વિશાળ રણ-સૌથી મોટો સમુદ્ર કિનારો ધરાવતું ગુજરાત પરંપરાગત ઊર્જા ઉત્પાદનમાં દેશનું નેતૃત્વ લેવા સક્ષમ : કેન્દ્રીય પાવર-ઊર્જા મંત્રી
ગુજરાતને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન અને નિકાસ માટે હબ બનાવવા રાજ્ય સરકારે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે : ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ
બે દિવસીય કોન્ફરન્સમાં તજજ્ઞોની ઉપસ્થિતિમાં ઊર્જાની જરૂરિયાતો, રિફોર્મ ,ગ્રિડ ઈન્ટિગ્રેશન અને ઊર્જા ક્ષેત્રે ભારતની વૈશ્વિક ભૂમિકા અંગે રોડ મેપ તૈયાર કરવા વિવિધ સત્રો યોજાશે
પરંપરાગત ઊર્જા એ ભારતનું ભાવિ છે, જેમાં ગુજરાત અગ્રેસર રાજ્ય છે. વિશાળ રણ અને સૌથી મોટો સમુદ્ર કિનારો ધરાવતું ગુજરાત પરંપરાગત ઊર્જા ઉત્પાદનમાં ભારતનું નેતૃત્વ લેવા સક્ષમ છે. હાલમાં પણ રીન્યુએબલ એનર્જી એટલે કે સોલાર, વિન્ડ અને ઓફ શોર એનર્જી ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર છે. ભારતમાં સોલાર, ગ્રીન એનર્જી, ગ્રીન હાઈડ્રોજન જેવી પરંપરાગત ઊર્જા ક્ષેત્રે રોકાણની ભરપૂર તકોની સાથે સાથે મોટા પ્રમાણમાં રોજગારી પણ ઉપલબ્ધ થઇ શકે તેવી પુરી સંભાવના રહેલી છે તેમ, આજે ગાંધીનગર ખાતે કેન્દ્રીય પાવર, ન્યુ એન્ડ રીન્યુએબલ એનર્જી મંત્રી શ્રી આર.કે.સિંહ બે દિવસીય કોન્ફરન્સના ઉદ્દઘાટન પ્રસંગે જણાવ્યું હતું.
વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ અંતર્ગત હોટલ લીલા, ગાંધીનગર ખાતે આજે કેન્દ્રીય મંત્રી શ્રી આર.કે.સિંહના હસ્તે અને ગુજરાતના ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ‘એનર્જી ટ્રાન્ઝિશન ઈન ઇન્ડિયા-રોડ ટ્રાવેલ્ડ એન્ડ અપર્ચ્યુનિટી અહેડ’ વિષયક બે દિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
કેન્દ્રીય પાવર મંત્રી શ્રી સિંહે ગુજરાત સરકારે રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે કરેલી કામગીરીની સરાહના કરતાં કહ્યું હતું કે, ગુજરાત પરંપરાગત ઊર્જા ઉત્પાદન ક્ષેત્રે વર્ષ ૨૦૩૦ પહેલા જ પોતાનું લક્ષ્યાંક પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત પણ વર્ષ ૨૦૭૦ સુધીનો નેટઝીરોનો વૈશ્વિક લક્ષ્યાંક વર્ષ ૨૦૪૭ સુધીમાં હાંસલ કરે તેવો બધા રાજ્યો સંયુક્ત પ્રયાસ કરી રહ્યા છે. ઊર્જા મંત્રાલય પણ વર્ષ ૨૦૩૦ સુધીમાં ઊર્જા ઉત્પાદન ડબલ કરવાના ગોલ સાથે આગળ વધી રહ્યું છે. આ માટે ઊર્જા સ્ટોરેજ ક્ષમતા, ઉત્પાદન, સપ્લાય ચેઈન સહિતની ક્ષમતા વધારવાની દિશામાં રોકાણ-સંશોધન કરવું પડશે.
