ગુજરાતની વિકાસયાત્રા નારી શક્તિના બળ થકી વધુ વેગવાન બનશે: મંત્રી

દેશના વિકાસનો આધારસ્તંભ સશક્ત અને સક્ષમ મહિલાઓ: મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા
ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને “મહિલા સંમેલન” યોજાયું
Ø સખી વન સ્ટોપ સેન્ટર – ખેડાનું અને લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેક્નોલોજીના ઉપયોગથી કરાઈ, દાહોદ અને ખટામ ખાતે બનાવેલી ડેમો આંગણવાડીનું મંત્રીશ્રીના હસ્તે ઈ લોકાર્પણ
Ø વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય તથા માતા યશોદા એવોર્ડ જેવી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સન્માનિત કરાયા
દેશના વિકાસનો આધારસ્તંભ સશક્ત અને સક્ષમ મહિલાઓ છે તેમ જણાવતાં મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે, ગુજરાતે શરૂ કરેલી વિકાસયાત્રા નારી શક્તિના બળ થકી વધુ વેગવાન બનશે. સુપોષિત ગુજરાત બનાવવાની દિશામાં દરેક આંગણવાડી કાર્યકરની મહત્વની ભૂમિકા રહેલી છે.
ઘરે આવવા માટે મહેમાનને આમંત્રણ આપવું જોઈએ એ આપણી સંસ્કૃતિનો ભાગ છે.
એ સંસ્કૃતિ આપણી આંગણવાડીની બહેનોએ બાળકોને ખૂબ સારી રીતે શીખવાડી છે, જેનો મને આનંદ છે. pic.twitter.com/ncoFy1w8q8
— Bhanuben Babariya (@BhanubenMLA) May 17, 2025
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે દીકરીઓ, યુવતીઓ અને મહિલાઓનો પોષણ અને સર્વાંગી વિકાસ સર્વોપરી છે. તેમણે “નારી શક્તિ થી રાષ્ટ્ર નિર્માણ” ના દ્રઢ નિશ્ચયને સાર્થક કરવાની શરૂઆત ગુજરાતથી કરી હતી. તેમના આ દ્રઢ સંકલ્પને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યાં છે.
રાજ્ય સરકાર દ્વારા નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતી લાવવાના હેતુથી ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને “મહિલા સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે રૂ. ૪૮ લાખના ખર્ચે નિર્માણ પામનાર સખી વન સ્ટોપ સેન્ટર ખેડાનું ઈ લોકાર્પણ અને GSPC ના CSR ભંડોળ હેઠળ લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેક્નોલોજીના ઉપયોગ કરીને દાહોદ, કરાઈ અને ખટામ ખાતે બનાવેલા ત્રણ આંગણવાડીનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહિલાઓના ઉત્સાહને જોઈને મને વધુ ઊર્જા મળી રહી છે તેમ જણાવતાં મંત્રી શ્રી બાબરીયાએ જણાવ્યું હતું કે, તમારા સૌના સહિયારા પ્રયાસ થકી રાજ્યને સુપોષિત બનાવી શકાશે. આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતાં THRના ઉપયોગ થકી સુપોષિત ગુજરાતનો લક્ષ્ય સાકાર થઈ
રહ્યો છે.
મહિલા સંમેલનમાં સન્માનિત થનાર સૌ બહેનોને અભિનંદન પાઠવતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આંગણવાડીઓમાં નાના ભૂલકાઓને ગમ્મત સાથે જ્ઞાન તથા પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. બાળકોના પાયાના શિક્ષણને મજબૂત બનાવવામાં મુખ્યસેવિકા, આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બહેનોનો સિંહ ફાળો રહેલો છે. તેમની આ શ્રેષ્ઠ કામગીરીને બિરદાવવા માટે તેમનો માતા યશોદા એવોર્ડથી પ્રોત્સાહિત કરવામાં આવે છે.
મહિલાઓને રાજ્યના સર્વાંગી વિકાસમાં હિસ્સો મળી રહે તેવા ઉમદ્દા હેતુથી ગુજરાત સરકાર દ્વારા મહિલાઓના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ શ્રેષ્ઠ સ્વૈચ્છિક સંસ્થા અને શ્રેષ્ઠ મહિલા કાર્યકરને ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર આપવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકરે પ્રાંસગિક ઉદ્ભોદન કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શનમાં પોષણ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યમાં આજે ૩.૫ લાખથી વધુ લાભાર્થીઓ પોષણ ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મહિલા સંમેલનમાં ICDS કમિશનર શ્રી રણજીતકુમારે સ્વાગત ઉદ્ભોદન કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર વિતરણ, વ્હાલી દીકરી યોજનાના મંજુરી હુકમનું વિતરણ, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાનાં મંજુરી હુકમ મંત્રીશ્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનાં મંજુરી હુકમનું વિતરણ, મહિલા સ્વાવલંબન યોજનાનાં મંજુરી ચેકનું વિતરણ, માતા યશોદા એવોર્ડ વિતરણ, પોષણ ઉત્સવ વાનગી સ્પર્ધામાં વિજેતાઓને ઈનામ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહિલા કલ્યાણ નિયામકશ્રી પુષ્પા નિનામા દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, આઈ.સી.ડી.એસના સંયુક્ત નિયામક શ્રી અવંતિકા દરજી, ડે. કમિશનર શ્રી મનીષાબેન પટેલ,મિશન ડાયરેક્ટર શ્રી જિજ્ઞાસા પંડ્યા, જીઆરસી નિયામકશ્રી અમીબેન પટેલ સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રી તથા કર્મચારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો હાજર રહ્યા હતા.