતી સોનું થઈ જશે.
ક્યારેય પૂર નહીં આવે, બધું પાણી જમીનમાં શોષાઈ જશે, જળસંચય થશે. આહાર શુદ્ધ થશે. સ્વાસ્થ્ય સુધરશે. પ્રદૂષણ દૂર થશે. એક કામથી અનેક લાભ થશે. તેમણે પ્રાકૃતિક ખેતી વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજણ આપી હતી.
ગૂજરાત વિદ્યાપીઠમાં ગાંધી જયંતીના પાવન પર્વે ગાંધી પ્રિય ભજનોનો કાર્યક્રમ યોજાયો હતો. આકાશવાણી અને દૂરદર્શનના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ગાયકો શ્રી હસમુખ પાટડીયા અને શ્રી કલ્યાણી કૌઠાળકરે ગાંધી પ્રિય ભજનોની સુમધુર પ્રસ્તુતિ કરી હતી.
વિધાપીઠ પરિસરની સ્વચ્છતા અને શાંતિને ધ્યાનમાં લઈને પ્રદૂષણ રહિત પર્યાવરણને અનુકૂળ બેટરી ઓપરેટેડ કાર્ટ વસાવવામાં આવ્યું છે. શ્રી આચાર્ય દેવવ્રતજીએ પૂર્વ શિક્ષણ મંત્રી અને વિદ્યાપીઠના ટ્રસ્ટી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કુલપતિ શ્રી ડૉ.હર્ષદ પટેલ સાથે આ કાર્ટમાં પહેલી સફર કરીને તેનું લોકાર્પણ કર્યું હતું.
ગૂજરાત વિધાપીઠ પરિસરમાં પ્રાણજીવન વિદ્યાર્થી ભવનમાં પૂ. મહાત્મા ગાંધીજીને વિશ્વભરમાંથી મળેલા 26 જેટલા માનપત્રો અને પ્રશસ્તિ પત્રોનું વિશિષ્ટ કાયમી પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે. શ્રી આચાર્ય દેવવ્રતજીએ દીપ પ્રગટાવીને આ પ્રદર્શન કક્ષનું ઉદઘાટન કર્યું હતું.
વિજ્ઞાન અને કલાના વિકાસ માટે ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાં જમનાલાલ બજાજ કલાકક્ષ-આર્ટ ગેલેરી તૈયાર કરવામાં આવી છે. શ્રી જમનાલાલ બજાજ કલાકક્ષ-આર્ટ ગેલેરીમાં કલાકારો પોતાના પ્રદર્શન પણ આયોજિત કરી શકશે. શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ કલાકક્ષ ખુલ્લો મુક્યો હતો.
ગાંધી જયંતીના વિવિધ કાર્યક્રમોના અંતે કન્યા છાત્રાલય પરિસરમાં સામૂહિક સફાઈ અભિયાન હાથ ધરાયું હતું શ્રી આચાર્ય દેવવ્રતજી અને ઉપસ્થિત સૌ મહાનુભાવો સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને સૌએ સામૂહિક શ્રમયજ્ઞ કર્યો હતો.
ગાંધી જયંતીના આ સમારોહમાં પૂર્વ શિક્ષણમંત્રી અને વિદ્યાપીઠના ટ્રસ્ટી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. સી. કે. ટિમ્બડીયા, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. કે. બી. કથિરિયા, ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ ઠાકર, શ્રી ચંદ્રવદન શાહ તેમજ શ્રી સુરેશ રામાનુજ તથા વિદ્યાપીઠના કાર્યકારી કુલસચિવ શ્રી ડૉ.નિખિલ ભટ્ટ, વિદ્યાપીઠના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.