વિકસિત દેશોમાં પ્રતિ વ્યક્તિ એમિશનનું પ્રમાણ ગ્લોબલ એવરેજ કરતા ૪૦ થી ૫૦ ટકા વધારે છે જ્યારે ભારતમાં આ પ્રમાણ માત્ર ૨.૫ ટકાની આસપાસ છે જે ભારતની વર્ષ ૨૦૪૭ સુધીમાં જ નેટ ઝીરોની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ ગોલ હાંસલ કરવા માટે આપણે સૌએ આ બે દિવસની કોન્ફરન્સમાં વધુ સચોટ નીતિ ઘડવી પડશે. આ પ્રસંગે રોકાણકારોને વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ અંતર્ગત રીન્યુએબલ એનર્જી સહિત તમામ ક્ષેત્રે ગુજરાત રોકાણ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે તેમ જણાવી મંત્રીશ્રીએ વધુમાં વધુ રોકાણ માટે અનુરોધ કર્યો હતો.
ગુજરાતને ઊર્જા ક્ષેત્રે વધુ સક્ષમ બનાવવા તથા આ ક્ષેત્રે આવી રહેલા પડકારોનો સામનો કરવા માટે કેન્દ્રના ઊર્જા મંત્રાલય દ્વારા મળી રહેલા અવિરત સહયોગ બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરી ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘ભારતમાં એનર્જી ટ્રાન્ઝિશન’ પર કેન્દ્રિત આ કોન્ક્લેવ ક્લીન એન્ડ ગ્રીન એનર્જી તરફનું નક્કર પગલું સાબિત થશે. એટલું જ નહિ,
ભારતમાં ઊર્જા ક્ષેત્રે આવેલા મહત્વપૂર્ણ બદલાવ તેમજ વર્ષ ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો ઊર્જા ઉત્સર્જન અને ડી-કાર્બોનાઇઝેશનની દિશામાં તૈયાર કરવામાં આવેલા ખાસ વ્યૂહાત્મક રોડમેપ અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવા આ બે દિવસીય કોન્ક્લેવ મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમના દૂરંદેશી અને સક્ષમ નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૧૦માં સોલાર પોલિસીને સ્પષ્ટ કરનાર અને ક્લાયમેટ ચેન્જ માટે અલાયદો વિભાગ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું. ત્યારથી, ગુજરાતની રિન્યુએબલ કેપેસિટી ૨૦ વર્ષમાં ૦.૦૧ GW થી વધીને ૨૨.૫ GW થઈ છે જે ભારતની રીન્યુએબલ એનર્જી બાસ્કેટમાં ૧૫ ટકા જેટલો ફાળો આપે છે. એટલું જ નહિ, આજથી ૨૦ વર્ષ પહેલાં શ્રી મોદીએ ગુજરાતમાં જ્યોતિ ગ્રામ યોજના શરૂ કરી ગ્રામીણ વિસ્તારમાં ગ્રામજનોને ૨૪ કલાક વીજળી આપવાની શરૂઆત કરી હતી.
મંત્રી શ્રી દેસાઈએ ઊર્જા ક્ષેત્રે ગુજરાતે મેળવેલી સિદ્ધિઓ અંગે વિગતો આપતા કહ્યું કે, વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૦ ગીગાવોટનું લક્ષ્ય હાંસલ કરવાના વડાપ્રધાનશ્રીના લક્ષ્યને ધ્યાને રાખી ગુજરાત સરકારે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. જેના પરિણામ સ્વરૂપે આજે ભારતમાં માથાદીઠ વપરાશ ૧૨૫૫ યુનિટ છે જ્યારે ગુજરાતમાં ૨૨૮૩ યુનિટ છે. નીતિ આયોગ સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઈમેટ ઈન્ડેક્સ ૨૦૨૨માં ગુજરાત પ્રથમ ક્રમે છે. સ્થાપિત ક્ષમતા ધરાવતા તમામ રાજ્યોમાં ગુજરાત કુલ સ્થાપિત ક્ષમતામાં પ્રથમ ક્રમે છે. સ્થાપિત ક્ષમતા સાથે રીન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં તમામ રાજ્યોમાં ૨૨.૫ GWની સામે ગુજરાત આશરે ૪૮.૫ GW સાથે બીજા ક્રમે છે. એટલું જ નહિ, અંદાજે ૧૧ GW સ્થાપિત ક્ષમતા સાથે ગુજરાત પવન ઊર્જામાં પ્રથમ ક્રમે છે. આશરે ૧૦.૪ ગીગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે સૌર ઊર્જામાં ગુજરાત બીજા ક્રમે છે.
