Western Times News

Gujarati News

હાઇવે પર દર 40-60 કિ.મીના અંતરે એમેનિટીઝ બનશે- રેસ્ટરૂમ, ચાર્જિંગ સ્ટેશન અને ખાણીપીણીની સુવિધા રહેશે

ગુજરાતમાં 56 વેસાઇડ એમેનિટીઝને મંજૂરી, દેશભરમાં 501 વેસાઇડ એમેનિટીઝ બનશે-વેસાઇડ એમેનિટીઝથી ગુજરાતમાં હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે વધુ સુવિધાજનક

દેશના નેશનલ હાઇવે તેમજ વિવિધ એક્સપ્રેસ વે પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવીને નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં જણાવ્યુ હતું કે દેશના અલગ અલગ નેશનલ હાઇવે અને એક્સપ્રેસ વે પર 501 વેસાઇડ એમેનિટીઝ (WSAs) બનાવવાની મંજૂરી આપી છે જેમાં ગુજરાતની 56 વેસાઇડ એમેનિટીઝનો સમાવેશ થાય છે. આ મંજૂરી મળવાથી ગુજરાતનું હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બનશે અને નાગરિકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે.

કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અત્યારે 501 WSAsની મંજૂરી આપવામાં આવી છે જેમાંથી 94 કાર્યરત છે. વર્ષ 2028-29 સુધી 700થી વધારે WSAs સ્થાપિત કરવાનો સરકારનો ઉદ્દેશ છે. ગુજરાતમાં 56 WSAsમાંથી અત્યારે 9 કાર્યરત છે.

વેસાઇડ એમેનિટીઝમાં શું મળશે?

વેસાઇડ એમેનિટીઝ એટલે મોટા હાઇવે પર રસ્તાની આસપાસ જરૂરી સુવિધાઓ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું. મોટા હાઇવે અને એક્સ્પ્રેસવે પર પસાર થતા વાહનો માટે આ WSAs પર પાર્કિંગ, ચાર્જિંગ સ્ટેશન, ગુણવત્તાસભર ખાણીપીણીની સુવિધા, રેસ્ટરૂમ અને મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ બનશે. સરકાર દ્વારા 40થી 60 કિલોમીટરના અંતરે WSAs વિકસિત કરવામાં આવશે. આ WSAsમાં નાના વ્યવસાયકારો અને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા માટે ખાસ ઝોન બનાવવામાં આવશે. તેમજ સ્થાનિક ઉત્પાદનોના વેચાણ માટે વિલેજ હાટ જેવી સુવિધાઓ પણ પ્રદાન કરવામાં આવશે. રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકસિત થઇ રહેલા ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આ સુવિધાઓના નિર્માણથી રોજગારીની તકો પણ વધશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.