વિશ્વનો આઠમો અને ગુજરાતી ફિલ્મી દુનિયાનો પ્રથમ અજૂબો – કસૂંબો
*કસૂંબો* ⭐⭐⭐⭐⭐
*ફિલ્મ રિવ્યૂ* – રાજેશ પી. હિંગુ દ્વારા
• ફિલ્મનો અંત અનપ્રીડીક્ટેબલ છે
• વાર્તા, લેખન, ડાયલૉગ્સ્, દિગ્દર્શન, ગીત, સંગીત, કાસ્ટીંગ, અભિનય : 10 આઉટ ઓફ 10
ગુજરાત, ફેબ્રુઆરી 2024 : 16મી ફેબ્રુઆરી એ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ “કસૂંબો” 14મી સદીની ઐતિહાસિક ગાથાને રૂપેરી પડદે જીવંત જોવાનો રોમાંચક અનુભવ કરાવે છે. કસૂંબો એ બારોટ સમાજના બલિદાનની વાત છે, બારોટ સમાજના શૌર્ય અને સમર્પણની વાત છે, બારોટ સમાજના 51 શૂરવીરોની વાત છે.
અલાઉદ્દીન ખીલજીથી શૈત્રુંજય પર્વત પર આવેલા તીર્થ જૈન મંદિરોની રક્ષા કરવા માટે આદિપુર ગામના વડા દાદુ બારોટના નેજા હેઠળ બારોટ સમાજના શૂરવીરો લડવા મારવા માટે તૈયાર છે. ખીલજીના હજારો સૈનિકો સામે લડવા માટે 100 બારોટો પણ નથી. છતાં પણ 1 બારોટ 1000 ના માથા વાઢે એવું શૌર્ય અને તેમનું બલિદાન જે રીતે ફિલ્મમાં દર્શાવાયું છે એ દૃશ્યો તમામ દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે.
રામ મોરી અને વિજયગીરી બાવા એ ફિલ્મની વાર્તા લખી છે, જેનું દિગ્દર્શન વિજયગીરી બાવા એ કર્યુ છે. લખાણમાં કે દિગ્દર્શનમાં ક્યાંય કોઈ કચાશ રાખી નથી.. પોતાનું 100% નહિ પણ 1000% વિજયગીરી એ આપ્યું છે તેની સાબિતી ફિલ્મ જોઈને મળી જશે.
મલ્ટી-સ્ટારર ફિલ્મ છે અને દરેક પાત્રોએ પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે. કાસ્ટીંગ પણ બખૂબી થયું છે, દરેક કલાકારને ભાગે આવેલું પાત્ર શોભે છે, એમ પણ કહી શકાય કે જે તે કલાકાર તેમણે ભજવેલા પાત્રમાં ઝળહળે છે.
બધા પાત્રો વિશે અહીં વાત કરવી શક્ય નથી, પણ ફિલ્મમાં મુખ્ય પાત્રમાં ધર્મેન્દ્ર ગોહિલ (દાદુ બારોટ), રોનક કામદાર (અમર), શ્રધ્ધા ડાંગર (સુજન), ચેતન ધાનાણી (અર્જુન), દર્શન પંડ્યા (અલાઉદ્દીન ખીલજી), એમ મોનલ ગજ્જર (રોશન – ખીલજીની ભાણી), ઉપરાંત ફિરોઝ ઈરાની, કોમલ ઠક્કર, કલ્પના ગાગડેકર, જય ભટ્ટ, બિમલ ત્રિવેદી, રાગી જાની, શૌનક વ્યાસ તથા અન્ય કલાકારો.
ફિલ્મની વાર્તા લખી છે રામ મોરી અને વિજયગીરી બાવાએ. ફિલ્મનું દિગ્દર્શન કર્યુ છે વિજયગીરી બાવાએ. ફિલ્મમાં દમદાર સંગીત આપ્યું છે મેહુલ સુરતીએ. આ અનોખી ફિલ્મમાં જોડાવા બદલ જેમના સાહસને બિરદાવવા જરૂરી છે તેવા ફિલ્મના નિર્માતા : 1. વિજયગીરી બાવા, 2. ટ્વિંકલ વિજયગીરી બાવા, 3. કૃષ્ણદેવ યાજ્ઞિક, 4. ડૉ. જયેશ પાવરા, 5. નિલય ચોટાઇ, 6. દિલીપ દવે, 7. પ્રવીણ પટેલ, 8. તુષાર શાહ, 9. દીપેન પટેલ, 10. મયુર સોલંકી.
ફિલ્મની વાર્તા દર્શકોને અંત સુધી ઝકડી રાખે છે. અને ફિલ્મનો અંત તો અકલ્પનીય છે. રૂંવાડા ઉભા કરી દેતો અને આંખોના ખૂણા ભીંજવી દેતો અકલ્પનીય ફિલ્મનો અંત જોઈને દર્શકો એક અચંભા સાથે થિયેટરની બહાર નીકળે છે. ખમકારે ખોડલ સહાય છે.
ફિલ્મને 5/5 સ્ટાર ⭐⭐⭐⭐⭐