૧.૯ GW એટલે કે દેશની કુલ સ્થાપિત ક્ષમતાના ૮૧% સ્થાપિત ક્ષમતા સાથે રહેણાંક રૂફટોપ સોલરમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. ગુજરાતના મોઢેરાને “આત્મનિર્ભર” અને “સ્માર્ટ વિલેજ” તરીકે પ્રદૂષણ મુક્ત અને ક્લીન એનર્જી મેળવનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. ઉપરાંત ૨૦૩૦ સુધીમાં ૧૦૦+ GW પુનઃપ્રાપ્ય ક્ષમતાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ગુજરાતે રિન્યુએબલ એનર્જી પોલિસી-૨૦૨૩ જાહેર કરી છે.
ગુજરાત પોતાની ઉર્જા જરૂરિયાતો રીન્યુએબલ એનર્જી દ્વારા પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છે, જે અંતર્ગત ગુજરાત ૨૦૩૦ સુધીમાં ૮ ગીગાવોટ ઊર્જા સંગ્રહ અને ૨ ગીગાવોટ ઓફશોર પાવરનું આયોજન કરી રહ્યું છે. ગુજરાત પવન અને સૌર નબળા ઉત્પાદનના ગુણને પૂરક બનાવવા માટે પંપ હાઇડ્રો એટલે કે ૩૨.૩ ગીગાવોટની સંભવિતતા, ઊર્જા સંગ્રહ અને ઑફ-શોર પવન તકનીકોની પણ શોધ કરી રહ્યું છે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન અને નિકાસ માટે હબ બનાવવા માટે રાજ્ય સરકારે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગુજરાતે ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવા માટે પાવર સપ્લાય કરવા માટે રીન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સના વિકાસ માટે જમીન નીતિ ૨૦૨૩ જાહેર કરી છે અને વિકાસકર્તાઓને ફાળવણી માટે ૧.૯૯ લાખ હેક્ટર જમીન નિર્ધારિત પણ કરી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતે GUVNLના GETRI હેઠળ “C-NET” એટલે કે સેન્ટર ફોર નેટ ઝીરો એનર્જી ટ્રાન્ઝિશન નામની થિંક ટેન્કની સ્થાપના કરી છે. C-NET વર્ષ – ૨૦૭૦ સુધીમાં આપણા નેટ ઝીરો લક્ષ્યાંકને હાંસલ કરવા માટે વિગતવાર યોજના તૈયાર કરશે. તેના ભાગરૂપે GETRI એ SECI, GEDA અને GUVNL સાથે સંયુક્ત રીતે સેમિનારનું આયોજન કર્યું છે.
કેન્દ્રીય પાવર, ન્યુ એન્ડ રીન્યુબલ એનર્જી મંત્રાલયના સચિવ શ્રી ભુપેન્દ્રસિંધ ભલ્લાએ જણાવ્યું હતું કે, ક્લાયમેટ ચેન્જની સમસ્યાના હલ માટે ભારત સહિત વૈશ્વિક નેતાઓની ઉપસ્થિતિમાં હાલમાં દુબઈ ખાતે COP -28 કોન્ફરન્સ યોજાઇ રહી છે ત્યારે આ બે દિવસીય કોન્ફરન્સ ગુજરાત અને ભારતમાં પરંપરાગત ઊર્જા ક્ષેત્રે ઉત્પાદનની નવી તકો ઉપલબ્ધ કરાવશે. પ્રધાનમંત્રી શ્રી મોદીજીના માર્ગદર્શનમાં ભારત વર્ષ ૨૦૪૭ સુધીમાં જ નેટ ઝીરોનો લક્ષ્યાંક સિદ્ધ કરવા આગળ વધી રહ્યું છે તેમાં ગુજરાત પરંપરાગત ઊર્જા ઉત્પાદનમાં નેતૃત્વ કરશે તેવો વિશ્વાસ શ્રી ભલ્લાએ વ્યક્ત કર્યો હતો. ભારતમાં પરંપરાગત ઊર્જા ઉત્પાદન ક્ષેત્રે સપ્લાય ચેઈન એનર્જી સ્ટોરેજ સિસ્ટમ વધુ મજબૂત બનાવવી પડશે તેમ તેમણે ઉમેર્યું હતું.
સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સીએમડી શ્રી આર.પી ગુપ્તાએ કહ્યું હતું કે, હાલમાં દુબઈ ખાતે યોજાઇ રહેલી COP- 28 કોન્ફરન્સમાં પણ ભારતની ભૂમિકા અગત્યની છે. પેરીસ સંધિ મુજબ વર્ષ ૨૦૭૦ના નેટ ઝીરોના લક્ષ્યાંકને સમય પહેલાં હાંસલ કરવા ગુજરાત અને ભારત સરકાર કટિબદ્ધ છે.
નેટઝીરો સિદ્ધ કરવા આપણે સોલાર, વિન્ડ અને ગ્રીન હાઈડ્રોજન એનર્જી ઉત્પાદન તેમજ સ્ટોરેજ વધારવા પર ભાર મુકવો પડશે. આ સાથે કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઘટે તે માટે ઈલેક્ટ્રોનિક વાહનો અને ઉદ્યોગમાં રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ થાય તે દિશામાં સંયુક્ત પ્રયાસો કરવા જરૂરી છે. ગુજરાતમાં વિશાળ રણ અને દરિયા કિનારો હોવાથી સોલાર, પવન અને ઓફ શોર એનર્જી ઉત્પાદનમાં વિપુલ તકો રહેલી છે તેનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત રોકાણકારોને શ્રી ગુપ્તાએ અનુરોધ કર્યો હતો.
ગુજરાત ઊર્જા વિભાગના અગ્ર સચિવ શ્રી મમતા વર્માએ બે દિવસીય કોન્ફરન્સમાં સૌને આવકારતાં કહ્યું હતું કે, ગુજરાત સરકારે પરંપરાગત ઊર્જા ઉત્પાદન ક્ષેત્રે ખૂબ જ નવા નવા આયામો શરૂ કર્યા છે જેના પરિણામ સ્વરૂપે વર્ષ ૨૦૭૦ના નેટ ઝીરોનો લક્ષ્યાંક વર્ષ ૨૦૩૦ પહેલાં જ હાંસલ કરવાની દિશામાં રાજ્ય આગળ વધી રહ્યું છે. ગુજરાત સોલાર એનર્જી, વિન્ડ એનર્જી, ગ્રીન એનર્જી સહિત વિવિધ પરંપરાગત તેમજ ટકાઉ ઊર્જા ઉત્પાદનમાં અગ્રેસર છે. ગુજરાત સરકારે પરંપરાગત ઊર્જા ઉત્પાદન ક્ષેત્રે નવી તકો ઉભી કરવા માટે રિન્યુએબલ એનર્જી નીતિ પણ જાહેર કરી છે. આ બે દિવસીય કોન્ફરન્સમાં પરંપરાગત ઊર્જા ક્ષેત્રે કામ કરતા તજજ્ઞો તેમજ રોકાણકારો દ્વારા વિવિધ વિચાર મંથન-સૂચનો ગુજરાત અને ભારતને ઊર્જા ક્ષેત્રે વધુ પગભર બનાવશે.
ઉદ્દઘાટન પ્રસંગે GUVNLના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જય પ્રકાશ શિવહરેએ ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો. તા. ૧ અને ૨ ડિસેમ્બર એમ બે દિવસીય કોન્ફરન્સમાં તજજ્ઞો અને રોકાણકારોની ઉપસ્થિતિમાં ઊર્જાની જરૂરિયાતો, રિફોર્મ,ગ્રિડ ઈન્ટિગ્રેશન અને ઊર્જા ક્ષેત્રે ભારતની વૈશ્વિક ભૂમિકા અંગે રોડ મેપ તૈયાર કરવા વિવિધ સત્રો યોજાશે.
આ પ્રસંગે ગુજરાતના પૂર્વ સચિવ ડો. આઇ.પી. ગૌતમ, જેડાના એમડી શ્રી અજય કુમાર, ઊર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત ઊર્જા ક્ષેત્રના ઉદ્યોગના અગ્રણીઓ, નિષ્ણાતો તેમજ પ્રતિષ્ઠિત પેનલ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.